શું તમે પણ ઑફિસમાં ઊભા રહીને કામ કરો છો? જાણી લેજો ગેરફાયદા
ઑફિસ જોબ કરતા લોકોમાં ડેસ્કની સામે ઉભા રહીને કામ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો માને છે કે ડેસ્ક પર બેસીને કામ કરવાથી શરીરમાં જે નિષ્ક્રિયતા આવે છે તે થોડા કલાકો ઊભા રહીને કામ કરવાથી ભરપાઈ કરી શકાય છે. ઘણા લોકો માને છે કે થોડીવાર ઉભા રહીને કામ કરવાથી સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે જે સતત બેસીને કામ કરવાને કારણે થઈ શકે છે, પરંતુ હવે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉભા રહીને કામ કરવાથી વધારે ફાયદો તો નથી થતો, પણ શરીરને વધારે નુકસાન થઈ શકે છે.
હવે એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ડેસ્ક પર લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાથી પગની નસોમાં સોજો આવે છે અને લોહીના ગંઠાવાનું જોખમ પણ વધી જાય છે. આ અભ્યાસ બ્રિટનમાં 80,000 થી વધુ પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે ઊભા રહીને કામ કરવાથી સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવા રોગોનું જોખમ ઓછું થતું નથી, જોકે ઘણા લોકો એવું જ માને છે.
યુનિવર્સિટી ઓફ સિડની દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં બે કલાકથી વધુ ઊભા રહેવાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ અને વેરિકોઝ વેઈન જેવી સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. આ અભ્યાસનું પરિણામ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયું છે. જોકે, ડૉક્ટરો જણાવે છે કે તમારે આખો વખત ઊભા રહીને કામ કરવાની જરૂર નથી. જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે અથવા ઊભા રહે છે તેમણે દિવસભર નિયમિત પ્રવૃત્તિ કરવી જોઈએ. વધુ સમય ઊભા રહેવાથી બેઠાડુ જીવનશૈલીમાં સુધારો થતો નથી. સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી ઊભા રહેવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં સુધારો થતો નથી અને રક્ત પરિભ્રમણની સમસ્યાઓનું જોખમ વધે છે.
અભ્યાસમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમને હૃદય રોગની કોઇ સમસ્યા નહોતી. તેમની શારિરીક ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેમના કાંડા પર એક ઉપકરણ પહેરાવવામાં આવ્યું હતું. સંશોધન ટીમે શોધ્યું હતું કે બે કલાકથી વધુ ઊભા રહેવાના દર 30 મિનિટમાં રૂધિરાભિસરણના રોગનું જોખમ 11 ટકા જેટલું વધી ગયું છે. સંશઓધન જણાવે છે કે ઊભા રહેવાથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને કોરોનરી હાર્ટ ડિસીઝ જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનુ ંજોખમ ઓછું થતું નથી.
ડૉક્ટરો જણાવે છએ કે જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે, તેમણે નિયમિત સમયાંતરે ઉઠવું જોઇએ. થોડું ચાલવું જોઇએ, સીડીનો ઉપઓગ કરવો જોઇએ, થોડો કામમાંથી વિરામ લેવો જોઇએ અથવા થોડી વાર માટે કેટલીક મનગમતી પ્રવૃતિ કરવી જોઇએ.
અંતમાં ડૉક્ટરો એવા તારણ પર આવ્યા છે કે સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાનું જોખમ ઘટાડવા નિયમિત સક્રિય રહેવું જોઇએ.