વેપારશેર બજાર

બૅન્કિંગ અને ઑટો શૅરોમાં વેચવાલીના દબાણે સેન્સેક્સ-નિફ્ટી બે મહિનાના તળિયે

એફઆઈઆઈની ₹ ૭૪૨૧.૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી, રોકાણકારોની સંપત્તિમાં ₹ છ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું અને વધુ રૂ. ૭૪૨૧.૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહેવાની સાથે આજે મુખ્યત્વે ઑટો અને રિઅલ્ટી ક્ષેત્રોના શૅરોમાં તેમ જ ચોક્કસ બૅન્કના શૅરોમાં આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૪૯૪.૭૫ પૉઈન્ટ અને ૨૨૧.૪૫ પૉઈન્ટના કડાકા સાથે બે મહિના અથવા તો ગત ૨૧ ઑગસ્ટ પછીના તળિયે પહોંચ્યો હતો. આમ સતત આજે ત્રીજા સત્રમાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ આજે બજારમાં બોલાયેલા કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. છ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૮૧,૫૦૧.૩૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૧,૭૫૮.૦૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૦,૯૦૫.૬૪ અને ઉપરમાં ૮૧,૭૮૧.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૪૯૪.૭૫ પૉઈન્ટ અથવા તો ૦.૬૧ ટકા વધીને ૮૧,૦૦૬.૬૧ના મથાળે બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૧ શૅરના ભાવ ઘટી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે ૪૦૬૪ શૅરોમાં કામકાજ થયાં હતાં, જેમાંથી ૧૨૧૯ શૅરના ભાવ વધીને ૨૭૫૪ શૅરના ભાવ ઘટીને અને ૯૧ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે બજારમાં પીછેહઠ જળવાઈ રહેતાં બીએસઈ ખાતે લિસ્ટેડ થયેલા શૅરોમાં રોકાણકારોની સંપત્તિ ૬,૦૩,૮૬૨.૦૬ કરોડના ધોવાણ સાથે રૂ. ૪,૫૭,૨૫,૧૮૩.૦૧ કરોડ (૫.૪૪ ટ્રિલિયન ડૉલર)ના સ્તરે રહી હોવાના તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૪,૯૭૧.૩૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૨૫,૦૨૭.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૪,૭૨૮.૯૦ અને ઉપરમાં ૨૫,૦૨૯.૫૦ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે ૨૨૧.૪૫ પૉઈનટ અથવા તો ૦.૮૯ ટકા ઘટીને ૨૪,૭૪૯.૮૫ના મથાળે બંધ રહ્યો હતો. તેમ જ નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી નવ શૅરના ભાવ વધીને અને ૪૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

એકંદરે આજે આઈટી અને ટેક્નોલૉજી ક્ષેત્રના શૅરોને બાદ કરતાં સાર્વત્રિક સ્તરેથી અને તેમાં પણ ખાસ કરીને આ વર્ષે તહેવારોની મોસમમાં વેચાણ નબળું રહેવાના અંદાજે મુકાઈ રહ્યા હોવાથી ઑટોમોબાઈલ, રિઅલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું વ્યાપક દબાણ રહેતાં બજારમાં પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં આજે બજાજ ઑટોનાં નબળા પરિણામોને પગલે ઑટો ક્ષેત્રે સાર્વત્રિક સ્તરેથી વેચવાલીનું દબાણ વધવાની સાથે બૅન્કિંગ ક્ષેત્રના હેવીવેઈટ શૅરોમાં પણ વેચવાલી વધતાં શૅર આંક દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, માત્ર આઈટી ક્ષેત્રના શૅરોમાં સુધારો ઘટાડો મર્યાદિત રાખવામાં સફળ રહ્યા હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું.

આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ઈન્ફોસિસનાં પ્રોત્સાહક પરિણામે ભાવમાં સૌથી વધુ ૨.૫૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય મુખ્ય વધનાર શૅરોમાં ટૅક મહિન્દ્રામાં ૨.૩૯ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૨૮ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૧૩ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૬૩ ટકાનો અને ટીસીએસમાં ૦.૨૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે નબળા પરિણામો આવતા નેસ્લેમાં સૌથી વધુ ૩.૩૫ ટકાનો કડાકો બોલાઈ
ગયો હતો.

આ સિવાય અન્ય મુખ્ય ઘટનાર શૅરોમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૩.૩૨ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૭૦ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૨.૨૮ ટકાનો, ટિટાનમાં ૧.૯૯ ટકાનો અને ટાટા સ્ટીલમાં ૧.૮૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૧.૬૫ ટકા અને ૧.૪૨ ટકાનું ગાબડું પડ્યું હતું.

આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર આઈટી ઈન્ડેક્સમાં ૧.૧૩ ટકાનો અને ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૫૫ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસ ઘટીને બંધ રહ્યા હતા.

જેમાં મુખ્યત્વે રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૩.૭૬ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૩.૪૮ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૨.૨૮ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૨.૧૩ ટકાનો અને એફએમસી ઈન્ડેક્સમાં ૧.૬૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.

દરમિયાન આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈનાં અન્ડરટોને બંધ રહી હતી, જ્યારે યુરોપિયન બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હતું. તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૭ ટકા વધીને બેરલદીઠ ૭૪.૪૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button