રાજધાની એક્સપ્રેસમાં રેલવે સ્ટાફની ઝડપી કાર્યવાહીએ બચાવ્યો એક યાત્રીનો જીવ
દિલ્લી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) ટ્રેન સુપ્રિટેન્ડન્ટની સૂઝબૂઝના લીધે એક યાત્રીનો જીવ બચી ગયો છે. એક મુસાફરને છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક ડૉક્ટરની ટીમને બોલાવી લેવામા આવી હતી અને અંતે બધાની મહેનતના ભાગરૂપે એક યાત્રીનો જીવ બચી ગયો હતો.
દિલ્લી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસના ટ્રેન સુપ્રિટેન્ડન્ટ રાકેશ કુમાર પાઠકની સૂઝબૂઝના લીધેએક યાત્રીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. નવી દિલ્લી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા રાઘવ શર્મા નામના મુસાફરને નવી દિલ્લી સ્ટેશન પર ટ્રેનમાં બેસવાની સાથે જ તેમની છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો.
આ પણ વાંચો : આ રાજ્યની સરકારની મોટી જાહેરાત
આ સમયે રાકેશ કુમાર પાઠકે ટ્રેન સુપ્રિટેન્ડન્ટે યાત્રીને પેન્ટ્રી કારમાં સુવડાવ્યા અને તરત કોમર્શિયલ કન્ટ્રોલને સૂચના આપી કે દિલ્લી કેન્ટ સ્ટેશન પર ડૉક્ટરની જરૂર છે તથા ટ્રેનમાં પણ ડૉક્ટર માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. એનાઉન્સમેન્ટ સાંભળીને તે જ ટ્રેનમાં યાત્રા કરી રહેલા એક લેડી ડૉક્ટર સહિત 6-7 ડૉક્ટર પણ આવી ગયા હતા. ડૉક્ટર્સ દ્વારા ચેક કરીને તેમનો ઈલાજ કરવામાં આવ્યો હતો. આથી યાત્રીને દુખાવામાંથી રાહત મળી હતી.
ત્યારે યાત્રીના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને પરિવારને પૂર્ણરૂપે આશ્વાસન પણ આપવામાં આવ્યું. યાત્રીએ પોતે કહ્યું છે કે હું હવે ઘણો સ્વસ્થ છું, આથી મને યાત્રા કરવા દેવામાં આવે. યાત્રીને રાહત થયા બાદ તેમની જ બર્થ પર સુવડાવવામાં આવ્યા હતા. રાતના સમયે પણ રેલવે સ્ટાફ વારંવાર ચેક કરતો રહ્યો હતો. યાત્રીએ સવારે ઉઠીને તમામ સ્ટાફ અને ડૉક્ટરનો આભાર માન્યો હતો.