લાડકી

વેર- વિખેર -પ્રકરણ -૮૯

અમારી પોલીસની નજરે કોઈ પણ નિર્દોષ લાગતી વ્યક્તિ પણ ખૂની હોઈ શકે અને ગુનેગાર દેખાતી વ્યક્તિ નિર્દોષ…!

કિરણ રાયવડેરા

‘અંકલ, તમે જલદી એપોલો હોસ્પિટલ પહોંચો. જાદવને કહેજો…’ વિક્રમનો અવાજ તરડાતો હતો.

‘વ્હોટ હેપન્ડ… વિક્રમ, શું થયું?’ જગ્ગે સલામત છે ને?’ કબીર વિહ્વળ થઈ ગયો.

‘કબીર અંકલ… ગાયત્રીએ પપ્પાને ગોળી મારી દીધી છે…! ’

‘કબીર અંકલ, અમે કોઈએ ધાર્યું નહોતું કે ગાયત્રી પપ્પાનું ખૂન કરવાનો વિચાર કરી શકે…’
એપોલો હોસ્પિટલના પહેલે માળે આવેલા ઑપરેશન થિયેટરની બહાર કબીરના ખભા પર માથું ઢાળીને રડતાં રડતાં વિક્રેમ બોલ્યો.

‘જગમોહન કેમ છે?’ કબીર હવે મિત્ર મટીને પોલીસ ઑફિસર બની ગયો હતો.

‘પપ્પાને થોડીવાર પહેલાં જ ઑપરેશન થિયેટરમાં લઈ ગયા છે.’ વિક્રમને બોલવામાં તકલીફ પડતી હતી.

કબીરે એક નજર આસપાસ દોડાવી. પ્રભા અને પૂજા બેન્ચ પર બેઠાં હતા. પ્રભા પાસે ઊભા રહીને રેવતી માને સાંત્વન આપતી હતી. એની પાસે ઊભેલી વ્યક્તિ રેવતીનો વર લાગે છે. શું નામ છે એનું? હા, યાદ આવ્યું, જતીન! કબીર વિચારતો હતો, કરણ કેમ દેખાતો નથી?

‘ડોક્ટર શું કહે છે?’ વિક્રમ સામે જોયા વિના કબીરે પૂછ્યું.

‘પેટમાં શું ગોળી વાગી છે અને પુષ્કળ લોહી વહી ચૂક્યું છે. ડોક્ટર કહે છે કે એકવાર ગોળી કાઢી લઈએ એ પછી જ કંઈ કહી શકાય… પણ ડોક્ટરને જોઈને તો એમ જ લાગે કે પપ્પાની સ્થિતિ ગંભીર છે.’ વિક્રમ સ્વસ્થ થવાની કોશિશ કરતો હતો પણ એની આંખમાં વારંવાર આંસુ ઊભરાઈ જતાં હતાં.

‘હં… અ… અ’ કબીર કંઈ બોલી ન શક્યો.

ઍરપોર્ટથી હોસ્પિટલ સુધીની સફર એણે ઉચાટમાં કાઢી હતી. વિક્રમે ફોનમાં ફક્ત એટલું જ કહ્યું હતું કે ‘હોસ્પિટલ પહોંચો… ગાયત્રીએ પપ્પાને ગોળી મારી દીધી છે….!’ જાધવે ગાડી તો મારી મૂકી હતી પણ ટ્રાફિકને લીધે વચ્ચે અટકી જવું પડતું હતું.

‘કરણ કેમ દેખાતો નથી?’ કબીરે પૂછ્યું.

‘અમે પોલીસ સ્ટેશને ફોન કરી દીધો હતો અને ડોક્ટર પટેલને પણ તુરંત જ આવી જવા કહ્યું હતું. પોલીસ હજી આવી નહોતી અને પપ્પાની હાલત બગડતી જતી હતી. એટલે કરણને ઘરે ગાયત્રી પાસે રહેવા કહ્યું અમે ડોક્ટર પટેલ સાથે હોસ્પિટલ આવી ગયાં.’ વિક્રમે હવે સ્વસ્થ થઈ ચૂક્યો હતો.

‘પોલીસને શું બયાન આપ્યું છે?’ કબીરે પૂછ્યું.

દૂર બેઠેલી પ્રભાનો ચહેરો ભાવવિહીન લાગતો હતો, જાણે કોઈ ઊંડા વિચારમાં હોય એવું લાગતું હતું.

