મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પંગારકર જાલનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયો છે. 5 સપ્ટેમ્બર 2017 ના રોજ, પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસમાં કર્ણાટકમાં પોલીસે મહારાષ્ટ્રની એજન્સીઓની મદદથી હાથ ધરેલી તપાસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2001 અને 2006 વચ્ચે અવિભાજિત શિવસેનાના જાલના ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર રહેલા પંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 4 સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. તે 2018 નાલાસોપારા આર્મ્સ રિકવરી કેસમાં પણ આરોપી છે, જેમાં તેને અગાઉ જામીન મળી ચૂક્યા છે. બંને કેસમાં હજુ સુનાવણી ચાલી રહી છે.
શુક્રવારે પંગારકર પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી અર્જુન ખોટકરની હાજરીમાં શિંદે સેનામાં જોડાયો હતો. અર્જુન ખોટકરે કહ્યું હતું કે તેમને (પંગારકર)ને જાલના વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ખોટકર વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે પંગારકર ભૂતપૂર્વ શિવસૈનિક છે અને પાર્ટીમાં પાછા ફર્યા છે. તેમને જાલના વિધાનસભા ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. કોર્ટ દ્વારા તેને મુક્ત કરવામાં આવ્યો છે અને ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરીને તે જેલમાંથી બહાર આવ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પંગારકરને પાર્ટીની ટિકિટ મળશે, તો તેના જવાબમાં ખોટકરે કહ્યું હતું કે તેઓ જાલનામાં પાર્ટી માટે કામ કરશે. જાલના બેઠક કોંગ્રેસના કૈલાશ ગોરંત્યાલ પાસે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે.
જો કે, જ્યારે શિંદે સેનાના પ્રવક્તા અને વિધાનસભ્ય સંજય શિરસાટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પંગારકરના પક્ષમાં જોડાવા વિશે જાણતા નથી.
લંકેશની 5 સપ્ટેમ્બર, 2017ના રોજ બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી . કર્ણાટક પોલીસની SITએ આ હત્યા માટે પંગારકર સહિત સનાતન સંસ્થા અને અન્ય સંગઠનો સાથે જોડાયેલા 17 લોકોની ધરપકડ કરી હતી. બેંગલુરુની સેશન્સ કોર્ટે તાજેતરમાં ગૌરી લંકેશ હત્યા કેસમાં સામેલ આઠ આરોપીઓને જામીન આપ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં કર્ણાટક હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ જામીન આપ્યા હતા. આ પછી 9 ઓક્ટોબરના રોજ, સેશન્સ કોર્ટે જામીન પર રાહત આપી હતી, ત્યારબાદ 11 ઓક્ટોબરના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.