કોહલીના પ્રથમ દાવના ઝીરો બાદ કુંબલેએ કરી મોટી વાત…
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં હાફ સેન્ચુરી ફટકારીને પ્રવાસી ટીમના બોલર્સને પોતાની ખરી તાકાત થોડી તો બતાવી જ છે, પરંતુ ગુરુવારે પ્રથમ દાવમાં ઝીરોમાં વિકેટ ગુમાવવાની સાથે તે કેટલાક દિગ્ગજોનો ટાર્ગેટ બન્યો હતો. સંજય માંજરેકરે કોહલીની બૅટિંગ-ટેક્નિકમાં મોટી ખામી તરફ ઇશારો કર્યો છે તો અનિલ કુંબલેએ પણ માંજરેકરની જેમ મોટી વાત કરી હતી.
‘જમ્બો’ તરીકે ઓળખાતા કુંબલેનું એવું કહેવું હતું કે ‘કોહલીને બૅટિંગમાં ત્રીજા નંબરને બદલે ચોથા નંબરે મોકલવો જોઈતો હતો. કૅપ્ટન રોહિત શર્મા સાતમી જ ઓવરમાં પૅવિલિયન ભેગો થઈ ગયો. બોલર્સને ત્યારે નવા બૉલમાં સારા સ્વિંગ મળતા હતા અને સીમની મદદથી પણ તેઓ બૅટર્સને મુશ્કેલીમાં લાવતા હતા. એવામાં કોહલીને બોલર્સના પડકારનો સામનો કરવા મેદાન પર મોકલવામાં આવ્યો અને તે પોતાના નવમા જ બૉલ પર શૂન્ય સાથે વિકેટ ગુમાવી બેઠો હતો.
યાદ છેને, કુંબલે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બન્યો હતો ત્યારે એ સમયના કૅપ્ટન કોહલી સાથે તેનો ખટરાગ થયો હતો અને કુંબલેએ એક વર્ષમાં જ કોચનો હોદ્દો છોડી દીધો હતો. એ કિસ્સો અલગ છે, પણ કોહલીના બૅટિંગ-ક્રમ વિશે કુંબલેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘ગુરુવારે કોહલીએ ચોથા નંબરે રમવું જોઈતું હતું. એ ક્રમ પર તે આપણો નંબર-વન બૅટર છે. નંબર-થ્રી પર ચેતેશ્ર્વર પુજારા જેવાની જરૂર પડે. તેણે એ નંબર પર ઘણા વર્ષો સુધી સારું પર્ફોર્મ કર્યું છે. પુજારા એવો બૅટર છે જે બૉલ પોતાના સુધી આવવાની પૂરી રાહ જુએ છે. આવા સમયે આવો અપ્રોચ ધરાવતા પુજારા જેવાની ખાસ જરૂર પડે. ભારતે વનડાઉનના આ ક્રમ વિશે ચિંતિત થવાની જરૂર છે.’
શુક્રવારની બીજા દાવની ઇનિંગ્સ બાદ કરીએ તો આ વર્ષમાં કોહલીએ ટેસ્ટમાં ફક્ત 26.16ની સરેરાશે કુલ માત્ર 157 રન બનાવ્યા છે અને એમાં તેની એક પણ હાફ સેન્ચુરી નહોતી.