વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

સ્થાપત્યનું વાઈ-ફાઈ- આશ્ચર્ય બોક્સ ઘર – રોટરડેમ

હેમંત વાળા

પ્રાયોગિક ધોરણે આ એક સરસ રચના છે. અહીં માત્ર ૭૪ ચોમી જેટલી જગ્યામાં એક ઘર બનાવી દેવાયું છે જે કંઈ મળે તેનો મહત્તમ ઉપયોગ કરવાનો આપ પ્રયત્ન છે. એક માહિતી પ્રમાણે આ ઘરની રચના માટેની પ્રક્રિયા સન ૨૦૧૩ થી શરૂ થઈ હતી. તે ક્યારે પૂરું થયું તેના વિશે વિશ્ર્વસનીય માહિતી નથી. આ એક મજાની રચના છે. જેમાં સીધી સાદી સપાટીઓ દ્વારા સ્થાન નિર્ધારણ થયું છે અને જ્યાં જે પણ જગ્યા મળી તેનો અસરકારક અને રસપ્રદ ઉપયોગ થયો છે. ઊંચાઈ પર હોવાથી અને આજુબાજુ અમુક પ્રકારની મોકળાશ હોવાથી અહીં હવા-ઉજાસનો પ્રશ્ર્ન ન થાય.

આ ઘરને કોઈ એક મકાનના સાતમા માળની અગાસી પર રહેલી થોડી ખુલ્લી જગ્યામાં બનાવાયું છે. અહીં પહોંચવા માટે લિફ્ટમાં સાત માળ ચઢીને એક દાદર નો પ્રયોગ કરવો પડે. આમાં કોઈ વાંધો ન હોય. અહીં થોડીક અગાસીની ખુલ્લી જગ્યા પણ મળે. તે સાતમા માળની ઉપર હોવાથી અહીં થોડી ગોપનીયતા પણ જળવાયેલી રહે.

શહેરના ગીચ વિસ્તારમાં થોડીક મોકળાશની અનુભૂતિ થાય. વળી બાંધકામ નાનું હોવાથી નીચેના મૂળ મકાન પર વજન વધવાનો પ્રશ્ર્ન પણ ઊભો ન થાય. બિનઉપયોગી રહેતી અગાસીનો ઉપયોગ કરવાની આ સારી રીત છે.

આ ઘર બે સ્થપતિએ ભેગા થઈને પોતાની માટે બનાવ્યું છે. સ્થપતિ રેમો અને કેબનોન દ્વારા અહીં ન્યૂનતમ કહી શકાય તેવા સ્થાન નિર્ધારણથી પોતાની બધી જરૂરિયાતો લગભગ પૂરી કરી હશે. અહીં નીચેના સ્તરે આશરે ૩૯ ચોરસ ફૂટના દિવાન-સ્થાન, જરૂરિયાત મુજબનું છતાં પણ થોડી વધુ જગ્યા વાળું ટોઇલેટ, પ્રવેશ તથા અંતરાળ કહી શકાય તેવાં સ્થાન છે. ઉપરના ભાગમાં, માળિયા જેવી રચનામાં, શયન-સ્થાન અને તેને સંલગ્ન જરૂરી સ્ટોરેજનું આયોજન કરાયું છે. વ્યક્તિગત પસંદગી તથા ત્યાંના સમાજના અગ્રતાક્રમ મુજબ, આશ્ર્ચર્યજનક રીતે ૨૩ ચોરસ ફૂટનું સ્પા અને સોના સાથેનું સ્નાન-સ્થાન બનાવાયું છે.

આ ઘરમાં આ પ્રકારની સવલતનો સમાવેશ અહીંના સમાજની એક છબી પ્રસ્તુત કરે છે. આવી બાબત ત્યાંના સમાજની જીવનશૈલીનો એક મહત્ત્વનો ભાગ છે. આ વાત સમજવા જેવી છે. ઘર નાનું હોય કે મોટું, વ્યક્તિની પ્રાથમિક પસંદગી, વ્યક્તિનો પ્રાથમિક અગ્રતાક્રમ, વ્યક્તિની જીવન શૈલીની મુખ્ય બાબતો તથા વ્યક્તિની આદર્શ ઘરની કલ્પનાની ચોક્કસ બાબતોનો સમાવેશ થવો જ જોઈએ. અહીં કોઈ બાંધછોડ ના ચાલે.

જગ્યાની અસરકારક ઉપયોગીતા માટે અહીં ડ્રોવર પ્રકારના સ્ટોરેજની વ્યવસ્થા કરાઈ છે. વળી અહીં ઓછી જગ્યા ઓછી ન જણાય તે માટે આછા રંગનો પ્રયોગ કરાયો છે. સાથે સાથે ન્યૂનતમ વિગતિકરણ રાખી દૃશ્ય અનુભૂતિમાં જમાવડો વધી ન જાય તેનું ધ્યાન રખાયું છે. અહીં ક્યાંય વધારાનું નથી. અહીં ક્યાંય બિન જરૂરી બાબત નથી. એક રીતે જોતા આ મકાન મશીન સમાન છે, જે કામ કરે અને પરિણામ આપે. લાંબા સમય માટે માનવીય સંવેદનાઓ માટે આ ઇચ્છનીય પરિસ્થિતિ નથી.

દુનિયામાં જે આવાસનો પ્રશ્ર્ન છે તેના નિરાકરણ માટે શું આ યોગ્ય નમૂનો બની શકે કે નહીં તે પ્રશ્ર્ન છે. આ ઘર ભલે અગાસી પર બનાવવામાં આવ્યું હોય, પણ મકાન માટે પ્રાથમિક પસંદગી તો જમીનની જ રહેવાની. સાથે સાથે અગાસીમાં જે ક્ષેત્રફળ પ્રાપ્ય હોય તે જમીન કરતાં તો ઓછું જ રહેવાનું. આવાસ નો પ્રશ્ર્ન સૌથી વધુ શહેરી વિસ્તારમાં હોય છે. શહેરી વિસ્તારમાં ઓછી જમીનમાં વધુ આવાસ બનાવવાની જરૂરિયાત રહે. તેથી શહેરી વિસ્તારમાં આ પ્રકારની માત્ર એક માળ વાળી રચનાની સ્વીકૃતિ ન થાય.

એક સમય હુડકોએ આવી જ કોઈ રચના માટે પ્રતિસ્પર્ધા યોજી હતી, જેમાં સ્થપતિ ચાર્લ્સ કોરિયાની રચના પસંદ કરવામાં આવી હતી. તે ડિઝાઇનનો નમૂનો પણ અમદાવાદમાં બનાવાયો હતો અને પછી તે પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો. કદાચ પ્રશ્ર્ન એ જ હતો, શહેરમાં જમીનની ઉપયોગીતા જે પ્રમાણે હોવી જોઈએ તે પ્રમાણે તેમાં શક્ય ન હતી. આ પ્રકારે અહીં થોડાંક પ્રશ્ર્નો પણ છે.
ભૂતકાળમાં એક વિશ્ર્વના ખ્યાતનામ સ્થપતિએ મશીન પ્રકારના ઘરની કલ્પના કરી હતી. સમાજે તે કલ્પનાનો સદંતર અસ્વીકાર કર્યો. વ્યક્તિગત ધોરણે વ્યક્તિ કશું પણ કરી શકે, પરંતુ જ્યારે સામાજિક ઉત્તરદાયિત્વની વાત આવે ત્યારે પ્રશ્ર્ન વધુ જટિલ બની રહે. અહીં એ પણ સમજવું જોઈએ કે ખોખા જેવા ઘરમાં રહેવું કોને ગમે.

આ પ્રકારના ઘરમાં ભૌતિક તથા શારીરિક જરૂરિયાતો તો કદાચ સંતોષાઈ જાય, પણ તેનાથી જે માનસિક બંધિયારપણું ઉદ્ભવે તેનાથી ઊભા થતાં માનસિક પ્રશ્ર્નોનો ઉકેલ શોધવો પડે.
મજાની વાત તો એ છે કે ભારતની કેટલીક સ્થાપત્યની કૉલેજોમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની રચના કરવા માટેની એક્સરસાઇઝ આપવામાં આવે છે. અહીં લગભગ ૨.૦૦ મીટર પહોળી, ૩.૦૦ મીટર લાંબી તથા ૩.૫૦ મીટર ઊંચાઈ વાળા સ્થાનમાં એક વ્યક્તિ માટે અનુકૂળ ઘર ડિઝાઇન કરવાનું હોય છે.

આ એક્સરસાઇઝમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘણી સારી રચનાઓ નિર્ધારિત કરાતી હોય છે. નાના પ્રમાણમાં માપ વાળું તેનું મોડલ પણ બનાવાય છે. એમાં તેની ઉપયોગીતા ચકાસાતી હોય છે, પણ આ શૈક્ષણિક એક્સરસાઇઝ માત્ર હોવાથી તેનું અમલીકરણ નથી થતું. તેની માટે ભંડોળ પણ નથી હોતું. તે માત્ર શૈક્ષણિક પ્રક્રિયા બનીને રહી જાય છે.

ભારત જેવા દેશની એ કમનસીબી છે કે અહીંના વિદ્યાર્થીઓને, તેમના પ્રયત્નોને, તેમની સર્જનાત્મકતાને અને તેમના વિશ્ર્વાસને યોગ્ય પ્રોત્સાહન નથી મળતું અને બહારના દેશમાં બનેલ આવી કોઇ રચના વિશે આપણે વાત કરીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button