દિવાળી પર GSRTC દોડાવશે 8300થી વધુ બસ, બુકિંગમાં આવ્યો 18 ટકાનો ઉછાળો
અમદાવાદઃ દિવાળીના પર્વને લઈ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરશન (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસઆરટીસીએ શુક્રવારે જાહેરાત કરી કે 8340 બસ દોડાવશે અને આશરે 3.75 લાખ પેસેન્જર્સનું પરિવહન કરશે. જીએસઆરટીસી હાલમાં દૈનિક 8000 બસનું સંચાલન કરે છે. જે 33 લાખ કિલોમીટરથી વધુને આવરી લે છે અને 25 લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરે છે. દિવાળી નજીક આવતાની સાથે જ કોર્પોરેશને અગાઉના મહિનાની સરખામણીએ ઓક્ટોબર માટે બુકિંગમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ માંગને પહોંચી વળવા માટે, GSRTCએ મુસાફરોની સુવિધા માટે વધારાની બસો ઉમેરીને તેના કાફલામાં વધારો કર્યો છે.
સુરતથી દોડશે આટલી વધારાની બસો
જીએસઆરટીસીના અધિકારીએ જણાવ્યું કે, આ વિશેષ વ્યવસ્થા તેમના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે રાજ્યભરમાં મુસાફરી કરતા લોકો માટે સલામત અને સમયસર પરિવહન પ્રદાન કરશે. ખાસ કરીને જે લોકો રોજગાર માટે સુરતમાં સ્થાયી થયા છે તેમના ઘરે પરત ફરવામાં આનાથી રાહત રહેશે. તહેવારની સિઝન દરમિયાન નિગમ દ્વારા 26 થી 30 ઓક્ટોબર, 2024 વચ્ચે સુરતથી 2,200 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીના રૂટને આવરી લેશે.
આ પણ વાંચો : Ahmedabad ના ધોળકામાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ સ્નિફર ડોગની મદદથી ઝડપથી ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
આ દિવાળીએ, GSRTC એ મુખ્ય પ્રદેશોમાંથી વધારાની બસ ટ્રીપ્સ નક્કી કરી છે, જેમાં સુરતમાંથી 2,200 બસ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2,150 અને ઉત્તર ગુજરાતમાંથી 1,090 બસોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, કોર્પોરેશને મુસાફરોને રૂટ અને સમયપત્રક વિશે પૂછપરછ કરવા માટે 24/7 ટોલ-ફ્રી હેલ્પલાઇન (1800-233-666666) પર પણ સંપર્ક કરી શકે છે.