સફળતા માટે અંગ્રેજી મીડિયમમાં જ ભણવું જરૂરી નથીઃ બાળકની કસ્ટડીના એક રસપ્રદ કેસમાં કોર્ટે કહ્યું કે…
અમદાવાદઃ અંગ્રેજી મીડિયમ પાછળ આંધળી દોટ મૂકતા માતા-પિતા માટે ગુજરાત હાઈકોર્ટના જજ બીરેન વૈષ્ણવ અને મૌલિક શેલતએ એક કેસમાં કરેલી ટીપ્પણી ખૂબ જ મહત્વની છે.
આ કેસ આમ તો માતા-પિતા વચ્ચે બાળકની કસ્ટડી માટે થયેલી તકરારનો છે. માતા પાસેથી ચાર વર્ષની દીકરીની કસ્ટડી મેળવવા પિતાએ એવી દલીલ કરી હતી કે માતા તાલુકામાં રહે છે અને ત્યાં અંગ્રેજી મીડિયમની સ્કૂલ નથી, આથી બાળકીના સારા શિક્ષણ માટે તે અમદાવાદમાં રહે તે જરૂરી છે, જ્યાં પિતા રહે છે. માતાએ કોર્ટને જણાવ્યું હતું કે પિતાએ બળજબરીથી બાળકીની કસ્ટડી લઈ લીધી હતી અને આ સાથે પિતાના ચરિત્ર અને દારૂ પીવાની આદતને લીધે પણ બાળકીના ભવિષ્ય મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
પિતાની આ દલીલને હાઈ કોર્ટે ફગાવી હતી અને સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભણતરના માધ્યમ અને બાળકના ભવિષ્યને કોઈ સીધો સંબંધ નથી. કોર્ટે વધુમાં ઉમેર્યું કે માતા જ્યાં રહે છે તેની આસપાસ અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી અને તેથી બાળકીના ભવિષ્યને અસર થશે તેવી પિતાના વકીલની દલીલ સ્વીકાર્ય નથી. આ સાથે કોર્ટે એમ પણ જણાવ્યું કે બાળકીના નાના સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે, તે વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે. બાળકીના ભવિષ્ય અને તે ક્યા માધ્યમમાં ભણે છે તેને આ ઉંમરે કંઈ લેવા દેવા નથી. જીવનમાં આગળ વધવા માણસે શરૂઆતથી અંગ્રેજી માધ્યમમાં જ ભણવું જોઈએ તે માત્ર કલ્પનાશીલ વાત છે, તેવી મહત્વની ટીપ્પણી કોર્ટે કરી હતી.
કોર્ટે આ કેસમાં પોલીસની કામગીરીની પણ ઝાટકણી કાઢી હતી.