વસઈની દુકાનમાંથી ચાલતું હતું સાયબર ક્રાઈમ રૅકેટ: બે પકડાયા…
થાણે: નવી મુંબઈ પોલીસે વસઈની દુકાનમાંથી બે આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ ચલાવવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના યુવકોની ભરતી કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ન્હાવાશેવા પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ યોગેશ જૈન અને હિમાંશુ જૈન તરીકે થઈ હતી. પોલીસ બન્ને આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
નવી મુંબઈમાં રહેતા યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે ન્હાવાશેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર એક ડેટિંગ ઍપના માધ્યમથી ફરિયાદીની ઓળખ એક યુવતી સાથે થઈ હતી. સ્કીમમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
આરોપીની સૂચનાથી ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો પોલીસે મેળવી હતી. બૅન્ક ખાતાની વિગતોને આધારે પોલીસની ટીમ વસઈ રેલવે સ્ટેશન પાસેની એક દુકાને પહોંચી હતી, એમ નવી મુંબઈ પોલીસના ઈવિડન્સ મૅનેજમેન્ટ સેન્ટરની સિનિયર ઈન્સ્પેક્ટર દીપાલી પાટીલે જણાવ્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દુકાન યોગેશ જૈન અને હિમાંશુ જૈને ભાડે લીધી હતી. પોલીસે રેઇડ કરી ત્યારે દુકાનમાં નવ યુવાન કામ કરતા હતા. આરોપીઓ પાસેથી 50થી વધુ ડેબિટ કાર્ડ્સ, 18 મોબાઈલ ફોન્સ, 17 ચેકબુક, 15 સિમ કાર્ડ, આઠ આધાર કાર્ડ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે યોગેશ અને હિમાંશુએ આ રૅકેટ ચલાવવા માટે રાજ્સ્થાન અને ઉત્તર પ્રદેશના યુવાનોની ભરતી કરી હતી. ભાડાના એગ્રીમેન્ટ સહિત અન્ય બોગસ દસ્તાવેજોની મદદથી બન્ને જણે કર્મચારીઓના નામે અનેક બૅન્ક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. (પીટીઆઈ)