અગાઉ અમેરિકાની સરખામણીએ કૅનેડા જઈને ત્યાં વસી જવું સરળ હતું. જોબ અને ઉજજવળ ભવિષ્યની ભરપૂર તક રહેતી, પણ હવે બન્ને દેશ વચ્ચે રાજકીય અંટશ પડી છે અને મુદ્દો અહમ્નો બની ગયો છે. ખાલિસ્તાનીઓના આતંકવાદને લઈને બન્ને દેશના સંબંધ દિન – પ્રતિદિન એવા વણસી રહ્યા છે કે કૅનેડા જવા ઉત્સુક લોકોએ ‘થોભો ને રાહ જુવો’ની જ નીતિ હવે અપનાવવી રહી…
ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મામલે ભારત અને કેનેડાના સંબંધો પહેલેથી તણાવપૂર્ણ હતા જ ને તેમાં જસ્ટિન ટ્રુડોની સરકારે ફરી ભારત સરકારની સંડોવણીના આક્ષેપ કરતાં વિસ્ફોટ થઈ ગયો છે. બંને દેશે સામસામે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. ભારત કે કેનેડા બંનેમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી એ જોતાં હજુ આ રાજનૈતિક સંબંધોમાં વધારે કડવાશ આવી શકે છે.
આ કડવાશ માટે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જવાબદાર છે. નિજજરની ગયા વરસના જૂનમાં હત્યા થઈ પછી કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ નિજજરની હત્યામાં ભારતનો હાથ-સાથ હોવાનો આક્ષેપ કરેલો, આ કારણે બંને દેશ સામસામે આવી ગયેલા. બંનેએ મોટા પાયે એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરેલી. ભારતે કેનેડાના નાગરિકોને ભારતના વિઝા આપવાના પણ બંધ કરી દીધા હતા. કેનેડાએ ભારતના રાજદ્વારીઓને તપાસ માટે હાજર કરવા ભારતને કહેલું પણ ભારત તપાસમાં બીજી રીતે સહકાર આપવા તૈયાર હતું, પરંતુ ભારતના રાજદ્વારીઓની પૂછપરછ માટે તૈયાર નહોતું. તેના કારણે સંબંધોમાં તણાવ હતો જ ત્યાં કેનેડાએ ભારતને મોકલેલી ડિપ્લોમેટિક નોટમાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સહિતના ભારતના ટોચના રાજદ્વારી નિજજરની હત્યામાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો. સાથે સાથે એમને તપાસ માટે હાજર થવા કહેલું, પણ ભારતને એ મંજૂર નહોતું.
કેનેડાએ દાવો કર્યો કે, અમે ભારતને વર્મા સહિતના રાજદ્વારીઓની નિજજરની હત્યામાં સંડોવણીના પુરાવા આપ્યા છે….
જોકે કેનેડા જૂઠું બોલતું હતું તેની પોલ બે દિવસમાં જ ખૂલી ગઈ કેમ કે ટ્રુડોએ પોતે જ સ્વીકારવું પડ્યું કે, ભારતને અમે માત્ર ઈન્ટેલિજન્સ ઈનપુટ આપ્યા છે, રાજદ્વારીઓની સંડોવણીના કોઈ પુરાવા નથી આપ્યા. જોકે ટ્રુડોની ચોખવટ પહેલાં જ જે તોફાન થવાનું હતું એ થઈ ગયેલું ને ભારતે છ રાજદ્વારીને કેનેડાથી પાછા બોલાવી લીધા અને આકરા તેવર બતાવીને કેનેડાના છ રાજદ્વારીને ૧૯ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા ફરમાન કરેલું ને એ બધા પાછા રવાના પણ થઈ ગયા છે તેથી એક રીતે બંને દેશના રાજદ્વારી સંબંધોનો હાલ પૂરતો અંત આવી ગયો છે, કેમ કે ડિપ્લોમેટિક મિશનના હેડ જ રહ્યા નથી.
