SCએ મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અન્સારીને જામીન આપ્યા
નવી દિલ્હીઃ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વિધાન સભ્ય અબ્બાસ અન્સારીને રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમને જામીન આપ્યા હતા. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં બંધ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અબ્બાસ અન્સારીએ તપાસમાં સહકાર આપવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે અબ્બાસ અન્સારીને ગેંગસ્ટર કેસમાં જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવા જણાવ્યું છે. ગેંગસ્ટર કેસમાં અન્સારીને હજી સુધી જામીન નહીં મળવાને કારણે અબ્બાસ અન્સારી હાલ જેલમાં જ રહેશે. અબ્બાસ અન્સારીના વકીલ કપિલ સિબ્બલે ગેંગસ્ટર કેસમાં ટ્રાન્સફર જામીનની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર કેસમાં વચગાળાની જામીનની માગને પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને ગેંગસ્ટર કેસમાં જામીન માટેની સુનાવણી ચાર અઠવાડિયામાં પૂરી કરવા પ્રયાસ કરવા નિર્દેશ આપ્યો છે. કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે અબ્બાસ અન્સારી દોઢ વર્ષથી વધુ સમયથી જેલમાં છે.
આ પણ વાંચો : સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી
અલાહાબાદ હાઇ કોર્ટે 9મેના આદેશમાં અબ્બાસ અન્સારીની જામીન અરજી ફગાવી દીધી હતી. અબ્બાસ અંસારી વિરુદ્ધ 4 સપ્ટેમ્બરે ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. EDએ 2002માં અબ્બાસ અન્સારી સામે 2002માં મની લૉન્ડરિંગ મામલે કેસ દાખલ કર્યો હતો.