Ahmedabad માં વાતાવરણ પલટાયું, ઠંડા પવનો ફૂંકાયા, કડાકા ભડાકા સાથે વરસાદ
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે
અમદાવાદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાયો હતો . તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર અને વરસાદી છાંટા પડ્યા છે.
પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.
આજે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સોમવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. અહીં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકથી ઓછી રહેવાની સંભાવના છે. સાથે મધ્યમ વરસાદની આગાહી છે. બીજી બાજુ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભાવનગર અને ડાંગમાં યલો એલર્ટ છે. જ્યાં હળવા વરસાદની આગાહી છે.
છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ
ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે જ્યારે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે સોમવારે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.