Gujarat માં વહેલી સવારથી અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધી…
અમદાવાદઃ ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે 20મી ઓક્ટોબર અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.
વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત બન્યા
આજે વહેલી સવારથી ખાંભા ગીરના ચકરાવા, બોરાળા, બાબરપરા સહિત ગામોમાં વરસાદ વરસી રહ્યો રહ્યો છે. અવિરત વરસાદી માહોલથી ખેડૂતો પાકને લઈ ચિંતિત બન્યા છે. સતત બીજા દિવસે ભારે વરસાદના કારણે ખેડુતોના મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢના મેંદરડામાં બે કલાકમાં 3.50 ઈંચથી વધુ વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શનિવારે 19મી ઓક્ટોબર જૂનાગઢના મેંદરડામાં બે કલાકમાં 3.50 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં 1.50 ઈંચ વરસાદ પડયો હતો. કુકાવાવ અને જીથુડીમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સતત વરસાદને કારણે ખેડુતોના મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.