કૉંગ્રેસ જોતી રહી ગઇ અને ઠાકરેએ બાંદ્રા પૂર્વથી ઉમેદવારની જાહેરાત કરી દીધી
મુંબઈઃ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના બે મુખ્ય ઘટક કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)વચ્ચે ઉમેદવારો ઊભા રાખવા મુદ્દે ટક્કર ચાલી રહી છે. એમવીએમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજી નક્કી થઈ શકી નથી. એવામાં મુંબઈની બાંદ્રા (ઈસ્ટ) સીટ પર બંને પક્ષો સામસામે આવી ગયા છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ મુંબઈની બાંદ્રા (પૂર્વ) સીટ માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ઉદ્ધવની શિવસેનાએ જાહેરાત કરી છે કે વરુણ સરદેસાઈ બાંદ્રા (પૂર્વ) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વરુણ સરદેસાઈ આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ થાય છે. ઠાકરેની આ જાહેરાત બાદ કોંગ્રેસ નારાજ છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર જીશાન સિદ્દીકીને સફળતા મળી હતી, તેથી આ વખતે પણ કૉંગ્રેસ અહીંથી પોતાનો ઉમેદવાર ઊભો રાખવા માગે છે.
ઠાકરે સેનાએ દલીલ કરી છે કે શિવસેના યુબીટીએ તેમના હિસ્સાની ચાંદિવલી સીટ કૉંગ્રેસ માટે છોડી દીધી છે, તેથી હવે વરુણ સરદેસાઈ કૉંગ્રેસના ક્વોટાની બાંદ્રા (પૂર્વ) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઠાકરે પોતે બાન્દ્રા ઇસ્ટમાં રહેતા હોવાથી તેઓ આ સીટ માગે તે સમજવાની વાત છે, પણ બાન્દ્રા ઇસ્ટ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર હોવાથી કોંગ્રેસના ઘણા નેતાઓ બાંદ્રા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. એવામાં ઠાકરે સેનાની એકતરફી જાહેરાતથી કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ થઇ ગયા છે.