આપણું ગુજરાત

રાજ્યના 42 તાલુકાઓમાં ધોધમાર વરસાદ: ખેડૂતોને દિવાળી પહેલા ‘હૈયાહોળી’

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) દિવાળીના ટાણે ફરી વરસાદે ધામા નાખ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) અને રાજ્યના હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદ પાડવાની આગાહી (Rain forecast) વ્યક્ત કરી છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયને ટાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 42 તાલુકામાં ભારેથી હળવો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હજુ પણ 20 ઓકટોબર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બપોર બાદ અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધામર વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા.

42 તાલુકામાં વરસાદ:
વીજળીના કડાકા અને વાઝડી સાથે આજે રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પડેલા વરસાદમાં જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેશોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ નોંધાયો છે.

ખેતી પાકોને વ્યાપક નુક્સાન:
વીજળીના કડાકા અને વાઝડી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં મેંદરડા, વિસાવદર, કેશોદ, જુનાગઢ, ભેસાણ, માળીયા હાટીના, લાઠી, લિલિયા, બાબરા, બગસરા, અમરેલી, ઉપલેટા, જસદણ, લાલપૂર, કલ્યાણપુર સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકોમાં પડેલા વરસાદના કારણે ખેતી પાકોને ખૂબ જ નુક્સાન થવાની ભીતિ સેવાય રહી છે.

વીજળી પડવાથી પાંચના મોત:
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા છે. લાઠીના આંબરડી ગામે ખેતી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકો પર કાળ બનીને વીજળી ત્રાટકી હતી, જેમાં 5 લોકોના મોત થયા છે. એકસાથે પાંચ લોકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button