નેશનલ

આ રાજ્યની સરકારની મોટી જાહેરાત

ચંડીગઢઃ તહેવારો પહેલા હરિયાણાની સરકારે તેમની તિજોરી લોકો માટે ખોલી નાખી છે. સામાન્ય જનતાના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સતત અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. હાલમાં જ બે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યોમાં બનેલી સરકારે હવે પોતાનું કામ શરૂ કરી દીધું છે. હરિયાણાના મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીએ સરકાર રચતાની સાથે જ મોટી જાહેરાત કરી છે કે કિડનીના દર્દીઓની સારવાર હવે વિનામૂલ્યે કરવામાં આવશે.

હરિયાણામાં ફરી સરકાર બનાવ્યા બાદ ભાજપ પોતાના એજન્ડાને વળગી રહી છે. હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ શુક્રવારે પહેલી કેબિનેટ બેઠક યોજી હતી. ચૂંટણી વચન મુજબ સૈની સરકારે સત્તા સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે, જેમાં રાજ્યની જનતાને મોટી ભેટ આપવામાં આવી છે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. સીએમ સૈનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કિડનીના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે અને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે.

સૈનીએ કહ્યું હતું કે અમારી સરકાર રાજ્યના લોકો માટે પ્રતિબદ્ધ છે. તેમના સ્વાસ્થ્ય માટેની જવાબદારી પણ અમારી પ્રાથમિકતાઓમાંની એક છે. ગરીબ વર્ગના લોકોને કિડની જેવી ગંભીર બીમારીને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો તેમની સારવાર કરાવી શકતા નથી જેના કારણે તેઓ મૃત્યુ પામે છે, પરંતુ હવે રાજ્યમાં કિડનીના કોઈ ગંભીર દર્દીને સમસ્યાનો સામનો કરવો નહીં પડે. હરિયાણાની તમામ સરકારી હૉસ્પિટલોમાં ક્રોનિક કિડની ડિસીઝની સારવાર મફત કરવામાં આવશે. તેમનું મફત ડાયાલિસીસ કરવામાં આવશે અને એનો ખર્ચ સરકાર ઉઠાવશે. પ્રદૂષણની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે હરિયાણાના ખેડીતો જાગૃત છે અને તેઓ પરાળી બાળશે નહીં. રાજ્ય સરકાર પણ તેમને બનતી બધી જ મદદ કરી રહી છે.

વિધાન સભાની ચૂંટણીમાં મળેલી જીત અંગે સીએમ સૈનીએ કહ્યું હતું કે મને ફરીથી આ તક આપવા બદલ હું રાજ્યની જનતાનો આભાર માનું છું. રાજ્યની જનતાએ વિપક્ષના ખોટા આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે હરિયાણાના દરેક વ્યક્તિનું સન્માન કરવું એ અમારી જવાબદારી છે. આ રાજ્યની જનતાની સરકાર છે. કોંગ્રેસ પર નિશાન સાધતા સીએમ સૈનીએ કહ્યું હતું કે કોંગ્રેસે યુવાનો અને ખેલાડીઓનો ઉપયોગ કર્યો અને ખેડૂતોને પણ મૂંઝવણમાં મૂક્યા. કોંગ્રેસ ગરીબોને માત્ર લોલીપોપ જ આપતી રહી. જ્યારે અમારી સરકારે ગરીબો માટે અભૂતપૂર્વ કામ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button