Gangster લોરેન્સ બિશ્નોઈ પહેલા મુંબઈ-બોલીવુડ પર કોનું હતું રાજ, કોની હતી ધાક?
મુંબઈઃ એનસીપી (અજિત પવાર)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી મુંબઈમાં ફરી એક વાર ગેંગસ્ટર અને અંડરવર્લ્ડની ચર્ચાઓ લાઈમલાઈટમાં આવી ગઈ છે. હાલમાં મુંબઈ સહિત દેશભરમાં લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે, તે કોણ છે તે જાણતા ન હોય તેવા લોકો ગૂગલ પર જઈને તેના વિશે માહિતી મેળવી રહ્યા છે. બિશ્નોઈ એક ગેંગસ્ટર છે, જે જેલમાંથી પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવે છે. સિદ્ધુ મુસેવાલા બાદ હવે આ ગેંગસ્ટરે પ્રખ્યાત નેતા બાબા સિદ્દીકીની હત્યા કરી નાખી છે. જો કે બોલીવુડ અને મુંબઈ માટે આ બધું નવું નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે આખા મુંબઈ પર અંડરવર્લ્ડનું રાજ હતું.
આ કારણસર સલમાન ખાન ટાર્ગેટ પર…
આ સમગ્ર મામલો બોલિવૂડ સાથે જોડાયેલો છે કારણ કે લોરેન્સ બિશ્નોઈ છેલ્લા ઘણા સમયથી અભિનેતા સલમાન ખાનની પાછળ પડ્યો છે. તેનું કહેવું છે કે સલમાને કાળિયારને મારીને બિશ્નોઈ સમુદાયને દુઃખ પહોંચાડ્યું છે, જેના માટે તેણે માફી માંગવી પડશે. જોકે, સલમાન ખાને માફી માંગી નથી, ત્યાર બાદ પહેલા સલમાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હવે, તેની નજીકના મિત્ર બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ મેસેજ સલમાન ખાન માટે હતો કે જો તે માફી નહીં માંગે તો તેના પર કે તેના નજીકના લોકો પર હુમલા ચાલુ રહેશે.
નેવુંના દાયકામાં અંડરવર્લ્ડનું હતું રાજ
લોરેન્સ બિશ્નોઈ એક ગેંગસ્ટર છે, જે તેના કેટલાક શૂટરો દ્વારા ગુનાઓ આચરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે આખું મુંબઈ અને બોલીવુડ અંડરવર્લ્ડના ઓછાયા હેઠળ હતું. નેવુંના દાયકામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સૂચના મુજબ દરેક કામ થતું હતું. દાઉદનો બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હિસ્સો રહેતો હતો અને તે પોતે પણ ફિલ્મોમાં ખૂબ રસ ધરાવતો હતો. બોલિવૂડની કેટલીક સુંદરીઓ સાથેના તેના પ્રેમ સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
ડી. કંપની ખંડણીનો ધંધો ચલાવતી હતી
દાઉદ મુંબઈના ડોન કરીમ લાલાની ટોળકીનો હાથો હતો, પરંતુ ગુનાખોરીની આ દુનિયામાં તે ઝડપથી પ્રગતિની સીડી ચઢી ગયો અને તેની ખ્યાતિ બોલિવૂડથી લઈને શેરબજાર સુધી પ્રસરી ગઈ. આ પછી તે વિદેશ ભાગી ગયો, પરંતુ ત્યાં બેસીને તેણે ભારતમાં અનેક મોટા હુમલાઓ કરાવ્યા અને હત્યાઓ કરાવી. દાઉદની સૂચના પર આખી ડી કંપની ખંડણીનો ધંધો ચલાવતી હતી, તમામ ધનિકો પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવતી હતી.
બોમ્બ વિસ્ફોટો પછી ગેંગનો માયાનગરીમાંથી સફાયો
બોલીવુડમાં પણ જે સ્ટાર્સ આકાશમાં ચમકતા તેઓ પર ડી કંપનીનો કાળો પડછાયો પડી જતો. મોટા ભાગના સેલેબ્સ દાઉદના ડરથી પૈસા આપી દેતા હતા, જે પૈસા આપવાનો ઇનકાર કરતા તેને દાઉદ ખતમ કરી નાખતો હતો. આવા લોકોમાં ગુલશન કુમાર સામેલ હતા. મોટી હસ્તીઓ પરના આવા હુમલાથી દાઉદનો ડર વધી ગયો અને તેના નામે ખંડણીનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો હતો. જોકે, મુંબઈ બોમ્બ વિસ્ફોટો પછી દાઉદની ગેંગનો માયાનગરીમાંથી લગભગ સફાયો થઈ ગયો હતો. ઘણા વર્ષોના આતંક બાદ આખરે મુંબઈ પરથી દાઉદના આતંક હટી ગયો છે. જો કે, હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પોલીસ અને એજન્સી માટે એક મોટા પડકાર તરીકે ઊભરી આવી છે, જેનો સામનો કરવો ખૂબ જ જરૂરી છે.