ઉત્સવ

સ્પોટ લાઈટઃ -ખબરદાર! જો હાથ ઉપાડ્યો છે તો!’

મહેશ્વરી

દરેક કલાકાર, પછી એ રંગભૂમિનો હોય કે સિનેમાનો, અમુક ભૂમિકા એ ઝંખતો હોય છે. એની અદમ્ય ઈચ્છા હોય છે એક ખાસ રોલ કરવાની. અભિનયમાં મારો ઉછેર જૂની રંગભૂમિમાં થયો. આ રંગભૂમિએ જે કેટલાંક યાદગાર નાટકો આપ્યાં એમાંનું એક નાટક હતું પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’. આ નાટકમાં સમતાનું પાત્ર કેન્દ્રવર્તી હતું. મેં નાટકોમાં હિરોઈનના રોલ કરવા શરૂ કર્યા અને ખાસ તો શ્રી દેશી નાટક સમાજમાં જોડાઈ ત્યારથી સમતાનો રોલ કરવાના અરમાનનું પોટલું બાંધીને હું ફરતી હતી. મારા માટે એ ડ્રીમ રોલ હતો. ભાંગવાડીમાં મેં આ નાટકમાં પ્રહસન વિભાગમાં કામ કર્યું હતું, પણ સમતાના રોલનો ચાન્સ નહોતો મળ્યો. અંતે ૧૯૮૨માં મને તક મળી અને કારકિર્દીનું એક ઉન્નત શિખર સર કર્યું હોવાની લાગણી મેં અનુભવી. જોકે, અંગત જીવનમાં એક એવી ઘટના બની જેમાં પાતાળલોકનો અનુભવ થઈ ગયો.

‘વડીલોના વાંકે’ નાટ્ય જીવનનો ઉચ્ચાંક હતો તો પર્સનલ લાઈફમાં ‘માસ્તરના વાંકે’ નીચાંક હતો. પતિના પાશવી અત્યાચારના પ્રસંગ મેં આ કોલમમાં અગાઉ જણાવ્યા છે જેના પરથી ચંદ્રકાન્ત માસ્તર (મારા પતિ) સાથેનું મારું જીવન દોજખ હતું એનાથી ‘મુંબઈ સમાચાર’ના વાચકો વાકેફ છે.

‘વડીલોના વાંકે’ નાટકને કારણે મને મળી રહેલી અફાટ લોકપ્રિયતા માસ્તરને પેટમાં દુખવા લાગી, કણાની જેમ ખૂંચવા લાગી હતી. મને મળી રહેલા માનપાન એ સહન નહોતા કરી શકતા. ભૂતકાળમાં જ્યારે પણ મારી સાથે હડહડતો અન્યાય કર્યો હતો, મારપીટ કરી હતી એ બધું મેં મૂંગે મોઢે સહન કરી લીધું હતું. મને કાઢી મુકશે તો હું ક્યાં જઈશ અને મારાં બાળકોનું શું થશે એ વિચાર મને ધ્રુજાવી દેતો અને અપમાન સહન કરવા દેતો હતો. જોકે, અન્યાય – અપમાન સહન કરવાની પણ એક મર્યાદા હોય છે. જગતના ઈતિહાસમાં એવા અનેક પ્રસંગ બન્યા છે જેમાં શોષિત વર્ગે જ્યારે માથું ઊંચક્યું છે ત્યારે શોષણકર્તાને ભારે પડ્યો છે.

માસ્તરના અમાનુષી અત્યાચારના કિસ્સા તો જગજાહેર હતા. રંગભૂમિના મારા કેટલાક સાથીઓએ અનુકંપા પણ દેખાડી હતી જેમાં નીલમ બહેનનું સાંત્વન હું ક્યારેય નહીં ભૂલું. નીલમ બહેન મને કાયમ કહેતા કે ‘મહેશ્ર્વરી, તું કશું ખોટું નથી કરતી તો આ ત્રાસ શું કામ સહન કરે છે? તારે ડરવાની કોઈ જ જરૂર નથી. એમનો સામનો કર, એમને જડબાતોડ જવાબ આપ. તું મૂંગે મોઢે બધું સહન કરે છે એટલે એ વધુ અત્યાચારી બને છે.’ એક દિવસ ‘વડીલોના વાંકે’નો શો પતાવી હું ઘરે પહોંચી ત્યારે માસ્તર બાંબુ લઈને રીતસરના મારા પર ધસી આવ્યા. મારા હાડકાપાંસળા ખોખરા કરવાનો તેમનો ઈરાદો હતો. એ દિવસે – એ ક્ષણે મને નીલમ બહેનના ‘ડર્યા વિના સામનો કર’ શબ્દો યાદ આવી ગયા. અચાનક મારા શરીરમાં જાણે કે કોઈ શક્તિનો સંચાર થયો હોય એમ મેં એમને ધક્કો માર્યો રીતસરની બૂમ પાડી:
‘ખબરદાર! જો મારા પર હાથ ઉપાડ્યો છે તો!’

