ઉત્સવ

આકાશ મારી પાંખમાં ઃ વી લવ યુ, પપ્પા

-કલ્પના દવે

અંબાણી હોસ્પિટલમાંથી રાત્રે અગિયાર વાગે ડો.મિરચંદાનીના આસિસ્ટન્ટ ડોકટરનો ફોન આવ્યો:- મિ. રાજેશ વૈષ્ણવ તમારા ફાધર મિ.મુકેશ વૈષ્ણવને મેચ થાય એવી કિડની અમને મળી ગઈ છે. તમે પેશન્ટને લઈને જલદી એડમીટ થઈ જાઓ.

યસ, ડોક્ટર, રાજેશ માંડ માંડ બોલી શક્યો.

જુઓ, રાજેશ મેચ થતી કિડની મળ્યા પછી ત્રણ દિવસમાં જ એને પ્લાન્ટ કરવી પડે અને ઓપરેશન પહેલાં પણ આપણે પ્રીટેસ્ટ કરવાના હોય છે. એટલે બને તેટલા જલદી આવી જજો -આસિસ્ટંટ ડોકટરે કહ્યું.
ઓ.કે ડોકટર અમે કાલે પહોંચી જઈશું. રાજેશે કહ્યું.

અમે અહીંથી એમ્બ્યુલંસ મોકલી શકીએ છીએ. સવારે ૭વાગે મોકલું? જેથી એડમિશન પ્રોસેસ જલદી થઈ શકે. ડો.મિરચંદાની સવારે- ૯.૩૦ વાગે આવે છે. ૧૦.૩૦ પછી ઓ.પી.ટીમાં હોય છે.
થેંકસ, ડોકટર એમ્બ્યુલંસની વ્યવસ્થા માટે- વી.વીલ બી ધેર.

ફોન મૂકતાં જ રાજેશના મનમાં કોઈ અકળ ભય ફરી વળ્યો. કિડની ટ્રાન્સપ્લાન્ટનું મોટું ઓપરેશન હેમખેમ પાર પડી જાય, હે-પ્રભુ મારા પપ્પાને બધા સંકટમાંથી ઉગારી લેજે.
ધડકતે હૈયે રાજેશે એની પાંચ વર્ષની દીકરી મીરાંની બાજુમાં સૂતેલી પત્ની સિદ્ધાને કહ્યું- હોસ્પિટલમાંથી ફોન હતો કે પપ્પાને મેચ થતી કિડની મળી ગઈ છે. આપણે કાલે સવારે જ – કહેતાં રાજેશનું ગળું રૂંધાઈ ગયું.

રાજેશ, ઈટ્સ ગુડ. ઓપરેશન પછી પપ્પા એકદમ ઓ.કે થઈ જશે. જો, તારે સ્ટ્રોંગ રહેવાનું છે. તું ટેન્શનમાં આવી જાય તો મમ્મી પણ ઢીલા થઈ જાય. તું જરાય ચિંતા ન કર, પપ્પા ઈઝ ઈન હેન્ડ ઓફ બેસ્ટ ડોકટર, એન્ડ ઈન બેસ્ટ હોસ્પિટલ. તું પૈસાની જરાય ચિંતા ન કરતો, મારી એફ.ડી તોડી નાંખીશું, પણ પાપાને બેસ્ટ ટ્રીટમેન્ટ મળશે. ડોક્ટર પત્ની સિદ્ધાએ કહ્યું.

રાજેશે હસવાનો ઠાલો પ્રયત્ન કર્યો. રાજેશ અને સિદ્ધાએ શાંત ચિત્તે પ્રાર્થના કરી.

સવારે ૫.૦૦ વાગે જ રાજેશે મમ્મીના મોબાઈલ પર ફોન કરીને એમને લિવિંગ રૂમમાં આવવા કહ્યું. રાત્રે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો એટલે સવારે સાત વાગે જ એમ્બ્યુલંસમાં પપ્પાને લઈ જવાના છે. તરત જ જાગૃતિબેન બહારની રૂમમાં આવ્યાં.

૬૦ વર્ષનાં દૃઢ મનોબળ ધરાવતાં જાગૃતિબેનની તો જાણે વાચા જ હણાઈ ગઈ. તેઓ રાજેશનો હાથ પકડી તેની સામું નિષ્પલક આંખે જોઈ રહ્યા. રાજેશે કહ્યું- મમ્મી, તું આટલી બધી ભક્તિ કરે છે ને, તો પ્રભુ આપણી સાથે જ છે.

ને, મમ્મી આપણે બધા સાથે છીએ, પછી જરા ય મુંઝાવાનું નહીં. સિધ્ધાએ મમ્મીના ખભે હાથ મૂકતાં કહ્યું.

