મેટિની

વેર- વિખેર -પ્રકરણ -૯૦…

કોઈ પણ હત્યામાં બે વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે. એક તો ખૂનીનો આશય – હેતુ… અને બીજી વસ્તુ હથિયાર… યશ, ગાયત્રી પાસે હથિયાર મળી આવ્યું છે એ હકીકત છે…

‘એનું નામ કુમાર ચક્રવર્તી છે.’ વાતની શરૂઆત કરતાં વિક્રમે કુમારના દેખાવ, ઊંચાઈ વગેરે વિશે વિગતો કબીરને આપી.
કબીરે સેલ કાઢી લાલબઝાર ફોન લગાડ્યો.

‘કમિશનર શ્રીવાસ્તવ પ્લીઝ…’

થોડી પળો પછી કબીર કમિશનર રવિ શ્રીવાસ્તવ સાથે વાત કરી રહ્યો હતો.

‘હાય, તને ખબર પડી ને? હવે સાંભળ બાકીની વાત આપણે પછી કરશું… પણ હાલ પૂરતી એક ફેવર કરીશ? કુમાર ચક્રવતી નામની એક દાઢીવાળી વ્યક્તિ જગમોહન પર હુમલો કરીને ફરાર થઈ છે. કદાચ એ હાવડા, સિયાલદાહ અથવા ઍરપોર્ટથી કોલકાતાથી બહાર ભાગી જવાની કોશિશ કરશે.’ પછી એક નજર ઘડિયાળ પર નાખતા કબીર બોલ્યો, ‘જો થોડી ઝડપ કરીએ તો કદાચ આ માણસ ગિરફતાર થઈ શકે…’

‘ડોન્ટ વરી, કબીર, જગમોહન માટે કંઈ પણ કરવા તૈયાર છું. મને એક કલાક આપ…’ કમિશનરે ફોન મૂકી દીધો.
‘ઓ.કે. જો આ કુમાર ચક્રવર્તી ખરેખર કોલકાતા છોડીને ભાગવાની કોશિશ કરશે તો પકડાઈ જશે…’ કબીરે કહ્યું.
‘કુમાર પકડાઈ જાય એનો અર્થ એ નથી કે ખૂન એણે કર્યું છે. રિવોલ્વર તો ગાયત્રીના હાથમાં હતી.’ જતીનકુમાર બોલી ઊઠ્યા.

‘જમાઈબાબુ, જે આપણે નરી આંખે જોઈએ છીએ એ હોતું નથી. હાથમાં રિવોલ્વર હોવાનો અર્થ એ નથી કે ખૂન ગાયત્રીએ જ કર્યું છે. માની લ્યો કે ગાયત્રીની જ ગોળી જગ્ગેને વાગી છે તો પણ કુમાર ચક્રવર્તીનો શું રોલ હતો એ તો આપણે સમજી લેવું જોઈએ.’ જતીનકુમાર સામે જોયા વિના કબીરે પ્રત્યુત્તર આપ્યો.

એ જ સમય ઑપરેશન થિયેટરની લાલ બત્તી બંધ થઈ અને વિશાળ દરવાજો ખૂલ્યો. બધાં એક સાથે દરવાજા તરફ આગળ વધ્યાં. ઓ.ટી.માંથી બે ડોક્ટરે બહાર નીકળ્યા.

‘મિ. વિક્રમ દીવાન, મારું નામ ડો. મહેતા અને આ મારા સાથી ડોક્ટર કરમાકર.’ વિક્રમે બંને સામે ક્ષીણ સ્મિત વેર્યું. ‘મિ. દીવાન, ગોળી તો અમે કાઢી લીધી છે.’ પણ અનફોર્ચ્યુનેટલી ઘણું બ્લિડિંગ થઈ ગયું છે. લીવરને પણ થોડું ડેમેજ થયું છે. હજી કંઈ ચોક્કસપણે કહી શકાય નહીં.’

‘પપ્પા આઉટ ઓફ ડેન્જર છે એમ કહી શકાય?’ કરણે પૂછ્યું.

‘આ તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ૭૨ કલાક પછી જ કોઈ નિર્ણય લઈ શકાય. કદાચ જરૂર પડે તો બીજું ઑપરેશન પણ કરવું પડે પણ આ ૭૨ કલાક એમના માટે બહુ જ ક્રિટિકલ ગણાય.’ કહીને બંને ડોક્ટરોએ વિદાય લીધી.