‘પોલીસને ફોનમાં જ કહી દીધું છે કે ગાયત્રીએ પપ્પાની હત્યા કરવાની કોશિશ કરી છે… હમણાં સુધી ગાયત્રીને એરેસ્ટ પણ કરી લીધી હશે.’

‘આઈ…સી… કોઈએ ગાયત્રીને ખૂન કરતાં જોઈ હતી? આઈ મીન, કોઈ આઈ વિટનેસ?’ કબીરનું દિમાગ ઝડપથી કામ કરી રહ્યું હતું. રેવતી પાસે ઊભેલો એનો વર કોઈ અજાણ્યા યુવક સાથે વાતે વળગ્યો છે. આ યુવાનને પહેલાં ક્યારેય નથી જોયો. પૂજા રડી રહી છે, રેવતી પણ હીબકાં ભરે છે પણ પ્રભાની આંખ સુક્કી લાગે છે. કદાચ એટલો જબરદસ્ત આઘાત લાગ્યો છે કે બધી લાગણીઓ સુકાઈ ગઈ છે.

‘કોઈએ પપ્પાનું ખૂન થતાં તો નથી જોયું પણ સાંજના પાંચની આસપાસ અમે બધાંએ બે ચીસ સાંભળી હતી. પહેલી ચીસ તો પપ્પાની હતી અને બીજી ચીસ ગાયત્રીની હતી. સૌથી પહેલાં રૂમમાં પૂજા પહોંચી હતી, ત્યાર બાદ હું અને મારી પાછળ લખુકાકા દોડતા આવ્યા હતા.’ વિક્રમે એકીશ્ર્વાસે વાત પૂરી કરી.

અચાનક ઑપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો અને એક નર્સ ઝડપથી બહાર નીકળી. વિક્રમ એને કંઈ પૂછવા જતો હતો પણ કબીરે એને અટકાવી દીધો.

‘રહેવા દે, વિક્રમ, એને એનું કામ કરવા દે. એને પૂછીને કોઈ અર્થ નહીં સરે…’

વિક્રમ પાછો ફર્યો.

‘અંકલ,’ વિક્રમે ફરી કબીરને ઘટના વિશે માહિતી આપવાનું શરૂ કર્યું:

‘પૂજાના કહેવા પ્રમાણે એ પપ્પાના કમરામાં દાખલ થઈ ત્યારે એણે પપ્પાને ફલોર પર ફસડાયેલા જોયા. એમના પેટમાંથી લોહી નીકળતું હતુ. ગાયત્રી હાથમાં રિવોલ્વર લઈને બારી સામે જોઈને બૂમ મારતી હતી – કોઈ રોકો… ખૂની ભાગી જશે.’
‘ઓહ, બારીની બહાર કોણ ભાગ્યું હતું?’ કબીરે પ્રશ્ર્નોત્તરી ચાલુ રાખી.

‘ખબર ન પડી. પૂજાની પાછળ હું દાખલ થયો ત્યારે ગાયત્રીએ મને પણ આ જ વાત કહી. હું દોડીને બારી પાસે પહોંચ્યો પણ બહાર તો કોઈ દેખાતું નહોતું. અંકલ, મને લાગે છે કે ગાયત્રી ખોટું બોલતી લાગે છે. બારી વાટે પપ્પાનો ખૂની નાસી ગયો એવું કહીને એ બધાંને ગેરમાર્ગે દોરવા માગતી હતી.’

‘તમે કહો છો કે ગાયત્રીએ રિવોલ્વરની ગોળી ચલાવી તો કોઈએ ગોળીબારનો અવાજ ન સાંભળ્યો?’ કબીરે પૂછ્યું.

‘ના, અંકલ, કદાચ રિવોલ્વરમાં સાઈલેન્સર લગાવેલું હતું.’

વિક્રમે વાત પૂરી કરી ત્યારે રેવતીનો વર અને પેલો અજાણ્યો યુવક કબીર પાસે આવીને ઊભા રહી ગયા હતા. કબીરે જમાઈ સાથે હાથ મિલાવ્યો. તમે જતીનકુમાર, ખરુંને?’ કબીરે નમ્રતાપૂર્વક પૂછ્યું. એના અવાજમાં ઉમળકો નહોતો પણ શુષ્કતા પણ નહોતી.

‘તમે ઠીક ઓળખ્યો. આખરે પોલીસવાળા ખરા ને…!’ જતીનકુમારે હસતાં હસતાં કબીરને કહ્યું.

