નવરાત્રૌત્સવાટે ડ્રાયફ્રૂટ્સની માગ આગામી અઠવાડિયે આવક વધશે, પણ હવે ભાવ નહીં ઘટે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:નવરાત્રૌત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી કરવા માટે લોકોએ અત્યારથી જ પડાપડી શરૂ કરી દીધી છે. આ ઉત્સવમાં દેવીને નેવૈદ્ય તરીકે પાંચ પકવાન સહિત ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈની પ્રસાદી ધરવાની પ્રથા છે. આગામી અઠવાડિયામાં સૂકા મેવાની આવક વધવાની હોવાથી તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વર્તાઈ રહી છે, પણ બીજી બાજુ એપીએમસી માર્કેટના વેપારીના જણાવ્યા અનુસાર ડ્રાયફ્રૂટ્સના ભાવ પહેલેથી જ ઘટેલા છે એટલે તેના ભાવ ઘટવાની શક્યતા નહીંવત્ છે. જોકે મીઠાઈના ભાવ જૈસે થે રહેવાના હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું.
નવરાત્રૌત્સવ દરમિયાન જ તો ઘરાકી રહેતી હોય છે અને આમ પણ ડ્રાયફ્રૂટ્સના ભાવ પહેલેથી જ હેઠે ઊતરેલા છે, એટલે હવે તેના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા ઓછી છે, એવું એપીએમસી ડ્રાયફ્રૂટ્સ માર્કેટના ડિરેક્ટર વિજય ભૂતાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.
ગણેશોત્સવ બાદ નવરાત્રિ પર લોકોનું ધ્યાન હોઈ કોરોના સમયમાં ઠપ થયેલી ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈની માગ વધી રહી છે. દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીમાં મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ મોટા પ્રમાણમાં વેચાતાં હોય છે. માગણી વધે ત્યારે ભાવ પણ વધતા હોય છે. આ વખતે સૂકો મેવો વિદેશથી આગામી અઠવાડિયામાં મુંબઈમાં આવવાનો હોવાથી અને અગાઉના માલનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાને કારણે ભાવ ઊતરવાની શક્યતા છે.
ભાવમાં ૮થી ૧૨ ટકાનો ઘટાડો થાય એવી શક્યતા હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું. નવરાત્રૌત્સવમાં મોટા ભાગના લોકોના ઉપવાસ રહેતા હોય છે. એટલે જ આ સમયમાં અંજીર, બદામ, કાજુ, પિસ્તા, અખરોટ જેવા સૂકા મેવાનું વેચાણ થતું હોય છે, એવી માહિતી ડ્રાયફ્રૂટ્સના એક વેપારીએ જણાવ્યું હતું.