‘૭૨ કલાક… માય ફૂટ… દરેક ડોક્ટર ૭૨ કલાક જ કેમ કહેતા હશે? કોણ જાણ કેમ ૭૩મા કલાકથી પેશન્ટ સાજોસમો થઈને ઘર ભેગો થઈ જશે.’ કરણ ચિડાઈ ગયો.

‘કરણ, કામ ડાઉન, આ સમય ઉશ્કેરાવાનો નથી.’ વિક્રમે એને ટપાર્યો.

‘આપણી આ જ તકલીફ છે.’ જતીનકુમાર બોલ્યા, બધાં વારંવાર ઉશ્કેરાઈ જઈએ છીએ. છેલ્લા બે-ત્રણ દિવસથી સસુરજી સામે આપણે ઉશ્કેરાટનું જ પ્રદર્શન કરીએ છીએ. બિચારાને એક પળ પણ શાંતિથી જીવવા ન દીધા. બધાંએ લાવ… લાવ… કર્યું.’ જતીનકુમાર બોલ્યે જતા હતા.

‘ઓહ,’ કબીરને વાતચીતમાં રસ પડવા લાગ્યો:

‘જમાઈબાબુ, તમે અટકી કેમ ગયા? પ્લીઝ કેરી ઓન, ધીઝ ઈઝ વેરી ઈન્ટરેસ્ટિંગ!’
‘અરે શું કહું તમને? કોઈએ તમારા મિત્રને છોડ્યા નથી. સાચું પૂછો તો એમાં મારું નામ પણ આવી જાય છે. પણ બિચારા ભગવાનના માણસ હતા.’ જતીનકુમારે માથે હાથ મૂકીને શોક પ્રગટ કરવાની મુદ્રામાં કહ્યું.

‘એક્સ્યુઝ મી, જમાઈબાબુ, તમારા સસરા અને મારા મિત્ર હજી જીવે છે.’ કબીરને ગુસ્સો તો ખૂબ ચડ્યો પણ આ માણસ પાસે માહિતીનો મસાલો છે અણસાર એને આવી ગયો હતો.

‘હા… હા… સોરી, ભગવાનનું માણસ છે તમારા મિત્ર… પણ મારા ગળાના સમ, અમે કોઈએ એનું લોહી પીવામાં બાકી નહોતું રાખ્યું… ભલે ગાયત્રીએ ગોળી છોડી હોય પણ એક વાત નોંધી લેજો કે અહીં હાજર રહેલી દરેક વ્યક્તિ આ જ કામ કરવા ઈચ્છતી હતી. ફરક બસ એટલો જ છે કે આ કૃત્ય ગાયત્રીએ કર્યું છે.’

‘જમાઈબાબુ, તમે તમારી હદ વટાવી રહ્યા છો.’ વિક્રમ દાંત પીસીને બોલ્યો.

‘જુઓ, કબીરભાઈ, જુઓ, તમારા મિત્રના આ બે લાડકા દીકરાઓ… બાપ પાછળ મગરમચ્છનાં આંસુ સારે છે. અરે તમારા આંસુ પર તો મગરમચ્છને પણ શરમ આવે.’ જતીનકુમાર અટકે તેમ નહોતા.

‘તમને તો હું જોઈ લઈશ.’ કરણ મુક્કો ઉગામીને બોલ્યો: જુઓ, કબીરભાઈ, જુઓ, બસ આ રીતે બધા જ તમારા મિત્ર જગ્ગેને ધમકી આપતા હતા. કોઈ બાકી નહોતું રહ્યું. એમાંય આ નાના સાળાબાબુ તો પોતાની પત્ની માટે પચ્ચીસ લાખ ન મળતાં બાપને જ હું જોઈ લઈશ’ની ધમકી આપી આવ્યા હતા. પૂછો… પૂછો એને જો હું ખોટું બોલતો હોઉં તો…’

જતીનકુમારને જાણે લાગ મળી ગયો હતો.

કરણ જતીનકુમાર તરફ ધસવા ગયો પણ કબીરે એને અટકાવી દીધો, કરણ, બીહેવ યોરસેલ્ફ, આ હોસ્પિટલ છે.’ કરણ સમસમીને રહી ગયો. દૂર બેઠેલી પ્રભા દોડતી આવી ગઈ.

‘શું થયું… શું થયું… તારા પપ્પાને ઠીક છે ને?’
‘કબીરભાઈ, આ છે મારા સાસુમા, આમ ખૂબ જ ભલા બાઈ પણ પતિને ધમકી આપવામાં તો એ પણ આગળ પડતાં જ હતાં.’ જતીનકુમાર હવે વિફર્યા હતા. રેવતીએ એમને અટકાવ્યા, તમે શું બોલો છો એનું તમને ભાન છે?’

