ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સત્ર દરમિયાન એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક થતાં સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા નબળો પડીને ૮૩.૨૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૦ અને ઉપરમાં ૮૩.૧૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૩.૨૭ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૧૦૬.૭૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૪.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થતાં રૂપિયામાં નરમાઈ મર્યાદિત રહી હતી. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૦૫.૫૩ પૉઈન્ટનો અને ૧૦૯.૬૫ પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૪૨૪.૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયામાં સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૧૦થી ૮૩.૩૫ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.