કથા કોલાજ: યુવા વયે સલામતીની ખેવના ઓછી ને સાહસની ઝંખના વધુ હોય છે

-કાજલ ઓઝા-વૈદ્ય
નામ: સોનલ માનસિંહ
સ્થળ: સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હી
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૦ વર્ષ
નૃત્ય મારું જીવન છે. નર્તન મારા પગમાં નથી, મારી નસોમાં રક્ત બનીને વહે છે. હું નર્તન શ્ર્વસું છું, નર્તન જીવું છું! આજે જીવનના આઠ દાયકા ભરપૂર જીવી લીધા પછી પાછી વળીને જોઉં છું તો મને સમજાય છે કે, મેં નૃત્ય માટે જ અવતાર લીધો છે. કેટલીક વ્યક્તિઓને એના જન્મ પહેલાં જ એનું અવતાર કાર્ય પ્રાપ્ત થઈ જતું હોય છે, હું કદાચ એમાંની જ એક વ્યક્તિ છું. લોકો મને સોનલ માનસિંહના નામે ઓળખે છે કારણ કે એ મારું પ્રચલિત નામ છે, પરંતુ મારું સાચું નામ તો, ફક્ત ‘સોનલ’ છે… ન કંઈ આગળ, ન કંઈ પાછળ! જાણીતા ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝાએ જ્યારે મારા જીવન પર દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) બનાવી એનું નામ એમણે ‘સોનલ’ આપ્યું. યુટ્યુબ પર આ ઉપલબ્ધ છે-એ ડોક્યુમેન્ટરીમાં મેં મારા વિશે ઘણી વાતો કહી છે, પરંતુ મારા વિશેની એક વાત, સૌથી મહત્ત્વની, એ છે કે હું ‘કૃષ્ણપ્રિયા’ છું. કૃષ્ણમય, નૃત્યમય છું. સ્વભાવે સ્વતંત્ર છું અને પ્રકૃતિએ સંવેદનશીલ! આ બહુ વિચિત્ર સંયોગ છે, કારણ કે મારો જન્મ જ એક એવા પરિવારમાં થયો જે સ્વતંત્રતાના રંગે રંગાયેલો હતો.
મારા દાદાજી મંગળદાસ પકવાસા ગાંધીજીના નિકટના અંતેવાસી હતા. એમણે પોતાની વકીલાતનું શિક્ષણ પૂરું કરીને સોલિસિટરની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પૂરજોશમાં ચાલતી પ્રેક્ટિસ છોડીને એમણે સ્વતંત્રતાના જંગમાં ઝંપલાવ્યું. અસહકાર આંદોલન વખતે જેલમાં પણ ગયા. મારી મા, પૂર્ણિમા પકવાસા એમની પુત્રવધૂ… લોકો એને ‘ડાંગની દીદી’ તરીકે ઓળખે. નાની વયે દારૂબંધી માટે પિકેટિંગ કરવા મોડી રાત્રે હિંમતભેર ઊભી રહે. પોતાની પાસે નાની કટારી રાખે. બાપુને આવું હથિયાર રાખે એ નહીં ગમે એવું જાણતી હોવા છતાં મારી માએ બાપુને પૂછેલું, ‘બાપુ, સ્વરક્ષણ માટે હું કટાર રાખું તે ગુનો છે?’ બાપુએ આ યુવતીને અભિનંદી અને કહ્યું, ‘બેટા, મને તારી વાત ગમી. તમારે બહેનોએ સ્વરક્ષણની કલા શીખી લેવી જરૂરી છે. પરંતુ મને આનંદ ત્યારે થાય કે તું, સમાજની બહેનોને પણ આવી તાલીમનું મહત્ત્વ સમજાવે’.
