દિવાળી ટાણે કચ્છમાં ગરમીનો કહેર: દુબઇ અને દોહા કરતાં ભુજમાં વધારે ગરમી

ભુજ: દિવાળીને આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સેકન્ડ સમર તરીકે ઓળખાતા ઓક્ટોબર મહિનાની ગરમીએ કચ્છ જિલ્લામાં આકરો કહેર વર્તાવ્યો છે અને તેમાં પણ અરબી સમુદ્રમાં પ્રવેશી ચુકેલી સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધતાં અને પવનો મંદ પડી જતાં ખૂબ જ આકરા હવામાનનું નિર્માણ થયું છે. જેને લઈને બજારોમાં પણ હજુ દિવાળીની ખરીદી મંદ રહી છે. ભુજ ખાતે આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અન્ય સ્થળોનું મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રીની વચ્ચે રહ્યું છે.
આજે ભુજમાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચું રહ્યું છે, જો કે, હવામાન ખાતાએ ગરમી હજુ વધવાની આગાહી કરી છે. આ પ્રકારના હવામાનને લઈને ગરમી જાણે દિવાળીના તહેવારો દરમ્યાન વિલનની ભૂમિકા ભજવે તેવું લાગી રહ્યું છે. ‘જો આવું થશે તો લોકો સ્વાભાવિક રીતે વાતાનુકુલિત શોપિંગ મોલમાં જઈને ખરીદી કરશે જે નાના વેપારીઓ માટે પડકારરૂપ બાબત બની રહેશે’ તેવું ભુજના એક વેપારી નિલેશ શાહે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સેકન્ડ સમર તરીકે ઓળખાતા ઓક્ટોબર મહિનાની ગરમી આ વખતે કાળો કેર વર્તાવી રહી છે. ચોમાસાંની વિદાય સમયે આ પ્રકારની ગરમીનો અહેસાસ થયો હતો હોય છે. અકળાવનારી આ પરિસ્થિતિની ગંભીર અસર જાહેર આરોગ્ય પર પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણોથી પીડાતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને આ પરિસ્થિતિ નવરાત્રીના પ્રારંભથી જ શરૂ થઇ ચુકી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.