મમ્મી, તમે અને રાજેશ, બંને એમ્બ્યુલંસમાં જાઓ. હું મીરાંને મારાં ભાઈ-ભાભીને ઘરે મૂકીશ. હું અને ચેતનભાઈ પણ તરત હોસ્પિટલ આવી જઈશું. ડોકટર મિરચંદાની સાથે જ મદદનીશ ડોકટર તરીકે મારી કલાસમેટ ડો. રોહિણી છે. જરા ય મૂંઝાતા નહીં.

જાગૃતિબેન આર્દ્રભાવે સિદ્ધા અને રાજેશ ભણી જોઈ રહ્યાં.

એમ્બ્યુલંસમાં પતિ મુકેશના પગ પાસેની સીટ પર બેસીને જાગૃતિબેન આ મહારોગ સામે જંગ લડી રહેલા પતિને જાણે મનોમન કહી રહ્યા હતા- હવે આ દૈત્ય સામે તમે છેલ્લો જંગ ખેલો. મારો હરિ આપણી સાથે છે.

મુકેશભાઈને ગઈ કાલે રાત્રે પેઢામાં સણકા ઊપડ્યા હોવાથી સૂઈ શક્યા ન હતા એટલે કે પછી પોતાના ભયને છુપાવવા એ આંખ મીચીને પડી રહ્યા હતા.

સામેની સીટમાં બેઠેલા રાજેશ સામું જોઈને જાગૃતિબેને પૂછ્યું:- કિડની ક્યાંથી મળી ? કોની છે ?

મમ્મી એ બધું આપણને વધારે ન જણાવે. પણ, બેંગલોરની હોસ્પિટલમાં કોઈ પેશન્ટનું બ્રેઈન ડેડ થઈ ગયું છે એ લોકોએ કિડનીદાન કર્યું છે એનું બ્લડગ્રુપ પપ્પા સાથે મેચ થયું. રાજેશે કહ્યું.

પણ, ડોક્ટરના કહેવા મુજબ ૭૨ કલાકમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. મમ્મી સારું થયું કે ડોનર મળી ગયો, નહીં તો મેં નક્કી જ કર્યું હતું કે ત્રણ વીકમાં ડોનર નહીં મળે તો હું જ મારી એક કિડની આપી દેત. મારું અને પપ્પાનું બ્લડગ્રુપ એક જ છે. બોલતાં એની આંખો ભીની થઈ ગઈ.

હા,બેટા તું મારો શ્રવણ અને મારી સિદ્ધા મારી શ્રાવણી વહુદીકરી છે. મને યાદ છે કે ઓલઈંડિયા લેવલે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ઝોનલમાં રજિસ્ટ્રેશન કરવું, વેઈટિંગ લિસ્ટ ચેક કરવા, ચંદીગઢ, ગુજરાત ગમે ત્યાંથી કિડની માટે ફોન આવે તો મારી સિધ્ધા જ એટેન્ડ કરે. જાગૃતિબેન ગળગળા થતાં બોલ્યાં.

મમ્મી બસ, આ એક ઓપરેશન સરસ થઈ જાય. આપણે એક થઈને રહીએ તો ગમે તેટલી મોટી મુશ્કેલીઓને પાર કરી શકીએ.

જુદા જુદા ટેસ્ટ અને ડોકટરના સતત અંડર ઓબઝરવેશન પછી બીજે દિવસે સવારે સાડા નવ વાગે ડો. મિરચંદાનીએ ઓપરેશન કર્યું. સોળ કલાક ચાલેલા આ ઓપરેશનમાં જાગૃતિબેન, રાજેશ અને સિધ્ધાની આંખ એકીટકે ઓપરેશન થિયેટરની લાલ લાઈટ પર મંડાયેલી હતી. અધ્ધર શ્ર્વાસે એક જ પ્રાર્થના- બસ. આ ઓપરેશન સફળ થાય.

આઈ.સી.યુ.માં રાખેલા પતિને જાગૃતિબેન દૂરથી કાચની નાની બારીમાંથી જોઈ લેતા. હમણાં કોઈ મુલાકાતીને પેશન્ટને મળવાની પરવાનગી ન હતી. અમદાવાદમાં રહેતા પ્રવિણાફોઈ તો ભાઈને જોવા અધીરાં પણ રાજેશે તેમને સમજાવ્યા.

મામાને ઘેર રાખેલી મીરાંએ કહ્યું- મામી મને મોટા પપ્પા પાસે લઈ જાઓ. મારે સ્કૂલે નથી જવું, મારે જમવું પણ નથી.

