નેશનલ

‘વધુ બાળકો પેદા કરો અને દેશની સેવા કરો’ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્ર બાબુ નાઈડુએ આવું કેમ કહ્યું

અમરાવતી: સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના મામલે ભારત ચીનથી આગળ નીકળીને પ્રથમ ક્રમે આવી ગયું છે. દેશમાં વધુ વસ્તીને એક વિશાળ સમસ્યા તરીકે જોવામાં આવે છે, વસ્તુ વસ્તીને કારણે અન્ય ઘણી સમસ્યાઓ ઉદભવે છે. સરકાર વસ્તી નિયંત્રણ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. એવામાં આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ(N Chandrababu Naidu) એ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તેમણે લોકોને વધુ બાળકો પેદા કરવા અપીલ કરી હતી.

આંધ્રપ્રદેશ સહીત દક્ષિણના રાજ્યોની વસ્તીમાં વૃદ્ધોની વધી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા, મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ યુગલોને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર એક કાયદો લાવવા માટે વિચારણા કરી રહી છે, જેના અંતર્ગત બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે યોગ્ય ઠેરવવામાં આવશે.

શનિવારે અમરાવતીમાં અગાઉની સરકાર હેઠળ અટકેલા બાંધકામના કામને ફરીથી શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા તેમણે કહ્યુ કે,“અમે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યા છીએ. અમે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો અગાઉનો કાયદો રદ કર્યો છે. અમે એક નવા કાયદા અંગે વિચારી રહ્યા છીએ જેમાં જેઓ માત્ર બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તેમને જ ચૂંટણી લડવા માટે લાયક ઠેરવવામાં આવશે.”

મુખ્ય પ્રધાન નાયડુએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં ગામડાઓમાં માત્ર વૃદ્ધ લોકો જ જોવા મળે છે, કારણ કે યુવા પેઢી દેશના વિવિધ ભાગોમાં અને વિદેશમાં સ્થળાંતર કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતની સરેરાશ વસ્તી વૃદ્ધિ 1950માં 6.2 ટકાથી ઘટીને 2021માં 2.1 થઈ ગઈ છે અને આંધ્ર પ્રદેશમાં આ આંકડો ઘટીને 1.6 ટકા થઈ ગઈ છે.

તેમણે જાપાન, ચીન અને યુરોપિયન દેશોના ઉદાહરણો પણ આપ્યા હતાં. તેમણે કહ્યું કે, “આપણી પાસે માત્ર 2047 સુધી ડેમોગ્રાફિક બેનીફીટ્સ હશે. 2047 પછી, આંધ્ર પ્રદેશમાં યુવાનો કરતાં વૃદ્ધોની સંખ્યા વધુ હશે. આવી સ્થિતિ પહેલેથી જ જાપાન, ચીન અને યુરોપના ઘણા દેશોમાં છે. વધુ બાળકોને જન્મ આપવોએ તમારી જવાબદારી છે. તમે એ તમારા માટે નથી કરી રહ્યા, તે રાષ્ટ્રના હિત માટે છે, તે સમાજની પણ સેવા છે. ”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button