બિહારમાં કાવડિયાઓ પર ફરી વળી પૂરપાટ વેગે દોડતી કાર, છના મોત, 10ને ઇજા
પટનાઃ બિહારના બાંકા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં કાવડિયાઓના જૂથ સાથે એક પૂરપાટ વેગે આવતી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારે કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને ત્યારબાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ રાહદારીઓ ઈજાગ્રસ્ત કાવડિયાઓને હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતમાં 4 કાવડિયાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે બે કાવડિયાઓનાં મોત થયાં હતાં. આ સાથે અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. આ અકસ્માતમાં 10 જેટલા કાવડિયાઓ ઘાયલ થયા હતા. બાંકા જિલ્લાના પોલીસ અધિકારીએ આ અકસ્માતની પુષ્ટિ કરી હતી.
આ અકસ્માત બાદ આજુબાજુના ગામોના લોકોમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી હતી. રોષે ભરાયેલા ટોળાએ આગચંપી અને પથ્થરમારો કર્યો હતો. જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસને પણ કાવડિયાઓનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કાવંડિયાઓ આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓએ પોલીસ વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી હતી. કેટલાક કલાકો બાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગુસ્સે થયેલા લોકોના હુમલામાં ઈન્સ્પેક્ટર બબન માંઝી ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ અકસ્માતમાં ઘાયલ થયેલાઓની સારવાર ચાલી રહી છે. તમામ છ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ઘટના અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 400 લોકો સુલતાનગંજથી જેઠોરનાથ જઇ રહ્યા હતા. લોકો રથમાં બેસીને નાચતા-ગાતા પગપાળા જેઠોરનાથ મંદિરે જતા હતા અને આ લોકોનો વિરામ રાત્રે ભરકો ગામમાં હતો, પરંતુ નાગરડીહ વળાંક પર પહોંચતા જ આ ભયાનક અકસ્માત થયો હતો.