ભારત અને કેનેડાના સંબંધોમાં નવેસરથી થયેલા તણાવ માટે જસ્ટિન ટ્રુડોનું મતબેંકનું રાજકારણ જવાબદાર મનાય છે. કેનેડામાં હમણાં મોન્ટ્રિયલ બેઠકની પેટાચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટી ખરાબ રીતે હારી ગઈ. જૂનમાં ટોરન્ટો બેઠક પર પણ લિબરલ પાર્ટીની ભૂંડી હાર થયેલી. મોન્ટ્રિયલ અને ટોરન્ટો બંને લિબરલ પાર્ટીના ગઢ છે ,પણ બંને જગાએ ધોવાણ થતાં ૨૦૨૫માં યોજાનારી કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટીનું પડીકું વળી જવાનાં એંધાણ છે. ટ્રુડોએ આ ધોવાણને રોકવા માટે સીખ મતદારોને રિઝવવાની ક્વાયત શરૂ કરી છે.
બીજી તરફ, કેનેડામાં શીખ મતદારો પર ખાલિસ્તાનવાદીઓનો ભારે પ્રભાવ છે કેમ કે ગુરુદ્વારાઓ પર એમનો કબજો છે. કેનેડાની આજની ૩.૭૦ કરોડની વસ્તીમાં ૧૬ લાખ એટલે કે લગભગ ચાર ટકા ભારતીય મૂળનાં લોકો છે અને એમાંય વધારે પ્રમાણ શીખોનું છે. મૂળ ભારતીયોમાં લગભગ અડધા એટલે કે ૭.૭૦ લાખ શીખ છે. કેનેડાના ૩૩૮ સાંસદમાંથી ૧૮ શીખ છે. ૧૫ અન્ય બેઠકો એવી છે કે જ્યાં કોણ જીતશે એ શીખ મતદારો નક્કી કરે છે. કેનેડાની સંસદની ૩૩ એટલે કે ૧૦ ટકા બેઠકો પર શીખોનો પ્રભાવ છે તેથી શીખ સમુદાય અહીં કિંગમેકર છે. ટ્રુડોની પાર્ટીને સ્પષ્ટ બહુમતી માટે શીખોનો સાથ જરૂરી છે. બલ્કે દરેક પક્ષ શીખોનો સાથ ઈચ્છે છે તેથી કોઈ પણ રાજકીય પક્ષ શીખ સમુદાયને નારાજ કરવા માગતો નથી. ટ્રુડોની પાર્ટી તો એમના પિતાના સમયથી શીખોને રિઝવવાનો રેકોર્ડ ધરાવે છે તેથી ટ્રુડો પણ એ જ નીતિ અપનાવી રહ્યા છે. સત્તા માટે ભારતને નારાજ કરીને પણ શીખોને રાજી રાખવા મથ્યા કરે છે.
ટ્રુડોનું વલણ જોતાં ભારત સાથેના કેનેડાના સંબંધો પહેલાં જેવા મધુરા થવાની શક્યતા સાવ ઓછી છે તેમ છતાં ભારતીયોનો કેનેડાનો મોહ ઘટવાની શક્યતા ઓછી છે. તેનું કારણ એ કે, ભારતીયોમાં વિદેશમાં વસવાનો જબરસ્ત ક્રેઝ છે. તેમાં પણ ગુજરાતીઓ તો ગાંડાની જેમ વિદેશ ભણી ભાગી રહ્યા છે. . આ કારણે ભારત છોડીને વિદેશમાં સ્થાયી થવા માગતા ગુજરાતીઓ સહિતના ભારતીયો માટે કેનેડા હોટ ફેવરિટ રહ્યું છે. અમેરિકાની સરખામણીમાં કેનેડા જવું સરળ અને સસ્તું હતું. કેનેડામાં રહેવાનો ખર્ચ પણ પશ્ર્ચિમના બીજા દેશોથી ઓછો છે. એ ઉપરાંત ત્યાં અન્ય નાગરિકી સુવિધા પણ એ-ગ્રેડ છે.પરિણામે છેલ્લા એક દાયકાથી થોકબંધ ભારતીયો કેનેડામાં ઠલવાઈ રહ્યા છે અને કેનેડાના નાગરિક બની રહ્યા છે.