‘જમાઈરાજ, મેં તમારું શું બગાડ્યું છે?’ પ્રભાએ જમાઈને પ્રશ્ર્ન કર્યો.

‘ઈનફ’ કબીરે ઊંચા સાદે કહ્યું, મને આ જગ્યાએ કોઈ સીન ન જોઈએ. વિક્રમ, કરણ, તમારા બંનેના વ્યવહારથી હું ખરેખર ખૂબ જ નિરાશ થયો છું. આઈ થીન્ક વી નીડ ટુ ટોક… આપણે વાત કરવી પડશે.’

વિક્રમ અને કરણ બંને નીચે જોવા લાગ્યા.

‘એટલું જ નહીં કબીરભાઈ, તમને ખબર ન હોય તો તમને કહી દઉં. તમારા મિત્ર તો જીવવા જ નહોતા માગતા. એ તો ગયા અઠવાડિયે આત્મહત્યા કરવા નીકળ્યા હતા. ત્યાં ગાયત્રીએ એમને ન બચાવ્યા હોત તો એ હમણાં જીવતા જ ન હોત…’

જતીનકુમારે હોસ્પિટલની કોરિડોરમાં જ બોમ્બ ફોડી નાખ્યો. તમને વિશ્ર્વાસ ન આવતો હોય તો કરણને પૂછી જોજો. એની પાસે મારા સસરાની ડાયરી પડી છે.’

બધા સ્તબ્ધ થઈ ગયા હતાં.

કબીરને પણ કળ વળતા થોડી વાર લાગી.

જગમોહન આત્મહત્યા કરવાનો વિચાર કરી શકે? ઓહ ગોડ, ઘણી વાર મિત્રોથી ઝાઝો સમય દૂર રહીએ તો બંને પક્ષે નુકસાન થઈ શકે છે. કદાચ હું જગ્યે સાથે નિયમિત સંપર્કમાં હોત તો જગમોહનની આ સ્થિતિ ન થાત…! જાણે ગુનો કર્યો હોય એવી લાગણી કબીરે અનુભવી.

કબીરે જતીનકુમાર સામે જોયું. આ માણસ બધી વાતનો ઘટસ્ફોટ આજે જ શા માટે કરતો હતો? એ શું બધાંને ફસાવવા માગતો હતો? કે પછી દીવાન પરિવારના દરેક સભ્ય સાથે એ પોતાનું વેર વાળતો હતો? ગમે તે કહો, આ માણસ દેખાય છે એટલો બેવકૂફ નથી.

‘કરણ, તારા પપ્પાએ આપઘાત કરવાની કોશિશ કરી હતી અને તેં અમને કહ્યું પણ નહીં?’ પ્રભા કરણની સામે નારાજગી દર્શાવતી હતી. કરણ જવાબ ન આપી શક્યો.

‘એની વે હમણાં જૂની વાત ઉખેડીને ફાયદો નથી.’ કબીરે હસ્તક્ષેપ કર્યો, આમેય જગ્ગેના ખૂનના પ્રયાસને અને એના આપઘાતના કેસ વચ્ચે કોઈ સંબંધ નથી દેખાતો. હવે કોઈ મને એક વાત સમજાવશે કે જો ગાયત્રીએ જગ્ગેનો જીવ બચાવ્યો હોય તો એ એને મારવાની કોશિશ શા માટે કરે?’

કોઈ કાંઈ બોલ્યું નહીં.

‘વિક્રમ, આઈ થીન્ક, ક્યાંક કોઈ ગરબડ છે. ગાયત્રીએ ગુનો કર્યો હોય તો એને સજા મળવી જોઈએ પણ મારા મત મુજબ ગાયત્રીએ હત્યા કરવાની કોશિશ કરી હોય એ થિયરીમાં ઘણાં છિદ્રો છે.’ કબીર બોલ્યો. અચાનક એને ગાયત્રીને મળવાની ઈચ્છા થઈ આવી.

વિક્રમે કંઈ જવાબ ન આપ્યો.

‘કોઈ પણ હત્યામાં બે વસ્તુ ખૂબ જ મહત્ત્વની હોય છે. એક તો ખૂનીનો આશય, હેતુ, મોટિવ… આ કેસમાં જગમોહનને મારવા પાછળ ગાયત્રીનો શું હેતુ હોઈ શકે?’ પછી થોડી ક્ષણો બાદ કરતાં ઉમેર્યું: અને બીજી વસ્તુ હથિયાર… યસ, ગાયત્રી પાસે હથિયાર મળી આવ્યું છે એ હકીકત છે. વિક્રમ મારે ગાયત્રીને મળવું છે.’