મારી માએ કસ્તુરબા સાથે જેલમાં પણ સમય વિતાવેલો. જેલમાં મારી મા, પૂર્ણિમાબેન કસ્તુરબાને ભણાવતાં, બાપુએ આપેલું લેસન કરાવતાં. ૧૯૩૮ની હરિપુરા કૉંગ્રેસમાં મહાત્મા ગાંધીએ મારી માને આદિવાસી વિસ્તારમાં જે ક્ધયાઓને શિક્ષણથી વંચિત રહેવું પડે છે એમને માટે કામ કરવાનો માર્ગ સૂચવ્યો. આથી ડાંગ વિસ્તારને પસંદ કરીને ક્ધયા શિક્ષણમાં પહેલ કરી. બાપુ માનતા કે સ્ત્રીઓએ પોતાના જીવનમાં પારિવારિક જવાબદારીઓનું મહત્ત્વ પણ નિભાવવું જોઈએ, આથી એમના નિકટના મિત્ર કહી શકાય તેવા મંગળદાસ પકવાસાના પુત્ર અરવિંદ પકવાસા સાથે મારી માના લગ્ન કરવાનું સૂચન બાપુએ જ કરેલું. એ પછી પૂર્ણિમા પકવાસા બનીને એણે સાપુતારામાં ઋતંભરા વિશ્ર્વ વિદ્યાલયની સ્થાપના કરી. ત્યાં બાર ધોરણ સુધીની ક્ધયાશાળા, પુસ્તકાલય, ઔષધિ-વન અને મેદાની તાલીમ આપતાં કેન્દ્રો વિકસાવ્યાં.
૧૯૫૫માં નાશિકની ભોંસલે મિલિટરી સ્કૂલમાં કૅમ્પકમાન્ડર તરીકે સેવા આપવાની શરૂઆત કરી અને ૧૯૭૫ સુધીમાં આવા ૨૦ કૅમ્પમાં કમાન્ડર તરીકે માનદ સેવા આપી. સંગીતનાં રસિયા અને રાગોનાં જાણકાર પૂર્ણિમાબહેને નૃત્યનાટિકાઓને પ્રોત્સાહન પૂરું પાડીને આદિવાસી સંસ્કૃતિની જાળવણીમાં પણ સક્રિયતા દાખવી. ૧૦૦ વર્ષની વયે પણ તેમની સક્રિયતા અચંબામાં ડુબાડી દે તેવી હતી. ‘પદ્મશ્રી’ ઍવોર્ડથી સન્માનિત ડાંગની દીદી’ પ્રજાની પ્રેરણામૂર્તિ હતાં.
મારા દાદા, મંગળદાસ પકવાસા એમના સમયમાં અનેક યુવાનોની પ્રેરણા બની રહ્યા. એ માઈસોર, મુંબઈ, મધ્ય પ્રદેશના ગવર્નર રહી ચૂક્યા હતા. મારા દાદા જ્યારે માઈસોર હતા ત્યારે મારી માએ નૃત્ય શીખવાનું શરૂ કર્યું. બે-ત્રણ મહિના થયા હશે અને એને જાણ થઈ કે એ ગર્ભવતી છે. વળી એ જ દિવસોમાં એણે પ્રખ્યાત નૃત્યકાર ઉદયશંકરનો નૃત્ય કાર્યક્રમ જોયો, એના મનમાં એક ‘દોહદ’ જાગી કે એનું સંતાન નૃત્ય શીખે તો કેટલું સરસ!
