ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેવાને કારણે રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૦૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૭ અને ઉપરમાં ૮૩.૯૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા ઘટીને ૮૪.૦૬ના મથાળે બંધ રહ્યો હતો.
હાલના તબક્કે ડૉલરમાં મજબૂતી અને ઈક્વિટી માર્કેટની નરમાઈને કારણે રૂપિયો દબાણ હેઠળ આવી રહ્યો છે. જોકે, ઈઝરાયલે ઈરાનના તેલના મથકો પર હુમલો કરવામાં નહીં આવે એવું જણાવ્યા બાદ ક્રૂડતેલના ભાવમાં આવી રહેલા ઘટાડાને કારણે રૂપિયાને અમુક અંશે ટેકો મળી રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ૮૩.૮૫થી ૮૪.૩૦ની રેન્જમાં અથડાતો રહેશે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા વધીને ૧૦૩.૫૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૯૪.૭૫ પૉઈન્ટનો અને ૨૨૧.૪૫ પૉઈન્ટનો ઘટાડો
જોવા મળ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૪૩૫.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
તેમ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને બેરલદીઠ ૭૪.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.