Diwali Vacation માં ફરવા જતા ગુજરાતીઓને પડશે મોંધવારીનો માર, બસ અને ફ્લાઇટના ભાડામાં 15 ટકાનો વધારો
અમદાવાદઃ દિવાળી વેકેશન(Diwali Vacation)આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીનાં તહેવારમાં બાળકોને વેકેશન હોવાથી ગુજરાતીઓ પરિવાર સાથે જુદા-જુદા સ્થળે ફરવા જાય છે. ત્યારે ફરવા માટે જાણીતા ગુજરાતીઓ માટે ફરવા જવું મોંઘું પડશે. હાલ ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં પાંચ હજારથી 20 હજારનો વધારો થયો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જ્યારે દેશમાં કેરળ અને કાશ્મીર જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમામ પ્રવાસ સ્થળોએ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. આ ઉપરાંત ખાનગી બસોના ભાડામાં પણ 15થી 20 ટકા જેટલાનો વધારો થયો છે.
દુબઇ, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, બાલી, ગોવા, દિલ્હી, બેંગ્લોર સહિતની ફ્લાઈટના ભાડામાં રૂ. પાંચ હજારથી 20 હજારનો વધારો થયો છે. જ્યારે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં રૂપિયા એક હજારથી 1,400નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ભાડે મળતી કારના ભાવમાં પ્રતિ કિમી રૂપિયા બેથી પાંચનો વધારો નોંધાયો છે.
દક્ષિણ ભારતની ટુરમાં બેથી ત્રણ હજારનો વધારો
દિવાળી વેકેશનના પેકેજ ગત વર્ષે દક્ષિણ ભારતની ટુરમાં વ્યક્તિ દીઠ લગભગ રૂ. 20 હજાર હતો ત્યા આ વર્ષે તેટલા જ દિવસની દક્ષિણ ભારતની ટુરમાં 22 હજારથી 23 હજાર થઈ શકે છે. એટલે કે બસ દ્વારા વેકેશન માણવા માટે આ વર્ષે અમદાવાદીઓએ બેથી ત્રણ હજારનું બજેટ વધારવું પડશે.
દુબઇની રાઉન્ડ ટ્રીપ 45થી 50 હજારમાં પડશે
આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રીપ માટે દુબઇ જેવા ડેસ્ટિનેશન માટે રાઉન્ડ ટ્રીપના 22,000થી 25 હજાર સામાન્ય દિવસોમાં હોય છે, પરંતુ હાલમાં જો ટિકિટ બુક કરવી હોય તો તે વધીને 45 હજારથી 50 હજાર સુધી થઇ ગઈ છે, જ્યારે થાઈલેન્ડ માટે પણ સામાન્ય દિવસો કરતા હાલમાં રાઉન્ડ ટ્રીપ માટે બેથી ત્રણ ગણો ભાવ ચૂકવવો પડે છે.
જ્યારે ફરવા જવા માટે કાર ભાડે કરવી પણ હાલ મોંઘી થઈ છે. જેમાં સામાન્ય દિવસો કરતાં કાર ભાડામા હાલ કિલોમીટર દીઠ રૂપિયા 4 થી 5 નો વધારો થયો છે. જ્યારે મોટી કારના ભાવમાં કિલોમીટર દીઠ 7 થી 8 રૂપિયાનો વધારો થયો છે.
દિવાળીના 15 દિવસ પહેલાં જ ટ્રેનોમાં બુકિંગ ફૂલ
દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતીઓ ફરવા માટે વિવિધ રાજ્યો અને શહેરોમાં જતા હોય છે, ત્યારે દિવાળીના 15 દિવસ પહેલાં જ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. ટ્રેનોમાં દિવાળીના તહેવાર અને પછીના દિવસોમાં 150થી વધુ વેઇટિંગ છે. દિવાળી અને છઠ્ઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોમાં પણ વેઇટિંગ છે. દિલ્હી, મુબઇ, બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે.
પ્રવાસીઓને વેઇટિંગની ટિકિટ પણ નથી મળતી
ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો દિવાળી પહેલાં ફુલ થઈ ગઈ છે. કેટલીક ટ્રેનોમાં 150થી વધુનું વેઈટિંગ બતાવી રહ્યું છે. બીજી તરફ કેટલીક લોકપ્રિય ટ્રેનો ફુલ થઈ ગઈ છે. જેના લીધે હાલ પ્રવાસીઓને વેઇટિંગ ટિકિટ પણ નથી મળતી.