6 કલાક માટે સદંતર બંધ કરવામાં આવ્યું મુંબઇ એરપોર્ટ
મુંબઇઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ મુંબઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. મુંબઈ એરપોર્ટ પર આજે 6 કલાક માટે હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર વરસાદ બાદ એરપોર્ટની રૂટિન જાળવણીના કામ માટે એરપોર્ટને છ કલાક માટે બંધ કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કામચલાઉ ધોરણે કોઈ કામગીરીને મંજૂરી આપવામાં આવશે નહીં. આ બંધ સવારે 11.00 કલાકે અમલમાં આવ્યો છે અને સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
CSMIA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન એરપોર્ટના રનવેને નુકસાન થયું છે. તેની જાણવણી અને રિપેરીંગના કામ માટે તેનો રનવે બંધ રાખવામાં આવ્યો છે.
એરપોર્ટ ઓથોરિટીનું આ પગલું મુંબઈ એરપોર્ટની ચોમાસા પછીની વાર્ષિક જાળવણી યોજનાનો એક ભાગ છે. દર વર્ષે આ રીતે જ એરપોર્ટની જાણવણીનું કામ કરવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટીએ છ મહિના પહેલા આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી.
એરપોર્ટ વહીવટી તંત્ર મુંબઇ એરપોર્ટને વૈશ્વિક માપદંડો પર સફળ ઉતરે તેવું બનાવવા માગે છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને નિયમિત સમય અંતરાલ પર એરપોર્ટનું સમારકામ કરવામાં આવે છે.