ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં વધારો, પણ પાછોત્તરા વરસાદનો માર ઝીલવો પડશે ખેડૂતોએ
અમદાવાદ: મગફળી એ સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને રાજ્યના છ જિલ્લાનાં અર્થતંત્ર એક અથવા બીજી રીતે મગફળી ઉપર નિર્ભર છે. ગુજરાતમાં મગફળીની ખેતી ખુબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં થાય છે. આ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન 42.19 લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 26 ટકા વધુ છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ આ સંદર્ભમાં આંકડા જાહેર કર્યા છે.
SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આ વર્ષે 42.19 લાખ ટન મગફળીનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા છે. જે વર્ષ 2021-22માં થયેલા 38.55 લાખ ટનના અગાઉના રેકોર્ડને તોડી નાખે તેવી ધારણા છે. સંસ્થાએ ગઈકાલ શનિવારે જ તેના ત્રણ દિવસીય સર્વેક્ષણને સમાપ્ત કર્યું હતું. ગયા વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 33.45 લાખ ટન રહ્યું હતું.
આપણ વાંચો: આસોમાં અષાઢી માહોલ: અમદાવાદમાં વરસાદી ઝાપટા- સૌરાષ્ટ્રમાં ખેતી પાકોને નુકસાન…
આ જિલ્લામાં થશે સૌથી વધુ ઉત્પાદન:
સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે “રાજ્યમાં સારા પ્રમાણમાં પડેલા વરસાદને લઈને મગફળીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાની ધારણા છે. ગયા વર્ષે પ્રતિ હેક્ટર જે ઉત્પાદન 2,045 કિગ્રા થયું હતું તે વધીને 2,210 કિગ્રા પ્રતિ હેક્ટર થઈ ગયું છે. 2023ની ખરીફ સિઝનમાં મગફળીના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે. આ વર્ષે ખરીફ સિઝનમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન જામનગર જિલ્લામાં થયું છે. આ વર્ષે અહી હેક્ટર દીઠ 2,625 કિલોગ્રામનું ઉત્પાદન નોંધાયુ છે. આ સિવાય દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં પણ મગફળીનું ઉત્પાદન 2,500 કિલો પ્રતિ હેક્ટર રહ્યું છે.
ભાવ પર શું રહેશે અસર?
ગયા વર્ષે ખેડૂતોને મગફળીના પાકના સારા ભાવ મળ્યા હતા અને બજાર સ્થિર રહ્યું હતું. તેના લીધે આ વર્ષે કપાસના બદલે મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જાણકારોના મતે સારા ઉત્પાદનની અસર ભાવ પર પણ જોવા મળશે. તેલીબિયાંના મામલે સરકાર આત્મનિર્ભરતા માટે પ્રયાસ કરી રહી છે. આવા સમયે મગફળીના વિક્રમી ઉત્પાદનનો આંકડો રાહત આપનારો છે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે અને દેશ આર્થિક રીતે પણ મજબૂત થશે.
પાછતરા વરસાદથી થશે ઉત્પાદનને અસર:
એકતરફ મગફળીનું વિક્રમી વાવેતર છે તો બીજી બાજુ પાછતરા પડેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાક રૂપે મોઢે આવેલો કોળીયો ઝૂંટવાયો હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે. મગફળીનો પાક થતાં ખેડૂતોએ પાકના પાથરા રાખીને તૈયાર કર્યા હતા. આવા મોસમને સમયે જ પડેલા વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરી નાખ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે.