ઉત્તરાખંડના મદરેસામાં ગુંજશે સંસ્કૃતના શ્લોક, પંડિત આપશે શિક્ષણ
નવી દિલ્હી: ટૂંક સમયમાં જ ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકો સંસ્કૃતમાં શ્લોક અને મંત્રનો પાઠ કરતા જોવા મળશે અને આ શિક્ષણ પંડિત દ્વારા આપવામાં આવશે. ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ (UMEB) આ અંગે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. બોર્ડ રાજ્યની 416 મદરેસાઓમાં સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે અભ્યાસક્રમમાં ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે બોર્ડે ઔપચારિક દરખાસ્તનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. આ ફેરફારને અમલમાં મૂકવા માટે બોર્ડ રાજ્યના સંસ્કૃત વિભાગ સાથે સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કરવા માંગે છે.
સંસ્કૃત ઉપરાંત મદરેસાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસક્રમને સમૃદ્ધ બનાવવા માટે બોર્ડ કોમ્પ્યુટરને પણ સમાવેશ કરવા પર વિચારણા કરી રહ્યું છે. UMEBના અધ્યક્ષ મુફ્તી શમૂન કાસ્મીએ એક અંગ્રેજિ અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કર્યો છે, જેના પરિણામે આ વર્ષે વિદ્યાર્થીઓને 95 ટકાથી વધુ સફળતા મળી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે આ પહેલને લઈને એક પ્રસ્તાવ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેને લઈને સંસ્કૃત વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે. કાસમીએ એ પણ માહિતી આપી હતી કે સંસ્કૃત વિભાગના અધિકારીઓ સાથે થયેલી બેઠકો પરથી ટૂંક સમયમાં હકારાત્મક પ્રતિસાદ મળવાની આશા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 100 થી વધુ મદરેસાઓમાં અરબી ભાષા શીખવવામાં આવી રહી છે અને જો સંસ્કૃતના વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ થાય તો તે ખૂબ જ આનંદની વાત હશે.