ઘાટકોપર હોર્ડિગ કેસના આરોપીને મળ્યા જામીન…
મુંબઇઃ મુંબઇની અદાલતે એડવર્ટાઇઝીંગ ફર્મના ડિરેક્ટર ભાવેશ ભીંડેને જામીન મંજૂર કર્યા છે. આ વર્ષે મે મહિનામાં અહીં ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ભાવેશ ભીંડે મુખ્ય આરોપી છે.
આ પણ વાંચો : મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા
એડિશનલ સેશન્સ જજ વી એમ પઠાડેએ શનિવારે ભીંડેની જામીન અરજી મંજૂર કરી હતી.
ભીંડેએ તેમના વકીલ સના ખાન મારફત કોર્ટમાં દાવો કર્યો હતો કે આ કમનસીબ ઘટના “ભગવાનનું કૃત્ય” હતી અને તેમની સામે રાજકીય બદલો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એડવોકેટ ખાને કોર્ટમાં દલીલ કરી હતી કે અણધાર્યા ભારે પવનને કારણે ઘાટકોપર વિસ્તારમાં લગાવવામાં આવેલ હોર્ડિંગ તૂટી પડ્યું હતું અને આ માટે તેને ઇનસ્ટોલ કરનાર અરજદારની ફર્મને દોષિત ગણી શકાય નહીં. તેમણે એવી પણ દલીલ કરી હતી કે જે સમયે આ હોર્ડિંગ તૂટી પડ્યું હતું તે સમયે ભીંડે આ ફર્મના ડિરેક્ટર પણ નહોતા.
ભીંડે પર સદોષ મનુષ્ય વધનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદ પક્ષે ભીંડે આ કેસમાં સક્રિય રીતે સામેલ હોવાનું જણાવી તેના જામીનનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના મુદ્દે એસઆઈટીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
નોંધનીય છે કે 13 મેના રોજ અચાનક ધૂળિયા પવનો અને કમોસમી વરસાદને કારણ્ પેટ્રોલ પંપ પર બિલબોર્ડ તૂટી પડવાથી મુંબઈ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલના ભૂતપૂર્વ જનરલ મેનેજર, તેમની પત્ની સહિત 17 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રેલ્વેની જમીન પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું.