અરીસામાં મોઢું ને સંસારમાં સુખ હોતું જ નથી એ માત્ર ભ્રમ છે !
અરવિંદ વેકરિયા
ઉત્પલ ભાયાણી
ઉત્પલ ભાયાણી….
સ્નેહપૂર્ણ આદરાંજલિ
ઉમદા વ્યક્તિ… રંગભૂમિના ખરા અભ્યાસુ, જેમણે નાટ્ય-સમીક્ષાનાં અનેક પુસ્તકો આપણને- નાટ્યરસિકોને આપ્યા ત્રણ-ત્રણ દાયકા સુધી રંગભૂમિની એમની આવી અક્ષર- સેવા અવિરત રહી. ‘ઈમેજ’ અને ‘પરિચય ટ્રસ્ટ પબ્લિકેશન’નાં પાયાના પથ્થર અને સાક્ષર ડો. સુરેશ દલાલના જમણા હાથ સમા ઉત્પલ ભાયાણીની પુણ્યતિથિ ૧૬ ઓકટો-૨૦ના હતી. જેમની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય. નત મસ્તક વંદન.!
મુંબઈ સુખરૂપ પહોંચી ગયા. હવે મુંબઈમાં ‘હાઉસ ફૂલ’ની હારમાળા તુટતી જતી હતી. મને હતું કે આ નાટક અવિરત ચાલતું રહેશે, પણ મુંબઈમાં ‘માઉસ ટ્રેપ’ બનવું કઠિન છે. લોકોની યાદદાસ્ત બહુ ઓછી છે. મારા અનુભવે મને લાગ્યું છે થિયેટરનાં અભાવે કદાચ નાટકની જા.ખ. બે અઠવાડિયા છાપામા ન દેખાય તો પ્રેક્ષકો માની લે છે કે ‘નાટકનું શટર પડી ગયું.’. ‘ખુબ ચાલશે’ એવી મારી ધારણાનો પણ અંત આવવાનો જ હતો. ભ્રમ ઉપર જીવી ન શકાય. અરીસામાં મોઢું અને સંસારમાં સુખ હોતું જ નથી,ફક્ત ભ્રમ છે.
જોકે, પહેલાં આવતાં પ્રોફિટમાં અને હાલના પ્રોફિટમાં થોડો ફરક પડેલો પણ લોસ તો નહોતો. ભટ્ટસાહેબનું માનવું હતું કે આવેલા નફામાંથી એકાદ બે શો ટ્રાય કરી નાટકને વધાવી’ લેવાનું. અગાઉ પણ મેં એમના સ્વભાવની વાત કરી હતી. ભાગ્ય રેખા’ એક જ શોમાં એમણે બંધ કરી દીધું હતું. અભય શાહ- ધનજી સોલંકી સાથે છૂટા-છવાયા ઘણા શો કર્યા. અગાઉ એમના કિશોર કુમાર સાથેના અનુભવો મેં વાચકો સાથે શેયર પણ કરેલા. હવે એમણે નૂતન સાથે ઓરકેસ્ટ્રા શરૂ કરેલો. મને પહેલીવાર ખબર પડી કે નૂતન ગાયિકા પણ છે. મેં તો માત્ર એક અદભુત અદાકાર તરીકે જ જોઈ હતી. અભયભાઈએ કહ્યું ત્યારે જાણ્યું. એની સાદગી વિષે વાત કરતાં મને કહેલું કે અમે હિંમતનગરથી નૂતનજીનો શો પતાવી અમદાવાદ પાછા ફરી રહ્યાં હતા ત્યારે એમણે કહ્યું કે મને ભૂખ લાગી છે શાહજી!’ ગાડી ઊભી રાખી તપાસ કરી તો ત્યાં માત્ર વડા-પાંવ મળતા હતાં. નુતને કહ્યું કે ‘બેસ્ટ…ચલેગા … બે લઇ લો! ’ કોઈ હોટલમાં જવાની જીદ નહિ. અભયભાઈ કહે, ‘સાલું મને ખરાબ લાગ્યું પણ એમણે એ ખાઈને ઉપરથી મારો આભાર પણ માન્યો.’ એ ઉપરાંત એમણે નૂતનની સાદગી અને એ કેવી પ્રોફેશનલ હતી એની ઘણી વાતો કરી, એ ફરી કોઈ વાર ! નૂતનનાં શો શરૂ થયા અને એ પહેલા કિશોરકુમારના શો બંધ થયા એ વચગાળાનાં સમયમાં ભટ્ટ્સહેબે મારું નાટક ગોઠવીને પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. હવે જયારે નૂતનના કાર્યક્રમો થવા લાગ્યાં ત્યારે અમારાં શોને બ્રેક લાગવા માંડી. આ તો એવું કે જો આંધળા માણસને દેખાવા માંડે તો સૌથી પહેલાં એ પોતાની લાકડી ફેંકી દે છે, જેણે હંમેશાં એને સાથ આપ્યો હોય છે. જો કે અભયભાઈએ સાવ હાથ ઊંચા નહોતાં કર્યા, પણ પહેલાં જે રોજ ‘દોરડે વાતું’ થતી એમાં ખોટ દેખાવા લાગેલી.
