નેશનલ

નાયબ સિંહ સૈનીની કમ્પ્યુટર ઓપરેટરથી સીએમ બનવા સુધીની આવી છે સફર, પ્રથમ ચૂંટણીમાં હાર બાદ શરૂ થયો રાજયોગ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપની જીત બાદ નાયક બનેલા નાયબ સિંહ સૈની ફરી એક વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે હરિયાણાના સીએમ પદના શપથ લીધા. સૈની લાડવાથી ધારાસભ્ય છે. શપથ લેવાની સાથે તેઓ હરિયાણામાં બેથી વધુ વખત મુખ્યમંત્રી પદ સંભાળનારા આઠમાં નેતા બની ગયા છે. આ પહેલા બંસીલાલ, બનારસી દાસ ગુપ્તા, દેવીલાલ, ભજનલાલ, ઓમપ્રકાશ ચૌટાલા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને મનોહર લાલ બે કે તેથી વધુ વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

આ રીતે શરૂ થઈ ભાજપ સાથેની સફર
નાયબ સિંહ સૈનીએ ઉત્તર પ્રદેશની મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી છે. નાયબ સિંહની ભાજપ સાથેની સફર કમ્પ્યુટર ઑપરેટર તરીકે શરૂ થઈ હતી.

1996-97માં મનોહર લાલે તેમને રોહતક સ્થિત ભાજપ કાર્યાલયમાં કમ્પ્યુટર સંભાળવાની જવાબદારી સોંપી હતી. આ કમ્પ્યુટર નરેન્દ્ર મોદીએ મનોહર લાલને આપ્યું હતું. મનોહર લાલ સાથે દિવસભર રહેવા અને પાર્ટીના કામમાં રસને લઈ 2002માં તેમને અંબાલા યુવા મોરચાના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.

પ્રથમ હાર બાદ શરૂ થયો રાજયોગ
પાર્ટીએ તેમની કામ કરવાની ધગશને જોઈ 2005માં યુવા મોરચા અધ્યક્ષ બનાવ્યા. 2009માં સૈનીએ નારાયણગઢથી વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ કોંગ્રેસ ઉમેદવાર રામકિશન સિંહ સામે હારી ગયા. પ્રથમ હાર બાદ તેમનો રાજયોગ શરૂ થયો. 2014માં તેણે ફરી નારાયણગઢથી ચૂંટણી લડી. ચૂંટણી જીત્યાના બે વર્ષ બાદ પાર્ટીએ તેમને રાજ્યમંત્રી બનાવ્યા.
સૈનીના કામકાજ અને લોકો સાથે ભળી જવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભાજપે 2019માં કુરુક્ષેત્ર લોકસભાથી ઉમેદવાર બનાવ્યા. સૈનીએ આશરે 3 લાખ વોટથી જીત મેળવી. વિનમ્રતા અને સૌમ્ય છબીને જોતા પાર્ટીએ 2023માં તેમને એક મોટી જવાબદારી સોંપતા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. તેના છ મહિના બાદ ભાજપે મનોહર લાલને હટાવીને સીએમ બનાવ્યા. રાજનીતિમાં નાયબ સૈની સફળ થવા પાછળ મનોહર લાલનો મહત્ત્વનો રોલ રહ્યો છે. સૈનીએ તેમના રાજકીય ગુરુ માને છે.
નાયબ સૈનીના પરિવારમાં 70 વર્ષીય કુલવંત કૌર, પત્ની સુમન સૈની, પુત્ર અનિકેત અને પુત્રી વંશિકા છે. પુત્ર કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે પુત્રી 12માં ધોરણમાં છે. વર્ષ 2000માં નાયબ સૈનીના લગ્ન નારાયણગઢના સેન માજરા ગામમાં થયા હતા.

પત્ની પણ રાજનીતિમાં સક્રિય
તેમની પત્ની સુમન સૈની પણ રાજનીતિમાં સક્રિય છે. 2022માં ભાજપની ટિકિટ પર જિલ્લા પરિષદની ચૂંટણી લડ્યા પરંતુ હારનો સામનો કરવો પડ્યો. વર્તમાનમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ છે. સૈનીના ભાઈ મિર્ઝાપુર માઝરામાં જ રહે છે. તેમનો પરિવાર મૂળ કુરુક્ષેત્રના ગાંવ મંગોલી જાટાનનો હોવાનું કહેવાય છે, પરંતુ 1960માં મિર્ઝાપુર માઝરા આવીને વસ્યો હતો. પિતા તેલુરામ સૈનીએ વર્ષ 1962માં ચીન અને વર્ષ 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં ભાગ લીધો હતો. વર્ષ 2005માં પઠાણકોટના હવાલદાર પદેથી સેવા નિવૃત્ત થયા હતા અને તે વર્ષે તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button