હૈદરાબાદના જાણીતા પબ પર પોલીસના દરોડા, 40 મહિલાઓ સહિત 140ની અટકાયત
હૈદરાબાદ: પોલીસે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલા પબ પર દરોડો પાડીને 40 મહિલાઓ સહિત 140 જેટલા લોકોની અટકાયત (Hyderabad pub raid) કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં એક પબમાં ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’માં સામેલ થવા બદલ આ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસને ગેર કાયદે પ્રવૃતિઓ અંગે બાતમી મળ્યા બાદ ‘TOS પબ’ પર દરોડો પાડવામાં આવ્યો હતો, અને પબને સીલ કરવામાં આવ્યું છે. 20 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી અડધી મહિલાઓ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ગઈ રાત્રે, અમે રોડ નંબર 3 પર દરોડો પાડ્યો હતો અને પબમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ 100 પુરુષો અને 40 મહિલાઓને કસ્ટડીમાં લીધા હતા, પબને અમે સીલ કરી દીધું છે. વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પબના માલિકો, બાઉન્ડર્સ, ડીજે ઓપરેટરોનો સમાવેશ થાય છે.”
એક મીડિયા અહેવાલ મુજબ, દરોડા પબમાં ‘અયોગ્ય ડાન્સ પર્ફોર્મન્સ’ને કારણે પડ્યા હતા. અહેવાલ મુજબ પબ માલિકોએ પુરૂષ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ‘અશ્લીલ’ ડાન્સ કરવા માટે વિવિધ રાજ્યોની મહિલાઓને કામે રાખી હતી.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ ઓપરેશન પહેલા, પબને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે દેખરેખ હેઠળ હતું, ત્યારબાદ દરોડો પાડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ગયા મહિને હૈદરાબાદના પાંચ પ્રખ્યાત પબ પર દરોડા પાડવામાં આવ્યા હતા.