હવે BSNLનું સિમ કાર્ડ ખરીદવા નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, ATM માંથી નીકળશે
નવી દિલ્હીઃ BSNLનું સિમ કાર્ડ ખરીદવા માટે હવે યૂઝર્સે એક્સચેંજ કે સ્ટોરના ચક્કર નહીં મારવા પડે. બીએસએનએલએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ દરમિયાન સિમ વેંડિંગ મશીન રજૂ કર્યું છે. યૂઝર્સ બીએસએનએલને સેલ્ફ કેર એપ તથા સિમ વેંડિંગ મશીનનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવી શકશે.
કઈ જગ્યાએ મૂકવામાં આવશે આ મશીન
બીએસએનએલનું આ 24 x 7 સિમ વેડિંગ મશીન રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મુખ્ય પબ્લિક પ્લેસ પર લગાવાશે. કંપની તેના ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા માટે એટીએમ જેવા દેખાતા સિમ વેડિંગ મશીન લગાવવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં દેશમાં 4G સર્વિસ શરૂ કરવાની છે, ઉપરાંત 5G નેટવર્કનું ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભારત સંચાર નિગમ લિમિટેડની 5G સર્વિસ આગામી વર્ષે જૂનથી રોલ આઉટ થઈ જશે.
આ પણ વાંચો :સિમ કાર્ડ કે નેટવર્ક વગર કરી શકાશે કોલ , BSNLની એલન મસ્કને ટક્કર આપવાની તૈયારી
BSNLનું આ સિમ વેંડિંગ મશીન કોના માટે ફાયદાકારક સાબિત થશે
જે લોકો કંપનીની ઓફિસ કે ટેલિફોન એક્સચેંજમાં જવા નથી ઈચ્છતાં તેમના માટે BSNLનું આ સિમ વેંડિંગ મશીન ફાયદાકારક સાબિત થશે. બીએસએનએલ સેલ્ફ કેર એપ અને વેંડિંગ મશીન દ્વારા નવું સિમ કાર્ડ ખરીદી શકાશે. એશિયાના સૌથી લાંબી ટેક ઈવેંટમાં કંપનીએ આ ઉપરાંત નવા જમાનાની ટેક્નોલોજી જેવી કે ઈન્ટેલિજેંટ વિલેજ, મેટાવર્સ અને મિશન ક્રિટિકલ સર્વિસને પણ રજૂ કરી છે. ઉપરાંત સ્પામ કોલ પર નિયંત્રણ લગાવવા માટે પણ AIનો ઉપયોગ કરશે.
BSNL એ ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં AI અને મશીન લર્નિગ (ML) દ્વારા સ્પેમ ડિટેક્શન નેટવર્કનો પણ ડેમો આપ્યો હતો. આ ઉપરાંત કંપની સેટેલાઈટ દ્વારા કોલિંગ અને બ્રોડબેંડ સર્વિસની પણ ઝલક બતાવી હતી. બીએસએનએલ સેટેલાઈટ કનેક્ટિવિટી સર્વિસ માટે ગ્લોબલ બ્રાંડ Viasat સાથે પાર્ટનરશિપ કરી છે. આ સેટેલાઇટ કનેક્ટિવિટી સર્વિસ ખાસ કરીને ડિફેંસ ફોર્સ માટે માઇલનો પથ્થર સાબિત થઈ શકે છે.