એક રાત્રે મને એમનો ફોન આવ્યો,‘દાદુ, એક શો માટે તારે મહુવા આવવું પડશે, મારી ઈજજતનો સવાલ છે.’ હવે જે દિવસ એમણે કહ્યો એ દિવસે સનત વ્યાસ, ભૈરવી શાહ અને રાજેશ મહેતા ફ્રી નહોતા. એ આડો દિવસ (રવિવાર નહિ) હતો, છતાં પૂછેલું અને મારે ‘નાં’ પડવાનો સવાલ નહોતો. મેં અભયભાઈને આ વાત કરી. ઈજજત’નાં નામે એમણે જીદ ચાલુ રાખી.
‘મેં કહ્યું કે ત્રણ-ત્રણ રિપ્લેસમેન્ટ કરવા એ સહેલું કામ નથી. તો મને કહે, ‘તમે સહેલા થઇ જાવ પછી કોઈ કામ અઘરું નથી. તું મને આજે જ આંગડિયામાં નાટકની સ્ક્રીપ્ટ મોકલી આપ. જયેન્દ્ર મહેતા અને જેમિની ત્રિવેદીને હું તૈયાર કરાવી લઈશ.. રાજેશ મહેતા માટે હું જોઉં છું.’
બીજે દિવસે જ મેં માારા કલાકારોનો દાણો ડાબી જોયો, કદાચ આવે. પરંતુ એમના માટે શક્ય નહોતું. બે જણાને તો એ તૈયાર કરાવી દેવાનાં હતા. રાજેશ મહેતાનાં રોલ માટે મેં ઘનશ્યામ નાયક (નટુ કાકા) ને વાત કરી, મારો પ્રોબ્લેમ કહ્યો. એક વાત સારી હતી કે ‘એમણે વાત મધરાત…’ નાટક જોયું હતું. અમારો સંબંધ કૌટુંબિક હતો. હું માનું છું કે સંબંધો જેટલા જૂના થાય એટલાં સમૃદ્ધ થવા જોઈએ, વૃદ્ધ નહિ. કદાચ એ જ કારણ હશે કે એમણે તરત કહ્યું, ‘દાદુ, તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ. દોસ્ત, સંબંધ જતાવવો કે બતાવવો નહિ પણ જાળવી રાખવો મહત્ત્વપૂર્ણ છે. તારી મુશ્કેલી મારે મારી રીતે સોલ્વ કરવી એ અગત્યનું છે.’
મેં આ વાત અભયભાઈને કરી દીધી. અને આંગડીયામાં સ્ક્રીપ્ટ પણ મોકલાવી દીધી.
મારાં ઘરમાં જ મેં ઘનશ્યામભાઈને રિહર્સલ કરાવી તૈયાર કરી લીધા. ગુજરાત માટે મારા નાટક માટે ઘણી મહેનત કરેલી. મહુવા માટે એમણે કહેલું કે ‘ઇજજતનો સવાલ’ છે તો મારે શક્ય બને તો પ્રમાણિક બની એમને મદદ કરવી જોઈએ. પ્રમાણિકતા રાખવી એ કોઇના ઉપર ઉપકાર નથી પણ પોતાના હિતની સારી વિચારધારા છે.
ભાવનગર થઈ અમે મહુવા પહોંચી ગયા.
જયેન્દ્ર મહેતા અને જેમિની ત્રિવેદી લગભગ ડાયલોગ સાથે તૈયાર હતા. બે-ચાર રીડિંગ અને થોડી મુવમેન્ટ બતાવી હું રિલેક્ષ થયો. શો મહુવાનાં ‘ગીરનાર’ સિનેમા થિયેટરમાં હતો.( અત્યારે છે કે નહિ એ જાણ નથી) શો શરૂ થઇ ગયો. અચાનક છેલ્લા સીનમાં એવું બન્યું કે…
ઘર ન હતું તો બધાને આકાશ ઓછા પડ્યા, ઘર મળ્યું તો માણસોને ખાટલા ઓછા પડ્યા, એ માગે એવું આપવાનું બધ કર હે ઈશ્ર્વર! આભ દઈશ તો કહેશે તારલા ઓછા પડયા. *
જો નસીબમાં અંધારું લખ્યું હોય તો ‘રોશની’ નામની છોકરી પણ દગો દઈ જતી રહે છે.