કબીરને યાદ આવ્યું કે જમાઈને એ પહેલીવાર મળ્યો હતો ત્યારે પણ એને આ માણસ નહોતો ગમ્યો. આ માણસના વ્યક્તિત્વમાં કંઈક એવું હતું જે એના મનમાં કારણ વગર અણગમાનો ભાવ જગાડતું હતું.
‘આ છે જય, વિક્રમભાઈનો સાળો…’ જતીનકુમારે જયની ઓળખાણ કરાવી.

‘ઓહ, હાય!’ કબીરે ઔપચારિકતા દાખવી. જયે કબીર સાથે હાથ મિલાવતી વખતે સ્મિત ફરકાવ્યું. ઓ છોકરો સમજદાર લાગે છે. કદાચ જતીનકુમારની પડખે ઊભો છે એટલે વધુ ઠરેલ લાગતો હશે.

‘તમે કહો છો કે તમે બે ચીસ સાંભળી…’ કબીરે વાતનું અનુસંધાન મેળવતાં કહ્યું.

‘હા… હા, અમે બધાંએ બે ચીસ સાંભળી, બીજી ચીસ તો ગાયત્રીની હતી એ તો ખાતરીપૂર્વક કહી શકાય…’ જતીનકુમારે વાતચીતનો દોર હાથમાં લઈ લીધો એ વિક્રમને ન ગમ્યું.

‘ઓ.કે.’ જતીનકુમારને સંબોધતાં કબીરે કહ્યું, તો જમાઈબાબુ. તમે મને કહો કે તમે કોઈનું ખૂન કરો તો શું ચીસ પાડીને ગામ આખું ભેગું કરીને બધાને જણાવો કે તમે ખૂન કર્યું છે કે પછી ચૂપચાપ પોતાનું કામ પતાવીને ઘટનાસ્થળેથી રવાના થઈ જાઓ?’ બોલતી વખતે કબીરના ચહેરા પર કોઈ ભાવપલટો ન આવ્યો. પણ બીજા બધાના મોઢાં પડી ગયાં.

‘મારું બેટું આ પણ સાચું…’ જતીનકુમાર વિચારમાં પડી ગયા,

‘ગાયત્રી શું કામ ચિલ્લાવે… એને ક્યાં ગોળી વાગી હતી? એણે તો ખુદ બુલેટ છોડી હતી.’
‘તમે શું કહેવા માગો છો, કબીર અંકલ?’ વિક્રમે ગંભીર વદને પૂછ્યું.

‘નથિંગ… કંઈ જ નહીં. આ તબક્કે કંઈ પણ કહેવું પ્રીમેચ્યોર ગણાશે. ગંભીર વાત તો એ છે કે હત્યાનો પ્રયાસ થયો ત્યારે ગાયત્રીના હાથમાં ગન હતી. હવે પ્રશ્ર્ન એ થાય છે કે એણે ચીસ શા માટે પાડી? શું એણે કોઈ બીજાને ગોળી મારતાં જોયો કે પછી સાચે જ એ બધાને ગેરરસ્તે દોરવા માગતી હતી…’ કબીરને અચાનક જગમોહનના બેડરૂમમાં જવાની ઈચ્છા થઈ આવી. પછી યાદ આવ્યું કે જગમોહનનું ઑપરેશન ચાલી રહ્યું હતું.

‘તમે ગમે તે કહો, પણ આ ખૂન કરવાનો પ્રયાસ તો ગાયત્રીએ જ કર્યો છે.’ જતીનકુમારથી મૌન જીરવાયું નહીં એટલે એ બોલી પડ્યા :
‘જમાઈબાબુ,’ કબીરને થયું કે આ માણસ સાથે વધુ વાત કરવી ન પડે તો સારું. ‘અમારી લાઈનમાં પુરવાર ન થાય ત્યાં સુધી બધા નિર્દોષ અને હા, ત્યાં સુધી બધા ગુનેગાર પણ ખરા… કારણ કે કોઈ પણ નિર્દોષ લાગતી વ્યક્તિ પણ ખૂની હોઈ શકે અને ગુનેગાર દેખાતી વ્યક્તિ નિર્દોષ… એની વે, જગમોહન ભાનમાં આવે તો કેસનો ઉકેલ મિનિટોમાં આવી જાય…’ કબીરે ઓ.ટી.ની. બહાર લગાડેલા લાલ બલ્બ પર દૃષ્ટિ ટેકવતાં કહ્યું.

‘હા, ભાનમાં આવે તો…’ જમાઈબાબુથી સહજતાથી બોલાઈ ગયું કે એ જાણી જોઈને બોલ્યા એ સમજાયું નહીં.

