તત્કાળ ટ્રેનની ટિકિટ ટાળવા અને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે, લોકો અગાઉથી ટ્રેન ટિકિટ બુક કરાવે છે. જે લોકો બહારગામ જવાની યોજના ધરાવે છે તેઓ 120 દિવસ અગાઉ અથવા તેની વચ્ચે ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. આવા લોકોને ટિકિટ બુક કરાવવા માટે હવે પહેલા કરતા ઓછો સમય મળશે. રેલવે વિભાગે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસની કરવામાં આવશે એટલે કે પ્રવાસીઓને 120 ને બદલે માત્ર 60 દિવસ પહેલા જ ટિકિટોનું એડવાન્સ રિઝર્વેશન મળશે.
ભારતીય રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેનું નોટિફિકેશન આજે એટલે કે 17 ઓક્ટોબર 2024ના રોજ રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે ટ્રેનની ટિકિટ 120 દિવસ નહીં પરંતુ માત્ર 60 દિવસ પહેલા જ બુક કરી શકાશે. આ પહેલા તમારે ટ્રેનની ટિકિટ 120 દિવસ પહેલા બુક કરાવી પડતી હતી, પણ હવે પહેલી નવેમ્બરથી ટિકિટ રિઝર્વેશનના નિયમો બદલાઇ જશે અને ટ્રેનની ટિકિટ 60 દિવસ પહેલા બુક કરાવવાની રહેશે. તમે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદો કે ઓનલાઇન ટિકિટ બુક કરાવો એ બંનેમાં આ નિયમ લાગુ પડશે. જોકે, પ્રવાસીઓ 31 ઑક્ટોબર સુધી 120 દિવસ પહેલા ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે.
આ બદલાવનો એવા પ્રવાસીઓને ફાયદો થશે જેઓ મોડી ટિકિટ બુક કરાવે છે અથવા ધારો કે તમે પછીથી ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારી કન્ફર્મ ટ્રેન ટિકિટ મળવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે. જોકે, એ વાતને નકારી શકાય નહીં કે તહેવારોની સિઝનમાં લોકોને કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અથવા ટિકિટ માટે લડાઈ વધી શકે છે.
આ પણ વાંચો :ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસના એડવાન્સ બુકિંગના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી આ વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ જેવી ટૂંકા રૂટની ટ્રેનો માટે આ નિર્ણય લાગુ નહીં થાય, એટલે કે અહીં પહેલાના જ નિયમો લાગુ રહેશે. તેઓ 120 દિવસ પહેલા તેમની ટિકિટ બુક કરાવી શકશે.