નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ(DY Chandrachud)નો કાર્યકાળ નવેમ્બર મહિનામાં પૂરો થવાનો છે. જસ્ટિસ ચંદ્રચુડે તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરી છે. જસ્ટીસ ચંદ્રચુડે કેન્દ્ર સરકારને મોકલેલી તેમની ભલામણમાં કહ્યું છે કે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna) હશે.
વર્તમાન મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. પરંપરા મુજબ, કાયદા મંત્રાલય દ્વારા તેમને વિનંતી કરવામાં આવે ત્યારે જ મુખ્ય ન્યાયધીશ તેમના અનુગામીના નામની ભલામણ કરે છે. જસ્ટિસ ચંદ્રચુડે આ પદ માટે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોની વરિષ્ઠતા યાદીમાં પ્રથમ નામ જસ્ટિસ સંજીવ ખન્નાનું છે. CJIને તેમના અનુગામીનું નામ સૂચવવા માટે ગયા શુક્રવારે વિનંતી કરવામાં આવી હતી. જેના જવાબમાં CJI ચંદ્રચુડે આ ભલામણ કરી છે.
જસ્ટિસ સંજીવ ખન્ના ભારતીય ન્યાયતંત્રમાં તેમની નિષ્પક્ષતા અને કાયદાકીય જ્ઞાન માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટમાં બઢતી મળતા પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમને 18 જાન્યુઆરી, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે.
64 વર્ષના જસ્ટિસ સંજીવ ખન્નાનો મુખ્ય ન્યાયધીશ તરીકેનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો જ રહેશે. જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ રિટાયર થશે. તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે 65 ચુકાદા આપ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ 275 બેન્ચનો ભાગ રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના માતા સરોજ ખન્ના LSR DU માં લેક્ચરર હતાં. દિલ્હીમાં જ તેમણે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ 1980માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી.
કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે 1983માં દિલ્હીની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે જોડાયા. શરૂઆતમાં દિલ્હીના તીસ હજારી કેમ્પસમાં પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી.
2005માં દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક:
વર્ષ 2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી વર્ષ 2006માં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત:
2006 થી 2019 સુધી હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી, 18 જાન્યુઆરી, 2019 ના રોજ તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બન્યા.
SCમાં નિમણૂક વિવાદમાં ઘેરાઈ ગઈ હતી:
જ્યારે જાન્યુઆરી 2019માં જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી, ત્યારે તેમની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો હતો. વય અને અનુભવમાં તેમનાથી વરિષ્ઠ અન્ય ન્યાયાધીશો હોવા છતાં, તેમની સીધી સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી.