આમચી મુંબઈ

હૉસ્પિટલમાં ચાર મહિનામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે: પ્રધાનની ખાતરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હૉસ્પિટલમાં થોડા સમયમાં થયેલા મૃત્યુ સંબંધે રાજ્યના પ્રધાન હસન મુશ્રીફે ગુરુવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોના કારભારમાં ચાર મહિનામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર મુંબઈ હાઈ કોર્ટમાં શુક્રવારે એક વિસ્તૃત સોગંદનામું દાખલ કરશે જેમાં સરકારી હૉસ્પિટલોની કમીઓ અને મુશ્કેલીઓ તેમ જ આ મુદ્દાને સુધારવા માટે લેવામાં આવેલા આકરા પગલાં વિશેની માહિતી આપવામાં આવશે.

નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં ૩૦ ડિસેમ્બરથી ૪૮ કલાકમાં ૩૧ લોકોના મોત થયા હતા. આવી જ રીતે છત્રપતિ સંભાજીનગરમાં બીજી અને ત્રીજી ઓક્ટોબરમાં ૧૮ લોકોના મૃત્યુ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઈમાં પત્રકારોને સંબોધતાં મુશ્રીફે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકાર સંચાલિત બધી જ હોસ્પિટલોમાં પબ્લિક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે બધી જ કોમ્પ્લીકેટેડ સર્જરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે અને તેને વહેલામાં વહેલી તકે અમલી બનાવવામાં આવશે.

મેં ફક્ત બે મહિના પહેલાં પદભાર સ્વીકાર્યો છે. હું તમને આશ્ર્વાસન આપું છું કે ચાર મહિનામાં સરકાર સંચાલિત બધી હોસ્પિટલોના કારભારમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. પછી તે મુંબઈ હોય, પુણે હોય કે છત્રપતિ સંભાજીનગર કે નાગપુર હોય.

હું આ બધી જ હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સ્પ્લાન્ટ જેવી જટિલ સારવાર પણ ઉપલબ્ધ કરાવીશ, એમ તેમણે કહ્યું હતું.

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે નાંદેડની હોસ્પિટલમાં થયેલા મૃત્યુની સુઓ-મોટો દખલ લીધી હતી અને એવી નોંધ કરી હતી કે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલા બેડની અછત, સ્ટાફની અછત અને આવશ્યક દવાની અછત જેવા કારણો સ્વીકારી શકાય નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે નાંદેડની હોસ્પિટલમાં થયેલા મૃત્યુને ગંભીરતાથી લેવામાં આવ્યા છે અને વિસ્તૃત અહેવાલ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મુશ્રીફ અને તાનાજી સાવંતનું રાજીનામું લો: કૉંગ્રેસની રાજ્યપાલ સમક્ષ માગણી
મુંબઈ: ત્રણ દિવસમાં રાજ્યના નાંદેડ, છત્રપતિ સંભાજીનગર અને નાગપુરમાં સરકારી હોસ્પિટલોના રેઢિયાળ કારભાર, અસુવિધા અને ગંદકીને કારણે દર્દીઓનાં થયેલા મૃત્યુને પગલે રાજ્યના પ્રધાનો તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશ્રીફ અને આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતનું રાજીનામું લેવાની માગણી કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે રાજ્યપાલ રમેશ બૈસને મળીને કરી હતી. તેમણે પોતાના આવેદનપત્રમાં મૃતક દર્દીઓના પરિવારજનોને રૂ. ૧૦ લાખનું વળતર આપવાની પણ માગણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃત્યુની તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતા હેઠળ સમિતિ ગઠિત કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button