‘જતીનકુમાર, પ્લીઝ એવું નહીં બોલો, પપ્પા જરૂર ભાનમાં આવશે.’ વિક્રમે જમાઈ સામે હાથ જોડ્યા. રેવતી વાતચીત સાંભળીને પાસે આવી ગઈ. કબીરે એના માથે હાથ રાખ્યો અને રેવતીની આંખમાંથી દડ… દડ… આંસુ પડવા માંડ્યા.

‘અંકલ, પપ્પા જરૂર બચી જશે.’ રેવતી કબીરને નહીં પણ ખુદને દિલાસો આપતી હોય એવું લાગતું હતું.

‘અરે, બચી જશે એટલું જ નહીં, મારી સાથે દાર્જિલિંગ પણ આવશે, બેટા, ડોન્ટ વરી.’ કબીરે એને દિલાસો આપ્યો.

વિક્રમનો સેલ રણકી ઊઠ્યો.

‘હા, બોલ,’ વિક્રમે કંઈ પણ બોલ્યા વિના વાત સાંભળી લીધી. ફોનની લાઈન કાપ્યા બાદ એ કબીર તરફ વળીને બોલ્યો. ‘કરણનો ફોન હતો. ઘરે પોલીસ આવીને ગાયત્રીને એરેસ્ટ કરી ગઈ છે. કરણ પણ થાણામાં સાથે ગયો હતો. હવે એ સીધો હોસ્પિટલ આવે છે. ત્યાંના રિપોર્ટ આપ્યા બાદ એ બોલ્યો કે પ્લીઝ… પપ્પાના ખબર મને નહીં આપતો હું ત્યાં આવીને જ સાંભળીશ, નહીંતર હું ત્યાં સુધી પહોંચી જ નહીં શકું…’ વિક્રમના અવાજમાં છુપાયેલું ડૂસકું વરતાતું હતું.

‘પિતા મરણપથારીએ પડ્યો હોય ત્યારે સંતાનોને તો લાગી આવે જ ને…’ એમાંય આવી સેવાભાવી અને માયાળુ દીકરા…’ જતીનકુમાર ટહુક્યા. વિક્રમે એક ધારદાર નજર જમાઈબાબુ તરફ કરી. રેવતીએ એમને કોણી મારીને ચૂપ રહેવા ઈશારો કર્યો.

‘જમાઈબાબુ,’ કબીરથી ન રહેવાયું. જમાઈને તમાચો મારવાની ઈચ્છા પર માંડ માંડ કાબૂ મેળવતાં એણે કહ્યું, હોસ્પિટલના બેડને કે પછી કોઈપણ પથારીને મરણપથારી ન કહેવાય.’
‘ના… ના… હું ક્યાં કહું છું કે સસુરજી મરી જશે. આ તો શું એમના પેટમાં ગોળી ધરબાયેલી છે એટલે ઝેર તો ફેલાતું જ હશે ને?’ જતીનકુમારને મૌન રહેવું ગમતું નહોતું.

‘એ કામ ડોક્ટરનું છે. એમને જ કરવા દો ને… પેટમાં બુલેટ જેટલું વિષ ફેલાવે એના કરતાં વધુ ઝેર તમે તમારા શબ્દોથી ફેલાવીએ છીએ.’ વિક્રમે પોતાનો અણગમો છતો કર્યો.

વાત વણસી ન જાય એ હેતુથી કબીરે વાતચીતનો દોર પોતાના હાથમાં લઈ લીધો. ‘આમેય આપણે નેગેટિવ વિચારો કરીએ તો હંમેશાં નેગેટિવ જ થાય. એટલે મહેરબાની કરીને આપણે બધા એ જ પ્રાર્થના કરીએ કે જગમોહન જીવી જાય.’

‘હા, હા, કેમ નહીં, સસુરજી બચી જતા હોય તો અહીંયા ક્યાં વાંધો જ છે…’ જતીનકુમારનો જવાબ સાંભળીને કબીરને થયું કે આ હોસ્પિટલ ન હોત તો આ જડસુ માણસ માર ખાત.

‘એની વે, આપણે આડીઅવળી વાત કરવાને બદલે કામની વાત કરીએ.’ વાત કરતી વખતે કબીરે કરડાકીભરી નજર જતીનકુમાર પર રાખે. જતીનકુમાર શિયાંવિયાં થઈ ગયા.