૨૦૧૩માં કેનેડાની નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા માત્ર ૩૨ હજારની આસપાસ હતી, જ્યારે
૨૦૨૨માં ૧.૧૮ લાખ ભારતીયો કેનેડાના નાગરિક બન્યા. ૨૦૨૩માં તણાવ વધ્યો છતાં ૧૩૯,૭૧૫ ભારતીયો કેનેડાના નાગરિક બન્યા હતા. ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં પણ ૩૭,૯૨૫ ભારતીયોએ કેનેડાની પરમેનન્ટ સિટિઝનશિપ લીધી છે.
થોડાં વરસ પહેલાં કેનેડા ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ભણવા માટે સૌથી ફેવરિટ હતું. કેનેડા ફટાફટ વિઝા આપતું તેથી ભારતીયો સરળતાથી સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ લઈને કેનેડા પહોંચી જતા હતા. સ્ટુડન્ટ વિઝા દ્વારા વર્ક પરમિટ, કાયમી રહેઠાણ અને પછી નાગરિકતા મેળવવી એકદમ સરળ હતી. કેનેડા ભારતીય પર કઈ હદે મહેરબાન પણ હતું તેનો પુરાવો એ છે કે, ૨૦૨૩માં કેનેડાએ ૨.૨૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપ્યા હતા. એ વખતે ૩.૨ લાખ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા અને ‘ગિગ વર્કર’ તરીકે અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા હતા.
જોકે,હવે સંજોગો બદલાયા છે. હવે કેનેડા જવા માગતા ગુજરાતીઓએ એક વાત સમજવા જેવી છે કે કેનેડામાં ગુજરાતીઓ કે ભારતીયોને પહેલાં જેવી ટ્રિટમેન્ટ નથી મળતી. બલકે હવે ભારતીયો સેક્ધડ ક્લાસ સિટિઝન બની રહ્યા છે. ટ્રુડો હવે ડોનલ્ડ ટ્રમ્પની જેમ સ્થાનિકોને વધારે મહત્વ આપી રહ્યા છે તેથી પહેલાંની જેમ ભારતીયોને સારી નોકરીઓ ઓફર નથી થતી, પણ કેનેડિયન કે પશ્ર્ચિમના દેશોના નાગરિકો ના લેતા હોય એવી નોકરીઓ મળે છે.
બીજી તરફ, કેનેડાનું અર્થતંત્ર બહુ મોટું નથી. માત્ર ૪ કરોડ લોકોની વસતિ ધરાવતા કેનેડામાં અર્થતંત્રના વિકાસ માટે પણ હવે બહુ તકો પણ નથી. લોકોનો ધસારો વધી જતાં મકાન મોંઘાં થઈ ગયાં અને ચીજોના ભાવ પણ ઉંચકાયા. કેનેડાએ તેની ચિંતા કર્યા વિના પરદેશીઓ માટે દરવાજા ખુલ્લા જ રાખ્યા તેથી હાઉસિંગ અને બેરોજગારી વધવા લાગી. કેનેડાને વિઝા ફી તથા સ્ટુડન્ટ ફીની કમાણીમાં રસ હતો તેથી નોટો ગણવામાં રહ્યું તેમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ કારણે કેનેડા હવે પહેલાંની જેમ સ્થાઈ થવા માટે સરળ ને સસ્તું રહ્યું નથી. ખાલિસ્તાનવાદીઓ પણ ભારતીયોને ટાર્ગેટ બનાવે છે તેથી સુરક્ષાની સમસ્યાઓ પણ છે.
વધુ એક વાત સમજવા જેવી એ છે કે આજના સંજોગોમાં અહીંથી ત્યાં જઈ વસી જવાની ઉતાવળ કરવા જેવી નથી. હાલ તો કેનેડાનો મોહ ઓછો કરી ‘તેલ જુવો..તેલની ધાર જૂવો’ એવી આપણી વાણિયા બુદ્ધિ વાપરવાનો સમય છે.