વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત ન્યૂઝિલેન્ડે ઇંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૮૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ૩૬.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૨૮૩ રન કરી મેચ જીતી લીધી હતી. રચિન્દ્ર રવિન્દ્રને શાનદાર સદી બદલ મેન ઓફ ધ જાહેર કરાયો હતો.
ન્યૂઝીલેન્ડની જીતના હીરો ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્ર રહ્યા હતા. કોનવેએ ૧૨૧ બોલમાં અણનમ ૧૫૨ રન કર્યા હતા જ્યારે રચિન રવિન્દ્રએ ૯૬ બોલમાં અણનમ ૧૨૩ રન કર્યા હતા. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૨૭૩ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ડ્વેન કોનવે ૧૨૧ બોલમાં ૧૫૨ રન કરી અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ૧૯ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. રચિન રવિન્દ્ર ૯૬ બોલમાં ૧૨૩ રન કરી અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ૧૧ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. ઇંગ્લેન્ડ માટે માત્ર સેમ કરનને સફળતા મળી હતી.
ઇંગ્લેન્ડના ૨૮૨ રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વિકેટ ૧૦ રન પર ગુમાવી હતી. વિલ યંગ એક પણ રન કર્યા વિના આઉટ થયો હતો ત્યારબાદ રચિન અને કોનવેએ ઇંગ્લેન્ડને કોઈ તક આપી ન હતી.