વાયનાડ બેઠક પર પ્રિયંકાની સામે ભાજપના નવ્યા હરિદાસ મેદાને: કોણ છે નવ્યા હરિદાસ?
નવી દિલ્હી: દેશમાં બે રાજ્યોની ચૂંટણીની જાહેરાત સમયે જ ખાલી પડેલી લોકસભા બેઠકની ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે લોકસભા બેઠક પર પેટાચૂંટણી પર સૌનું ધ્યાન છે તે વાયનાડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) નવ્યા હરિદાસને (Navya Haridas) તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક પર ભાજપ તરફથી નવ્યાનો મુકાબલો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) સાથે થશે.
કોણ છે નવ્યા હરિદાસ?
વાયનાડ બેઠક પરથી ભાજપે જેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે તે નવ્યા હરિદાસ મિકેનિકલ એન્જિનિયર છે. તેમણે 2007માં કાલિકટ યુનિવર્સિટીની KMCT એન્જિનિયરિંગ કૉલેજમાંથી B.Tech ડિગ્રી મેળવી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર નવ્યાનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તેની પાસે 1,29,56,264 રૂપિયાની સંપત્તિ છે. ADRના જણાવ્યા અનુસાર, તેમના પર 1,64,978 રૂપિયાનું દેવું પણ છે. તેમના ટ્વિટર હેન્ડલ મુજબ, તે કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને હાલમાં ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ છે.
કોંગ્રેસ માટે છે લાજનો સવાલ:
કોંગ્રેસ પાર્ટીએ જૂનમાં જ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધીના રાજીનામાથી ખાલી થયેલી વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. જૂનમાં લોકસભા ચૂંટણી 2024માં રાયબરેલીથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી હતી. વાયનાડ લોકસભા બેઠક પર આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પાર્ટીનો એક માટે ચહેરો છે. 2024ની લોકસભા ચૂંટણીના પ્રચારની તમામ જવાબદારીઓ પણ તેમણે એકલા હાથે જ સંભાળેલી.
યુવા મતદારોને આકર્ષવા ભાજપનો દાવ:
કોંગ્રેસના યુવા ચહેરા પ્રિયંકા ગાંધીની સામે ભાજપે નવ્યા હરિદાસને ઉમેદવાર બનાવીને યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. નવ્યાને પાર્ટી દ્વારા એક નવી અને મજબૂત મહિલા નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જે યુવાઓ અને મહિલાઓના મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી મેદાનમાં છે, જે લાંબા સમયથી પાર્ટી માટે લોકપ્રિય ચહેરો છે.