‘હા, તો આપણે પહેલેથી શરૂ કરીશું. કોઈએ ગોળી છોડવાનો અવાજ નથી સાંભળ્યો, કેમ કે રિવોલ્વરને કદાચ સાઈલેન્સર લગાડેલું હતું. બધાંએ બે ચીસો સાંભળી હતી, અને પૂજા જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે ગાયત્રી બારી તરફ ઈશારો કરીને બૂમ પાડતી હતી. જાણે કોઈ જગમોહન પર ગોળી ચલાવીને નાસી ગયું હોય… રાઈટ?’

‘રાઈટ…!’ વિક્રમે કહ્યું. બીજાં બધાએ હકારમાં માથું હલાવ્યું.

‘ઓ.કે. આપણે માની લઈએ કે ગાયત્રીએ જ કોઈ કારણસર જગ્ગે પર ગોળી ચલાવી હોય, પણ એનો અર્થ એ તો નથી કે એની વાતને નજરઅંદાજ કરવી જોઈએ. હવે માની લ્યો કે સાથે કોઈ માણસ જગ્ગેનું ખૂન કરવા ઈચ્છતો હોય અને એ જ ગોળી મારીને ભાગ્યો હોય તો?’

હોસ્પિટલના કોરિડોરમાં મૌન છવાઈ ગયું. કોઈ કંઈ બોલતું નહોતું. કબીરના પ્રશ્ર્નને બધાને વિચારતા કરી મૂક્યાં હતાં.

એ જ પળે કરણ આવી પહોંચ્યો.

‘પપ્પાને કેમ છે?’ કરણે ચિંતાતુર અવાજે પૂછ્યું. જતીનકુમાર કંઈ બોલવા જતા હતા પણ કબીરે એને અટકાવીને કહ્યું: કરણ, ઑપેરશન ચાલે છે. હમણાં કંઈ કહી શકાય નહીં.’ કરણ ગંભીર થઈ ગયો.

‘કરણ, ગાયત્રી શું કહેતી હતી?’ કબીરે પૂછ્યું.

‘કબીર અંકલ, એ બિચારી ભાંગી ચૂકી હતી, કોણ જાણે કેમ મને એમ લાગ્યા કરે છે કે ગાયત્રી આવું ન જ કરીશકે, પણ અંકલ, અમે બધાએ એના હાથમાં રિવોલ્વર જોઈ હતી. એણે પોતે પોલીસ સમક્ષ કબૂલ્યું કે ગોળી એણે છોડી હતી પણ…’ કરણ અટકી ગયો.

‘પણ શું… કરણ?’ કબીરનું કુતૂહલ ઊછળી પડ્યું.

ગાયત્રી કહેતી હતી કે એક દાઢીવાળો માણસ પપ્પાનું ખૂન કરવા માગતો હતો. ગાયત્રીએ એના પર ગોળી ગોળી છોડી હતી. કમનસીબે એ બુલેટ પપ્પાને લાગી અને પેલો દાઢીવાળો નાસી ગયો.’ કરણે પોતાની વાત પૂરી કરી ત્યારે વિક્રમનો ચહેરો કાળો પડી ચૂક્યો હતો.

દાઢીવાળો? તો શું કુમાર ચક્રવર્તી અહીં આવ્યો હશે? પણ એ પપ્પાનું ખૂન શા માટે કરવા ઈચ્છે? ઈન્સ્પેક્ટર પ્રમાણિકના કહેવા પ્રમાણે તો કુમાર વિક્રમની હત્યા કરવા ઈચ્છતો હતો. વિક્રમના મનમાં જાણે વિચારોનો હુમલો થઈ રહ્યો હતો.

‘ઓ.કે. કોણ છે આ દાઢીવાળો? જગ્ગે કોઈ દાઢીવાળાને ઓળખે છે?’ કબીરે પૂછ્યું.

‘અંકલ, જો ગાયત્રીની વાત સાચી હોય તો એક એવી દાઢીવાળી વ્યક્તિ છે જે આપણા પરિવારનો દુશ્મન હોઈ શકે…’ વિક્રમે કહ્યું.

‘યસ… યસ… વિક્રમ, હવે આપણે એ માણસની નજીક પહોંચી રહ્યા છીએ. નાઉ લીસન, મારે એ માણસનું બેકગ્રાઉન્ડ નથી જોઈતું. એનું નામ અને એના દેખાવ વિશે થોડીક માહિતી આપો તો કદાચ કામ થઈ જાય…’ કબીર ઉત્સાહમાં આવી ગયો હતો. ગાયત્રી ખૂની હોય એ વાત એના મગજમાં ફીટ નહોતી બેસતી.

‘એનું નામ કુમાર ચક્રવર્તી છે.’
વિક્રમે વાત શરૂ કરી. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button