મેલ મેટર્સ : બિઝી રહેવું ને સ્ટ્રેસ્ડ રહેવું એ બંનેમાં ફરક છે.. જરા સમજોને, યાર
-અંકિત દેસાઈ
પુરુષોમાં હૃદયની બીમારી અને હવે તો માનસિક બીમારોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એનું એક સામાન્ય કારણ સ્ટ્રેસને માનવામાં આવી રહ્યું છે અને આ સ્ટ્રેસ વિશે મોટાભાગના પુરુષો કહેવું છે કે એ બહુ બિઝી બિઝી રહે છે…. પણ ભાઈ, વ્યસ્ત રહેવું અને તાણમાં રહેવું એ બંને જુદીજુદી બાબત છે. બિઝી તો સ્વ. રતન તાતા પણ રહેતા અને હાલમાં નરેન્દ્ર મોદી પણ રહે જ છે, પરંતુ એ સ્ટ્રેસ્ડ હતા કે છે એવું ક્યારેય જોવા- સાંભળવા મળ્યું છે ખરું?
આટઆટલા પ્રવાસ, આટઆટલી મિટિંગ્સ અને આટઆટલા સમારંભો હોવા છતાં એમની સેન્સ ઑફ હ્યુમર હંમેશાં ધારદાર હોય છે, એ હંમેશાં મલકતા- હસતા-હસાવતા હોય છે અને સાવ નાની નાની વાતથી પ્રભાવિત થઈ એનાથી ખુશ થઈ જતાં પણ હોય છે.
આ તો માત્ર ઉદાહરણ આપ્યા, જે સમાચારોમાં હતા એટલે મારું ધ્યાન ગયું, પરંતુ આવા અનેક લોકો હોવાના જે વાસ્તવમાં અત્યંત મોટા રિસ્કના, અત્યંત મોટી જવાબદારી ધરાવતા કે પછી અત્યંત વ્યસ્ત રહેવું પડે એવા ક્ષેત્રમાં કામ કરતા હશે, પરંતુ એ હંમેશાં તાજગીસભર લાગશે, હંમેશાં હસતા દેખાશે અથવા તો હંમેશાં હળવા દેખાશે.
બીજી તરફ એક મોટો વર્ગ એવો છે, જે આમ દિવસનો અડધો ભાગ સોશિયલ મીડિયા પર બગાડી દેતો હશે અને બાકીના સમયમાં પણ પોતાનું જે કામ છે એ દિલથી, પૂરી એકાગ્રતાથી નહીં કરતા હોય, પરંતુ જે મળે એને એમ જરૂર કહેતા હોય કે એ બહુ બિઝી છે અને કામનું એમના પર બહુ દબાણ છે.
જો ખરું જોવા જઈએ તો કામનો સ્ટ્રેસ કંઈ દરેક કિસ્સામાં હોતો નથી. મોટાભાગના કિસ્સામાં બાકી રહી ગયેલા કે ઢકેલ પંચા દોઢસોની નીતિએ કરેલાં કામોનો મન પર સ્ટ્રેસ આવતો હોય છે, કારણ કે કામને લઈને મૂળે દાનતનો જ અભાવ હોય ત્યાં વળી કામને પ્રેમ કોણ કરે? અને કામને પ્રેમ ન થાય એટલે સ્વાભાવિક જ સ્ટ્રેસ ઊભો થાય, કારણ કે કામને વળતર સાથે પણ નિસ્બત છે અને કામના જ ઠેકાણા ન હોય તો વળતરના થોડા હોય ? એટલે સ્ટ્રેસનાં કારણ મોટાભાગે દાનતનો અભાવ અને ઢસરડાના ભાગરૂપે થયેલું કામ છે માટે વ્યસ્ત રહેવાનું ખોટું બહાનું ન કાઢી શકાય. એ સમયની બરબાદી અથવા સમયના યોગ્ય અયોજનના અભાવને કારણે ઊભી થઈ છે. અને ભાઈ, માન્યું કે માણસ વ્યસ્ત પણ હોય. બીજા ઘણા લોકો પણ ખરેખર અત્યંત વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ એ બધા કંઈ સ્ટ્રેસ્ડ નથી હોતા. કારણ એ જ કે એ ક્રમાનુસાર દિવસના કે મહિનાઓના કરવાજોગા કામ- કે મિટિંગ્સ કરતા રહે છે. એમનાં કામની જવાબદારી કે સંખ્યા બીજા કરતાં વધુ હોય એની ના નહીં …એટલે એમણે પોતાનાં કામને સમય વધુ આપવો પડતો હશે. બાકી કામ એવા લોકોના માટે બોજ નહીં , બલ્કે પોતાનાં કામથી જ એમને આરામ પણ મળતો હોય છે, કારણ કે કામની વ્યસ્તતા એમને ફાલતુ વાત- ફાલતુ ધંધા- ફાલતુ લોકો કે ફાલતુ વિચારોથી દૂર રાખે છે.
ઈનશોર્ટ, પુરુષે આ વિશે ચિંતન કરવાનું થાય ત્યારે એણે તાગ મેળવી લેવાનો છે કે એને સ્ટ્રેસ કેમ છે? કામને કારણે? કે બાકી રહેલાં કામને કારણે ? જો એને બાકી રહેલા કામને કારણે સ્ટ્રેસ થાય છે તો એણે પોતાની વર્કિંગ સ્ટાઈલમાં આમૂલ પરિવર્તન આણવું પડશે અને કામને લઈને અત્યંત ટકોરાબંધ રહેવું પડશે, નહીંતર નુકસાન એનું જ છે. કામ તો એણે આમેય કરવાનું જ છે, પરંતુ કામની જગ્યાએ જો એ ઢસરડા કરતો રહેશે તો સ્ટ્રેસ થવાનો જ અને જો સ્ટ્રેસ થશે તો હૃદયરોગ શું કે સ્ટ્રોક શું કે ડાયાબિટીસ શું કે પ્રેશર , ઈત્યાદિ બધી જ બીમારી એના દ્વારે ટકોરા મારી શકે છે.