પિચ પારખવાની ભૂલ કબૂલ કરવાની સાથે રોહિતનું હાસ્યાસ્પદ નિવેદન!
બેંગ્લૂરુ: ટેસ્ટના વર્લ્ડ કપની સતત બે ફાઇનલમાં પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ભારત ગુરુવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં ફક્ત 46 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પિચને પારખવામાં કરેલી ભૂલ કબૂલ કરી હતી. જોકે તેણે એક હાસ્યાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. ગુરુવારે રોહિત શર્માએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. ભારતે ખરાબ શરૂઆત કરી હતી. પહેલા 13 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. વરસાદના ટૂંકા વિઘ્ન બાદ બીજી ત્રણ વિકેટ પડી હતી અને લંચ બાદ આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલી સહિત પાંચ બૅટર ઝીરોમાં આઉટ થયા હતા.
ટેસ્ટના એક દાવમાં 46 રન ઘરઆંગણે ભારતનું લોએસ્ટ ટોટલ છે. અગાઉ એશિયાની કોઈપણ પિચ પર ટેસ્ટની એક ઇનિંગ્સમાં આટલા ઓછા રન ક્યારેય નહોતા બન્યા.
વરસાદને કારણે બુધવારની પહેલા આખા દિવસની રમત નહોતી થઈ શકી.
રોહિતે ગુરૂવારની રમત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કબૂલ કર્યું હતું કે, “મેં પિચને પારખવામાં ભૂલ કરી હતી. મેં પિચ ઓળખવામાં ભૂલ કરી જેને કારણે અત્યારે અમે આ કપરી પરિસ્થિતિમાં છીએ. કેપ્ટન તરીકે મને ટીમનો આ સ્કોર (46 રન) જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, પરંતુ વર્ષના 365 દિવસમાં આવા બે-ત્રણ ખોટા નિર્ણય લેવાઈ જતા હોય છે. મને લાગે છે કે આ બહુ મોટી વાત નથી.”
રોહિતે એવું પણ કહ્યું હતું કે “પિચ પર બહુ ઘાસ નહોતું એટલે અમને થયું કે પહેલા એક-બે સેશનમાં પિચ થોડી ફ્લૅટ રહેશે અને પછી સ્પિનર્સને એના પર સારી મદદ મળશે. કુલદીપ યાદવ સપાટ પિચ પર પણ વિકેટો લઈ ચૂક્યો છે એટલે અમે તેને ત્રીજા સ્પિનર તરીકે ટીમમાં સમાવ્યો.”ભારતની તમામ 10 વિકેટ ન્યૂ ઝીલેન્ડના ફાસ્ટ બોલર્સે લીધી હતી. મૅટ હેન્રીએ પાંચ, વિલિયમ ઑ’રુરકીએ ચાર અને ટિમ સાઉધીએ એક વિકેટ લીધી હતી. ગુરુવારની રમતના અંત સુધીમાં ન્યૂ ઝીલેન્ડે ત્રણ વિકેટે 180 રન બનાવ્યા હતા.