સિંગતેલમાં વધુ ₹ ૪૦નું ગાબડું, વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં જળવાતી પીછેહઠ
મુંબઈ: ગુજરાતનાં મથકો પર મગફળીની આવકોમાં વધારો થવાની સાથે સિંગતેલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણને કારણે સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૫થી ૨૫નો અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં રૂ. ૧૦નો ઘટાડો આગળ ધપતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૪૦નું ગાબડું પડ્યું હતું, જ્યારે કપાસિયા રિફાઈન્ડના ભાવમાં રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ૧૧૪ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૬૭ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આ સિવાય મલયેશિયના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૦૭ રિંગિટનો કડાકો બોલાઈ ગયાના નિર્દેશો સાથે સ્થાનિકમાં આયાતી તેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. જેમાં ૧૦ કિલોદીઠ સોયા ડિગમમાં રૂ. ૧૫, આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૦ અને ક્રૂડ પામતેલ તથા સન ક્રૂડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે ભાવઘટાડાના માહોલમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે માત્ર વાઈકોફ અને ગોકુલના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૮૧૮ અને રૂ. ૮૨૦ ક્વૉટ કર્યા હતા. આ સિવાય કોઈ રિફાઈનરોએ ભાવ નહોતા ક્વૉટ કર્યા. જોકે, રૂચીના સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના ભાવ અનુક્રમે રૂ. ૮૭૦ અને રૂ. ૮૮૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં માત્ર સેલરિસેલ ધોરણે બે-પાંચ ટ્રક આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૮૧૦થી ૮૧૫માં થયા હતા.