દાદાજી નાગપુરમાં હતા ત્યારે મારી માએ મને મણિપુરી નૃત્ય શીખવા માટે મારા પ્રથમ નૃત્ય શિક્ષક પાસે મૂકી. મારી બેન આરતી પણ મારી સાથે નૃત્ય શીખતી, પરંતુ એને એટલો રસ ન પડ્યો. મને એટલી નાની ઉંમરે પણ જાણે કે જીવનનો ઉદ્દેશ્ય જડી ગયો હોય એમ હું નૃત્ય સાધનામાં વધુને વધુ ઊંડી ઊતરવા લાગી. એ પછી દાદાજી મુંબઈના ગવર્નર બન્યા અને હું ફેલોશિપ સ્કૂલમાં ભણવા લાગી. હું ભણવામાં હોંશિયાર હતી, પરંતુ નૃત્ય જ મારુંં પરમ લક્ષ્ય હતું. મેં આગ્રહ કર્યો એટલે શ્રી કુમાર જયકર પાસે મારી ભરત નાટ્યમની વ્યવસ્થિત તાલીમ શરૂ થઈ. મને લાગતું હતું કે મારે હજી વધુ આગળ વધીને નૃત્યને જ મારી કારકિર્દી બનાવવી છે, પરંતુ મારાં માતા-પિતા માનતાં હતાં કે મારે શિક્ષણમાં રસ લેવો જોઈએ. વ્યવસ્થિત ડિગ્રી લેવી જોઈએ અને સરકારમાં ઊંચી પદવી પર નોકરી કરવી જોઈએ. ભારતીય વિદ્યાભવનમાં મેં હિન્દી અને સંસ્કૃતની પરીક્ષાઓ આપી જેમાં પણ હું ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થઈ. મારો રસ કલા અને સંસ્કૃતિ પ્રત્યે વધતો જતો હતો. એ સમયે મારાં માતા-પિતા થોડાંક રૂઢિચુસ્ત અથવા વધુ ચિંતિત હતાં એમ કહી શકાય. એમને લાગતું હતું કે નૃત્યને કારકિર્દી ન બનાવી શકાય… ૧૯૬૧માં કદાચ એમની જગ્યાએ એ સાચાં હતાં, પરંતુ એમને મારી લગન અને નૃત્ય પ્રત્યેનું સમર્પણ હું સમજાવી શકું એમ નહોતી.
શ્રી કુમાર જયકરને ત્યાં હું નૃત્ય ગુરૂ શ્રી યુ.એસ. કૃષ્ણારાવ અને શ્રી ચંદ્રભાગાદેવીને મળી હતી. ત્યારથી જ મારા મનમાં એમની પાસે નૃત્યની શિક્ષા લેવાનો દ્રઢ નિશ્ર્ચય થઈ ગયો હતો. મેં મારા ઘરના સૌને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે, મારે નૃત્ય કરવું છે.
૧૮ વર્ષની ઉંમરે બીજી તો શું સમજણ હોય, પરંતુ મેં ઘર છોડીને બેંગલોર જવાનો નિર્ણય કરી લીધો. હું જે રીતે પરિવારમાં આર્થિક અને વહાલની સલામતી સાથે ઉછરી હતી એ પછી આ નિર્ણય મને કેટલો મોંઘો પડશે, મારે શું-શું પ્રશ્ર્નોનો સામનો કરવો પડશે આવું કંઈ વિચારવાની એ ઉંમર જ નહોતી, કદાચ! આપણે જેમ મોટાં થતાં જઈએ તેમ તેમ સલામતીના ગુલામ થતાં જઈએ છીએ. બાળપણની કે યુવાવસ્થાની એ વય વખતે સાહસનો ભય નથી લાગતો! બેંકમાં હતા એટલા પૈસા ઉપાડ્યા અને પૂનાની ટ્રેન પકડી. એ વખતે મુંબઈથી બેંગલોર સીધી ટ્રેન નહોતી, પૂના થઈને જવું પડે… પરંતુ ઝાઝું વિચારવાનો સમય નહોતો અને ધીરજ પણ નહોતી જ, એટલે હું તો ગુરુજીને ત્યાં પહોંચી ગઈ. ગુરુજી આશ્ર્ચર્યચકિત!
એ પછી ઘરે ફોન કરીને બધી માહિતી આપી, પરિવાર નારાજ હતો તેમ છતાં મારી લગન અને પ્રબળ ઈચ્છાશક્તિની સામે સૌએ મંજૂરી આપી. મેં શ્રી યુ.એસ. કૃષ્ણારાવને ત્યાં ભરતનાટ્યમની તાલીમ લેવાની શરૂઆત કરી. મને લાગ્યું કે હું મારા લક્ષ્ય સુધી પહોંચી ગઈ છું, પરંતુ આ તો જીવનનો પહેલો પડાવ હતો… હજી તો બહુ લાંબો પ્રવાસ કરવાનો બાકી હતો! (ક્રમશ:)