આક્રમક સ્વભાવના પ્રદર્શન વખતે સામે કાયમ બીકણ બકરીને જોવા ટેવાયેલા માસ્તરને એ દિવસે વિફરેલી વાઘણનો સામનો કરવો પડ્યો. અને પરિણામ શું આવ્યું? બકરી સામે બેફામ બની પાશવી બની જતા માસ્તર એ દિવસે વાઘણ સામે શિયાવિયા થઈ ગયા અને ગલીમાંથી રીતસરના જીવ બચાવવા કોઈ કેમ ભાગે એમ ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. એમને નાસતા જોઈ ભૂતકાળના રસ્તા પરની મારપીટના, ગટરમાં ધક્કો મારવાની ધમકીના, થિયેટરમાં હાથ ઉપાડવાના અને એવા બીજા પ્રસંગ જાણે મારી આંખ સામે તરવરવા લાગ્યા. સાથે મને એવો વિચાર પણ આવ્યો કે ‘આ માણસ આટલો બધો ડરપોક હતો એની મને આટઆટલાં વર્ષો સુધી ખબર કેમ ન પડી? કેમ અત્યાર સુધી હું બધું સહન કરતી રહી?’ ડરને લીધે કે બીજા કોઈ કારણસર મારાં સંતાનો અત્યાર સુધી પિતાના અત્યાચારના મૂંગા સાક્ષી રહ્યાં હતાં પણ એ દિવસે મારી દીકરી બોલી કે ‘તમે માણસ છો કે રાક્ષસ?’ પછી મને કહ્યું કે ‘ચાલ મમ્મી, આપણે અહીંથી નીકળી જઈએ.’

પગ પાછો ઘરમાં મૂકું કે પગ ઉપાડ્યો છે તો ઘરની બહાર નીકળી જાઉં એવી અસમંજસમાં હતી ત્યારે દીકરીના શબ્દો અંધારામાં દીવાની જ્યોત જેવા સાબિત થયા. મારા અને બાળકોનાં કપડાં ભરી કોઈ પણ ઘરવખરી લીધા વિના અને માસ્તરને શુભેચ્છા આપી ‘મને હવે શાંતિથી જીવવા દ્યો’ એમ કહી મેં ચાલતી પકડી. નીકળી તો ગઈ પણ ક્યાં જઈશ એવું વિચાર્યું નહોતું. સાચું કહું તો અચાનક ઘર છોડવાનો દિવસ આવશે એની કોઈ કલ્પના નહોતી. માત્ર ઘર જ નહીં, મારી બધી કમાણી છોડીને મેં ઘરત્યાગ કર્યો હતો. તરત વિનુભાઈ યાદ આવ્યા. બાળકોને લઈ એમના ઘરે ગઈ. ત્યારે વિનુભાઈ ઘરે નહોતા એટલે મેં એમનાં પત્ની જ્યોતિ બહેનને કહ્યું, ‘બહેન, મને ૨૦૦ રૂપિયા આપો.’ એમના ચહેરા પર મોટું પ્રશ્ર્નાર્થ ચિહ્ન જોઈ મેં જે બન્યું એ બધું સાચેસાચું જણાવી દીધું અને કહ્યું કે ભાઈના ઘરે દહિસર જવું છે. મારી વીતકકથા સાંભળી એમની આંખો પણ સજળ થઈ ગઈ. તરત મને ૨૦૦ રૂપિયા આપી ‘ઈશ્ર્વર સૌ સારાં વાના કરશે’ એવો મને સધિયારો આપ્યો.

