ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરોને ભારતમાં આટલી ટેસ્ટ બાદ જીતવા મળ્યું…
કિવીઓએ બુમરાહના ખોફમાંથી બહાર આવીને 107 રનનો લક્ષ્યાંક મેળવી લીધો: રાચિન રવીન્દ્ર મૅન ઑફ ધ મૅચ
બેન્ગલૂરુ: ન્યૂ ઝીલૅન્ડે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં રવિવારના છેલ્લા દિવસે આઠ વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી. કિવીઓને ભારતમાં 19 ટેસ્ટ રમ્યા બાદ છેક હવે પહેલી વાર જીતવા મળ્યું છે.
આ પણ વાંચો : IND vs NZ 1st Test: ટીમ ઇન્ડિયા અગાઉ આનાથી પણ ઓછો સ્કોર ડીફેન્ડ કરી ચુકી છે, આજે ચમત્કારની આશા
ટેસ્ટના વર્લ્ડ રૅન્કિંગમાં ભારત બીજા નંબરે છે અને ટેસ્ટના વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ) માટેના રૅન્કિંગમાં પહેલા નંબરે છે, પરંતુ ન્યૂ ઝીલૅન્ડે ભારતને 107 રનનો નાનો લક્ષ્યાંક થોડા સંઘર્ષ બાદ છેવટે હાંસલ કરી લીધો હતો. એ સાથે, કિવીઓ ભારતમાં 36 વર્ષે ફરી ટેસ્ટ મૅચ જીતવામાં સફળ થયા છે. ભારતમાં ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓ કુલ 37 ટેસ્ટ રમ્યા છે જેમાંથી ફક્ત ત્રણ જીત્યા છે, 17 ટેસ્ટ હાર્યા છે અને 17 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.
1988માં વાનખેડેની જીત બાદ કિવીઓ ભારતમાં 10 ટેસ્ટ હાર્યા હતા અને નવ ટેસ્ટ ડ્રૉ થઈ હતી. એ રીતે કિવીઓને ભારતમાં 19 ટેસ્ટ રમ્યા બાદ પહેલી વાર જીતવા મળ્યું છે.
છેલ્લે 1988 માં વાનખેડે સ્ટેડિયમમાં જૉન રાઇટના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ જીતી હતી. એ મૅચમાં કિવીઓએ ભારતને 136 રનથી હરાવ્યું હતું. કિવીઓની એ ટીમમાં સર રિચર્ડ હેડલી, ઇવાન ચૅટફીલ્ડ, ડૅની મૉરિસન, જૉન બ્રેસવેલ, વિકેટકીપર ઇયાન સ્મિથ, કેન રુધરફર્ડ, માર્ક ગ્રેટબૅચ અને ટ્રેવર ફ્રેન્કલિન જેવા જાણીતા ખેલાડીઓ હતા.
શનિવાર રાતથી વરસાદ પડ્યો હોવાથી મેદાન ભીનું હતું જેને કારણે રવિવારની રમત મોડી શરૂ થઈ હતી. ન્યૂ ઝીલૅન્ડે 107 રનનો નાનો ટાર્ગેટ મેળવવાનો હતો, પરંતુ ભારતના વર્લ્ડ ક્લાસ બોલર્સ સામે એ મિશન હાંસલ કરવાનું તેમના માટે સાવ આસાન નહોતું. તેમની બન્ને વિકેટ જસપ્રીત બુમરાહે (8-1-29-2) લીધી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજાની 7.4 ઓવરમાં થોડી ફોર ફટકારીને કિવી બૅટર્સે ટીમ પરનો બોજ હળવો કરી નાખ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડના ત્રણ બૅટર (ડેવૉન કૉન્વે, વિલ યંગ અને રાચિન રવીન્દ્ર)એ મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આર. અશ્ર્વિન સામે પણ ટક્કર ઝીલી હતી અને પોતાની ટીમને નાનું-મોટું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો : હિટમૅન રોહિત મેદાન પર જવાનો રસ્તો જ ભૂલી ગયો!
કૅપ્ટન ટૉમ લૅથમ શૂન્યમાં આઉટ થયો હતો, પરંતુ કૉન્વેએ 68 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને (બુમરાહ, સિરાજના બાઉન્સર્સ ઝીલીને) 39 બૉલમાં 17 રન બનાવ્યા હતા. વિલ યંગ 119 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહ્યો અને 76 બૉલમાં અણનમ 48 રન બનાવીને બીજા દાવનો સ્ટાર બૅટર બન્યો હતો. તેને રાચિન રવીન્દ્ર (58 મિનિટ અને 46 બૉલમાં અણનમ 39) બહુ સારો સાથ મળ્યો હતો. કૉન્વે ત્રણ ફોર ફટકારી શક્યો હતો, જ્યારે યંગના નામે એક સિક્સર તથા સાત ફોર તેમ જ રાચિનના નામે છ ફોર હતી. યંગ-રાચિન વચ્ચે ત્રીજી વિકેટ માટે 75 રનની અતૂટ અને મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.
બુમરાહ અને સિરાજે સવારથી જ કિવી બૅટર્સ પર ધાક જમાવી હતી. જોકે ભારતને આ તબક્કે ત્રીજા પેસ બોલરની ખોટ વર્તાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ટીમની ઇલેવનમાં આકાશ દીપને બદલે સ્પિનર કુલદીપ યાદવને સમાવવામાં આવ્યો હતો.
આ ટેસ્ટમાં ભારતીયોએ પ્રથમ દાવમાં ફક્ત 46 રન બનાવીને કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને નિરાશ કર્યા હતા, પરંતુ બીજા દાવમાં ભારતીય બૅટર્સે (ખાસ કરીને સરફરાઝ ખાને 150 રન અને રિષભ પંતે 99 રન બનાવીને) જોરદાર વળતી લડત આપી હતી.
આ પણ વાંચો : IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હવે ભારતીયોએ આરામ કર્યા વગર બીજી ટેસ્ટ માટેની તૈયારી શરૂ કરી દેવી પડશે, કારણકે પુણેની એ ટેસ્ટ ત્રણ જ દિવસ બાદ (24મી ઑક્ટોબરે) શરૂ થવાની છે.