કરણ સામે જોયું વિક્રમે…

‘ઓ.કે. અંકલ, હું તમને પોલીસ સ્ટેશને લઈ જાઉં છું વિક્રમભાઈ ભલે અહીં રહેતા…’ કરણે કહ્યું.
‘હા, અહીં વિક્રમે રહેવું પડશે. પ્રભાભાભી, પૂજા અને રેવતી તમે ઘરે જાઓ. કંઈ હશે તો અમે તમને ઈન્ફોર્મ કરી દઈશું. જય અહીં વિક્રમ સાથે રહેશે. અને જમાઈબાબુ અને કરણ મારી સાથે પોલીસ સ્ટેશને આવશે.’ કબીરે ફટાફટ નિર્ણય લઈ લીધો. કોઈએ વિરોધ કર્યો નહીં.

વિક્રમ કબીરને બાજુમાં લઈને બોલ્યો: ‘અંકલ, તમે જમાઈબાબુની વાતને કાને ધરતા નહીં, તમે એમને ઓળતા નથી.’
‘વિક્રમ, હમણાં હું એક પોલીસ ઓફિસર છું અને મને કોઈને ઓળખવામાં રસ નથી. આ કેસ પર પ્રકાશ ફેંકી શકે એવી દરેક વ્યક્તિની વાતમાં મને રસ પડશે.’

વિક્રમનું મોઢું પડી ગયું. થોડી મિનિટોમાં વિક્રમ અને જયને હોસ્પિટલમાં રાખીને બધાં રવાના થઈ ગયા.


એક કલાક બાદ કબીર લાલબઝારના ઈન્ટરોગેશન સેલમાં ગાયત્રીની સામે બેઠો હતો. ગાયત્રીને પહેલાં અલીપુર પોલીસ સ્ટેશને એરેસ્ટ કરીને લાવવામાં આવી હતી, પણ આ હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે કમિશનર ખુદ રસ લેતા હતા. એટલે ગાયત્રીને પૂછપરછ માટે લાલબઝાર પોલીસ હેડ કવાટર લઈ આવવામાં આવી હતી.

ગાયત્રીની આંખ રડી રડીને સૂઝી ગઈ હતી.

‘ગાયત્રી, આપણે જિંદગીમાં પહેલીવાર મળી રહ્યા છીએ.’ કબીરે વાતની શરૂઆત કરી, પણ સમહાવ આઈ ફીલ આઈ ટ્રસ્ટ યુ. જે થયું એ તું મને વિગતવાર જણાવ.’

ગાયત્રીએ પોતે રૂમમાં સૂતી હતી ત્યારે બહાર કોઈના પગલાંનો અવાજ સાંભળીને બહાર આવી ત્યારથી વાતની શરૂઆત કરી, ‘બહાર અવાજ સાંભળ્યો કે મેં રિવોલ્વર ઉપાડી.’

‘એક મિનિટ, મને એકહે કે આ રિવોલ્વર કોની છે? એ તારી તો ન હોઈ શકે…!’ કબીરે પૂછ્યું.

‘અંકલ, આ કાકુની પિસ્તોલ છે. એ ચોરાઈ ગઈ હતી. મને એ કરણભાઈના ડ્રોઅરમાં કાકુની ડાયરી શોધતા મળી આવી હતી. કાકુનો બચાવ કરી શકું એ માટે મેં રિવોલ્વર મારી પાસે રાખી હતી. એ જ વખતે મેં આ દાઢીવાળા માણસને કાકુના રૂમમાં પ્રવેશતો જોયો.’

‘પછી?’

‘રૂમમાં જોયું તો કાકુ સામે દીવાલને અઢેલીને ઊભા હતા અને દાઢીવાળો શખ્સ હાથમાં ગન લઈને કાકુ પર ગોળી છોડવાની તૈયારીમાં જ હતો. મને શું શૂઝયું કે મેં ગોળી છોડી દીધી. એ ગોળી કાકુને વાગી ગઈ…’ ગાયત્રીની આંખો ફરી ભરાઈ આવી.

‘પેલા દાઢીવાળા માણસે ગોળી ચલાવી હતી?’ કબીરે પૂછ્યું.

‘ખાતરીપૂર્વક ન કહી શકું.’ ગાયત્રીએ જવાબ આપતા કહ્યું, બધું એટલું ઝડપથી બની ગયું કે કાકુને જમીન પર ફસડાતા જોઈને પેલો માણસ બારી તરફ દોડ્યો. હું કંઈ કરું એ પહેલાં તો એ બારીની બહાર કદાચ પાઈપ વાટે નીચે ઊતરી ગયો.’

