દુબઈ: રવિવાર, 20 ઓક્ટોબરનો દિવસ ન્યૂ ઝીલેન્ડની મહિલાઓ તેમ જ પુરુષોની ક્રિકેટ માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. દુબઈમાં રવિવારે રાત્રે ન્યૂ ઝીલેન્ડની વિમેન્સ ટીમે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને પહેલી વાર ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. ચેમ્પિયન ટીમની કેપ્ટન સોફી ડિવાઈને ટ્રોફી જીત્યા બાદ ખાસ ભારતનું નામ લીધું હતું.
એ પહેલાં, બેંગ્લૂરુમાં ટૉમ લેથમના સુકાનમાં ન્યૂ ઝીલેન્ડની મેન્સ ટેસ્ટ ટીમે ટીમ ઇન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી હતી. એ સાથે, ભારતમાં ન્યૂ ઝીલેન્ડ 36 વર્ષે ફરી ટેસ્ટ મૅચ જીતવામાં સફળ થયું છે.
દુબઈમાં મહિલાઓની ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડે બેટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 158 કર્યા હતા. ભારતની ડબલ્યૂપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલી ઍમેલી કેરના 43 રન એમાં હાઈએસ્ટ હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 126 રન બનાવી શકી હતી. ન્યૂ ઝીલેન્ડની બોલર રોઝમેરી મેઇર અને એમેલી કેરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઓલરાઉન્ડર ઍમેલી કેરને પ્લેયર ઓફ ધ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો.
ન્યૂ ઝીલેન્ડની ચેમ્પિયન કેપ્ટન સોફી ડિવાઇન ભારતની ડબ્લ્યૂપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ વતી રમી ચૂકી છે. માર્ચ, 2024માં સ્મૃતિ મંધાનાના સુકાનમાં બેંગ્લૂરુની ટીમ ડબલ્યૂપીએલની નવી ચેમ્પિયન બની હતી. રવિવારે ડિવાઇનના નેતૃત્વમાં મહિલાઓની
ટી-20ને નવું વર્લ્ડ ચેમ્પિયન મળ્યું.
વિજેતા કેપ્ટન સોફી ડિવાઇને ચેમ્પિયનપદ મેળવ્યા પછીની સ્પીચમાં ખાસ ભારત સામેની જીતનો ઉલ્લેખ કર્યો હતો. વર્લ્ડ કપ ત્રીજી ઓક્ટોબરે શરૂ થયો હતો. ત્યારે ટ્રોફી જીતવા માટે ઓસ્ટ્રેલિયા તેમ જ ભારતની ટીમ ફેવરિટ ગણાતી હતી. ન્યૂ ઝીલેન્ડની ગણના ત્યારે ડાર્ક કોર્સ તરીકે પણ નહોતી થતી. જોકે સોફી ડિવાઇનની એ જ ટીમ હવે ટી-20ની નવી વિશ્વવિજેતા બની છે.
ડિવાઇને યાદગાર વિજય મેળવ્યા પછી કહ્યું, ”ચોથી ઓક્ટોબરે અમે ભારત સામે પહેલી જ લીગ મૅચ સારી રીતે જીતી લીધી એને જ હું ટૂર્નામેન્ટનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ ગણું છું. ભારત સામેના એ વિજય સાથે ટ્રોફી જીતવા માટેનો અમારો આત્મવિશ્વાસ અનેક ઘણો વધી ગયો હતો. ભારત સામેની જીત સાથે જ જાણે અમારી સુવર્ણ સફર શરૂ થઈ હતી.”
ભારત સામેની મેચમાં ખુદ કેપ્ટન ડિવાઈને અણનમ 57 રન કર્યા હતા અને તેની ટીમે ભારતને 58 રનથી હરાવ્યું હતું.