બેટા, તું ભગવાનને પ્રાર્થના કર કે તારા મોટા પપ્પાને જલદી સાજા કરીને ઘરે મોકલે. મીરાં, હોસ્પિટલમાં નાના કીડ્સ એલાવ નથી. તું પ્રેયર કર તો મોટા પપ્પા જલદી ઘરે આવશે.

પાંચ વર્ષની મીરાં એ આંખ બંધ કરીને મામી સાથે પ્રાર્થના કરવા લાગી.

જાગૃતિબેન કોઈ અકળ ભયથી મૂંઝાતા બબડવા લાગ્યા:- કદાચ, કાયમ ટ્રીટમેન્ટ આપનાર ડોકટર અમેરિકા ન જતા રહ્યા હોત, આ ઓપરેશન વહેલું થઈ શક્યું હોત તો આવું ન થાત. એમણે જ આ કેસ બગાડ્યો. અકળાયેલા મમ્મીને રાજેશે શાંત થવા કહ્યું.

એક ડોક્ટરે જતાં જતાં કહ્યું કે તાવ છ-સાત કલાકમાં ઓછો થવો જોઈએ અને એ અન્કોન્સિયસ સ્થિતિમાં ન જતા રહે તે પણ જરૂરી છે. મુકેશભાઈને એટેન્ડ કરવા ત્રણ અનુભવી નર્સ અને બે ડોકટર્સ વિશેષ આઇ. સી.યુ કક્ષમાં રાખવામાં આવ્યા છે. ૪૮ કલાક ક્રીટીકલ કહી શકાય પણ ગભરાવવાની જરૂર નથી.

બપોરે કેસ ગંભીર જણાયો. તાવ જરા ય ઊતર્યો ન હતો અને તેમનું શરીર જકડાઈ ગયું હતું. જો કે અચેતન અવસ્થામાં પણ મુકેશના ચહેરા પર જાણે એક દિવ્યસ્મિત ફેલાઈ રહ્યું હતું. આઈ.સી.યુ કક્ષની નજીકના વેઈટિંગ રૂમમાં જાગૃતિબહેન, રાજેશ અને સિધ્ધા એક મીટ માંડી બેઠાં હતાં. પ્રભુ પ્રાર્થના જ એક બળ હતું.

રાજેશની નજર તો પપ્પાના આઈ.સી.યુ. તરફ ચોંટેલી હતી. જાગૃતિબહેન આંખ બંધ કરીને પ્રભુસ્મરણમાં હતા. હે,પ્રભુ તું જ મારા મુકેશની રક્ષા કર. ત્યાં જ એક કેસરી તિલક અને શ્ર્વેત વસ્ત્રધારી કોઈ બ્રાહ્મણ નીચેના મંદિરમાંથી એક લાલ ફૂલ હાથમાં લઈને આવ્યો અને જાગૃતિબેન પાસે ઊભો રહ્યો. મૈયા, યે પ્રભુ કે ચરણોં કા ફૂલ હૈ, તુમ્હારે પતિ કે તકિયે કે નીચે રખો, સબ મંગલ હોગા.

જાગૃતિબેને આંસુ સારતા ફૂલ લીધું અને અહોભાવથી જોઈ રહ્યા. એ અજાણ્યો બ્રાહ્મણ આશિષ આપી જતો રહ્યો. એ કદાચ હોસ્પિટલના મંદિરનો કોઈ પૂજારી હશે. જાગૃતિબેનને લાગ્યું આ કોઈ ઈશ્ર્વરી સંકેત જ છે. યોગ્ય તક મળતાં પેલું ફૂલ એમણે પતિને આંખે લગાડીને તકિયા નીચે દબાવી દીધું.

બીજે દિવસે એમના હાર્ટબીટ્સ નોર્મલ થયા. તેઓ બાર કલાકે ભાનમાં આવ્યા. એ રાત મુકેશભાઈ શાંતિથી સૂતા, હવે તાવ ઓછો થયો. ડો.મિરચંદાની અને તેમની ટીમે આનંદ વ્યકત કર્યો.

હજુ દસ દિવસ તો એમને ઓબઝર્વેશનમાં રાખવા પડશે, પણ મોટું સંકટ ટળી ગયું છે. ડો.અગ્રવાલે કહ્યું.

જાગૃતિબેને પ્રભુના ચમત્કારનો અને પેલા અજ્ઞાતસંતનો આભાર માન્યો. રાજેશ અને સિધ્ધાએ પપ્પાજીના મસ્તકે હાથ મૂકતાં કહ્યું-
પપ્પા, વી લવ યુ.

નાનકી મીરાંએ વીડિયોકોલમાં ફલાઈંગ કીસ આપતાં કહ્યું- મોટા પપ્પા આય લવ યુ. જલદી ઘરે આવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button