‘ઓ.કે. એ માણસને તે પહેલાં ક્યારેય જોયો હતો?’

‘ના…’ ગાયત્રીએ એકાક્ષરી જવાબ આપ્યો.

‘જગમોહન, એ શખ્સ અને તારા સિવાય એ રૂમમાં બીજું કોઈ હતું?’ કબીરે પૂછ્યું.

‘ના, પણ હું જ્યારે કાકુની રૂમમાં પ્રવેશતી હતી ત્યારે મને પાછળ કોઈના ચાલવાનો અવાજ આવતો હતો પણ હું જોઈ ન શકી. પછી ગોળી ચલાવ્યા બાદ સૌથી પહેલાં પૂજાભાભી કમરામાં દાખલ થયાં હતા એટલે ખ્યાલ આવી ગયો કે પૂજાભાભી મારી પાછળ જ હતાં.’

‘ઓ.કે.’ તો આનો અર્થ એ છે કે પેલી અજાણી વ્યક્તિ જગ્ગેનું મર્ડર કરવા આવી હતી. જગ્ગેને બચાવવા જતાં તારી બુલેટ એને જ વાગી ગઈ. બરાબર…?’ કબીરે તારણ કાઢ્યું.

‘હા…’ ગાયત્રીનો અવાજ તૂટતો હતો. પછી ધ્રુસકે ધ્રુસકે રડતાં એ બોલી :

‘અંકલ, પ્લીઝ… મને અહીંથી બચાવો. અહીં મારો દમ ઘૂંટાય છે. જો હું કાકુને મારવા ઈચ્છતી તો એમનો જીવ શા માટે બચાવું?’ ગાયત્રી કહેતી હતી.

‘આઈ અન્ડરસ્ટેન્ડ… ગાયત્રી’ પણ હવે એક જ ઉપાય છે. કોઈ પણ રીતે પેલો દાઢીવાળો જો મળી જાય તો તને અહીંથી બહાર કાઢી શકું. એ માણસ પોતાનો ગુનો કબૂલી લે તો તારી સામેનો કેસ નબળો પડી જાય. તો તું બચી શકે. પણ જો એ નહીં મળે તો પબ્લિક પ્રોસિક્યુશનની કોશિશ એ જ પુરવાર કરવાની રહેશે કે તેં જાણી જોઈને, ઈરાદાપૂર્વક ખૂન કર્યું છે. જો એવું થાય તો મુશ્કેલી ઊભી થાય કેમકે તારી પાસેથી હથિયાર મળી આવ્યું છે.’

‘કબીર અંકલ, તો પેલા માણસને શોધોને…’ ગાયત્રી કરગરતી હતી.

‘ડોન્ટ વરી, અહીંના ઉચ્ચ અધિકારીઓ આ કામમાં લાગ્યા છે. કદાચ થોડી વારમાં કોઈ ખબર આવશે જ.’ કબીરે ઘડિયાળ સામે જોયું. કમિશનર સાથેના વાતચીતને દોઢ કલાક થઈ ગયો હતો.

ત્યાં જ કબીરના સેલનો રિંગટોન રણકી ઊઠ્યો:

‘યસ… કબીર હીયર.’

‘કબીર, એ દાઢીવાળાનો પત્તો તો લાગ્યો…’ કમિશનરે વાત શરૂ કરી.કબીરનો શ્ર્વાસ અધ્ધર થઈ ગયો.

‘હાવડા સ્ટેશન પર એ ચાદર ઓઢીને એક બાંકડા પર બેઠો હતો. મારા માણસોને શક જતાં એની પૂછપરછ કરી તો એ દોડ્યો.’

‘ઓહ નો… પછી? એ પકડાયો કે નહીં?’ કબીરે ઉત્કંઠાથી પૂછ્યું.

‘કબીર, એ એટલો ડરી ગયો હતો કે એ પાટા પર કૂદીને સામેના પ્લેટફોર્મ પર જવા માગતો હતો. પણ એ પહેલાં જ સામેથી આવતી એક લોકલ ટ્રેન સાથે એ અથડાઈને દૂર એવો ફંગોળાઈ ગયો કે એનું માથું ફાટી ગયું ’

‘પછી?’

‘મારા માણસોએ એને રેલવેની હોસ્પિટલે પહોંચાડયો પણ એની સારવાર શરૂ થાય એ પહેલાં જ હી વોસ ડેડ -એ મરી ગયો.’

(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button