ટેક્સી કરી બે બેગ, બાળકો અને ફફડતા જીવે દહિસર મોટા ભાઈના ઘરે પહોંચી તો ગઈ. પતિને છોડી આવેલી બહેન સાથે ભાઈનું વર્તન કેવું હશે એ વિશે મનમાં શંકા હતી. જોકે, ભાઈએ ઉમળકાથી મને આવકાર આપ્યો અને મારી કરમ કહાણી સાંભળ્યા પછી ભાભીએ સાંત્વના આપી મને હૈયાધારણ આપી કે ‘તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના અહીં રહો. અહીંથી તમને કોઈ નહીં કાઢે.’ ભાઈ – ભાભીની વાત સાંભળી મારો શ્ર્વાસ હેઠો બેઠો અને મેં હાશકારો અનુભવ્યો. જોકે, મેં સ્પષ્ટતા કરી દીધી કે ‘જો ભાઈ, હું કંઈ ઝાઝા દિવસ અહીં રહેવાની નથી. અચાનક ઘરબાર વિનાની થઈ ગઈ હોવાથી તાત્કાલિક છાપરાની જરૂર હતી એટલે આવી છું. વ્યવસ્થા થઈ જશે એટલે જતી રહીશ. અત્યારે મારો કપરો કાળ ચાલી રહ્યો છે એ જરા સંભાળી લેજે, બસ.’ દહીસરનું બે ફ્લેટ જોડી તૈયાર કરેલું એ ઘર મારી બહેનનું હતું. એમાં માત્ર મોટા ભાઈ – ભાભી જ નહીં, મારો નાનો ભાઈ એની પત્ની તેમજ સાથે મારી બહેનનાં ત્રણ બાળકો પણ સાથે રહેતાં હતાં. જોકે, દેરાણી – જેઠાણીને ફાવતું નહોતું એ મેં જોયું. આવું તો અનેક પરિવારમાં થતું હોય છે અને મારે પણ ક્યાં વધુ સમય રહેવું હતું એટલે મેં કંઈ એ બધી વાત પર ધ્યાન ન આપ્યું. અણબનાવ વધી જતા નાના ભાઈ – ભાભી ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા પછી એક દિવસ રિહર્સલ કરી હું પાછી ફરી ત્યારે ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું…

પહેલી વાર ‘ફ્લેટ સેટિંગ’
નાટ્યલેખનમાં ચં. ચી. મહેતા અને કનૈયાલાલ મુનશીની કારકિર્દી લગભગ સાથે શરૂ થઈ હતી. મુનશીનું પહેલું નાટક ‘પુરંદર પરાજય’ (૧૯૨૪) હતું. અલબત્ત નવા સ્થપાયેલા નટમંડળોને પૌરાણિક નાટકમાં રસ ન પડ્યો. ૧૯૨૯માં મુનશીનું ‘કાકા અને શશી’ ભજવાયું. નાટકમાં વેશભૂષામાં વિશિષ્ટ પ્રયોગ કરવાની સાથે સાથે ગુજરાતી નાટકમાં પહેલી વાર જૂની રંગભૂમિની પરંપરાગત શૈલીને બદલે ફ્લેટના સેટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાટ્યપ્રેમી દર્શકોને આ બદલાવ પસંદ પડ્યો અને નવો રસિક વર્ગ તૈયાર થયો. મુનશીએ પૌરાણિક, સામાજિક અને ઐતિહાસિક એમ ત્રણેય કથાવસ્તુ ધરાવતા નાટક લખ્યા. ‘બે ખરાબ જણ’ અને ‘આજ્ઞાંકિત’ તેમના વખણાયેલા સામાજિક નાટક છે જેમાં પ્રહસનને પ્રાધાન્ય છે. ‘કાકાની શશી’ સામાજિક નાટકમાં આગવી ભાત પાડતી કૃતિ હતી. મુનશીના પૌરાણિક નાટકોમાં ‘પુરંદર પરાજય’ ઉપરાંત ‘પુત્રસમોવડી’ અને ‘તર્પણ’ નોંધપાત્ર હતા. નવલકથા લેખક તરીકે મુનશીની કસાયેલી કલમ નાટકનું કથાવસ્તુ અને એનાં પાત્રોને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકી હતી. સાહિત્યિક છાંટ ધરાવતા ત્રિઅંકી નાટકો મુનશીનું વિશિષ્ટ યોગદાન માનવામાં આવે છે. (સંકલિત)

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker