ખેડૂત પરિવારને છેતરી 11 કરોડ ચૂંટણી બોન્ડમાં જમા કરાવ્યા: કોર્ટે આપ્યો તપાસનો હુકમ
ભુજ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામના એક દલિત ખેડૂત પરિવારને જમીન સંપાદન પેટે મળેલા 11 કરોડ રૂપિયાને બળપૂર્વક વિવાદાસ્પદ બનેલા ‘ગોપનીય’ ચૂંટણી બોન્ડમાં જમા કરાવવાના ચકચારી પ્રકરણમાં લાંબી લડત બાદ અંજારની ખાસ અદાલતે ફરિયાદ દાખલ કરીને પોલીસ તપાસનો હુકમ કર્યો છે.
લોકસભા ચૂંટણી વખતે વિપક્ષોએ ઉઠાવેલા ગંભીર સવાલો બાદ દેશની સુપ્રીમ કૉર્ટે ઈલેક્ટોરોલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી તેને નાબૂદ કરી બોન્ડ પેટે કઈ સંસ્થા કે વ્યક્તિએ પૈસા જમા કરાવ્યા અને તે કયા રાજકીય પક્ષોના ખાતામાં જમા થયા તે અંગેની વિગતો જાહેર કરાવ્યાં બાદ કચ્છમાં આચરવામાં આવેલું આ કૌભાંડ બહાર આવ્યું હતું.
રકમ દોઢી થવાની આપી હતી લાલચ:
વરસામેડીના 61 વર્ષિય ખેડૂત સવા મણવર અને તેમના ભાઈના વારસદારને નામે ગામમાં આવેલાં બે ખેતરોની જમીન વેલસ્પન કંપનીના ઔદ્યોગિક હિત માટે અંજારના નાયબ કલેક્ટરે સંપાદિત કરીને 6 વારસોના ખાતામાં 16 કરોડ રૂપિયા વળતર જમા કરાવ્યું હતું. વળતરની રકમ જમા થાય એ પહેલાં વેલસ્પનના મહેન્દ્રસિંહ ફતેસિંહ સોઢા નામના અધિકારીએ લાભાર્થીઓ સાથે બેઠક યોજીને આ નાણાં ચૂંટણી બોન્ડમાં રોકવાથી દોઢી રકમ પરત મળશે એવું પ્રલોભન આપ્યું હતું.
અંજારની ખાનગી બેંકમાં ખોલાવ્યું ખાતું:
અભણ ખેતમજૂર પરિવારનો વિશ્વાસ કેળવ્યાં બાદ મહેન્દ્રએ સવાભાઈના ભત્રીજા દેવા મણવરની તરફેણમાં અન્ય સદસ્યોનું પાવરનામું કરાવી આ અસલ પાવરનામું મહેન્દ્રએ પોતાની પાસે રાખી દીધું હતું અને મણવર પરિવાર નિર્ણય પરથી બદલી ના જાય તે હેતુ તેમના બેન્ક ખાતા વરસામેડી ગામની બેન્કમાં હોવા છતાં જમીન સંપાદન અધિકારીનું ખાતું અંજારની એક્સિસ બેન્કમાં હોઈ તેમાં બીજા ખાતાં ખોલાવ્યાં હતાં.
પૈસા ટ્રાન્સફર થયા બાદ કરી દીધા હાથ ઊંચા:
ત્યારબાદ સવાભાઈ અને તેમના પાંચ કુટુંબીજનોના ખાતામાંવળતરની રકમ જમા થયાના બીજા દિવસે મહેન્દ્ર તેમને અંજારની એક્સિસ બેન્કમાં લઈ જઈને સહીઓ કરાવીને કુલ 11 કરોડ 14 હજાર રૂપિયાની માતબર રકમ ગાંધીનગરની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના ખાતામાં જમા કરાવી દીધી હતી. બીજા દિવસે પાવરદાર દેવાભાઈને ગાંધીનગર એસબીઆઈમાં લઈ જઈને ચૂંટણી બોન્ડના કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. નાણાં જમા થયાના થોડાંક સમય બાદ સવાભાઈએ પોતાના રૂપિયા ક્યારે પરત મળશે તેવું પૂછતાં મહેન્દ્રએ જવાબ આપ્યો હતો કે ‘એ તો જમા થઈ ગયાં, હવે પરત ના મળે’!
છેતરાઈ ગયેલા કારાભાઈના ભત્રીજા દેવાભાઈએ મહેન્દ્ર અને બેન્કને પત્ર લખીને પોતાના નામની અસલ પાવર ઑફ એટર્ની અને તેમની સહી લીધી હતી તે તમામ દસ્તાવેજોની નકલ માંગી હતી જે આજ દિન સુધી આરોપીઓએ પરત આપી નથી. આ ઉપરાંત ભોગ બનનારા સવાભાઈએ અંજાર પોલીસને પણ ફરિયાદ અરજી આપી હતી પરંતુ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની તસ્દી ન લેતાં સવાભાઈએ અંજારના એટ્રોસીટી સ્પેશિયલ જજની કૉર્ટમાં મહેન્દ્ર સોઢા, ગાંધીનગર સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા અને તેના મહિલા અધિકારી પ્રિયંકા વર્મા વિરુધ્ધ ન્યાય સંહિતાની કલમ 420, 468,371, 120-બી, 114 તથા એટ્રોસીટી એક્ટની કલમો અંતર્ગત નોંધાવેલી ફરિયાદ પરથી અદાલતે અંજાર પોલીસને તપાસ કરવા હુકમ કર્યો છે.