તમન્ના બર આઈ નહીં, ઉમ્મીદ નજર આતી નહીં: એક બાદશાહે જ્યારે તેના ત્રણ રાજકુંવરોની કસોટી કરી
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
મત સોચ જિંદગીમે કિતને પલ હૈ
દેખો કે હર પલમે કિંતની જિંદગી હૈ.
ગાલિબ સા’બની ઉપરોક્ત પંકિતઓથી આજના આ પ્રતીકાત્મક બોધ કથાથી લેખનો પ્રારંભ કરવાની રજા લઉં છું:
એક અતિ વિશાળ સામ્રાજ્યનો પ્રજાપ્રિય વત્સલ અને ન્યાયી મહારાજા હતો. સુખી રૈયત અમન-ચમનમાં રહેતી હતી કોઈપણ સંજોગોમાં રાજા રાજધર્મ નિભાવતો હતો.
- હવે તે વૃદ્ધ થતો જતો હતો, અને રાજકાજનો ભાર વહેવા અસમર્થ થતો જતો હતો.
- પોતાનો અનુગામી ઘોષિત કરવાનો તેણે નિર્ણય કર્યો.
- તેને ત્રણ રાજકુંવરો હતા.
- તે જયેષ્ઠ નહીં, પરંતુ યોગ્ય પુત્રને રાજ્યનું સુકાન સુપ્રત કરવા ઈચ્છતો હતો.
- પુત્રોની કસોટી કરવા તેણે તકલાદી ત્રણ ખોરડા બનાવી પુત્રોને આપ્યા અને સાથે ૧૦૦ સોનામહોરો આપી અને કહ્યું કે દરેકને ૧૦૦ સોનામહોરો આપું છું. ત્રણ માસ પછી જોઈશ કે તમે તેનો કેવો ઉપયોગ કર્યો છે. તમારા દરેક માટે કાચાં મકાનો બાંધ્યાં છે, તે તકલાદી છે. ક્યારે પણ પડી જાય તેથી સાવચેત રહેજો.
- જોતજોતામાં ત્રણ માસ વીતી ગયા. મહારાજ પુત્રોનાં પરાક્રમો નિહાળવા નીકળ્યા:
- પહેલા પુત્રના મકાને ગયા. તે ખાલીખમ હતું. પુત્રને મહોર વિષે પૂછ્યું. પુત્ર કહે, પિતાજી ૧૦૦ મહોરમાં શું થાય? ખાઈપીને મજા માણવામાં ગણત્રીના જ દિવસમાં ઊડી ગયા. ઉપરાંત દેવું થઈ ગયું.
- મહારાજ બીજા પુત્રને મકાને ગયા. દ્વાર ખોલતાં જ અસહ્ય દુર્ગંધ આવી. મહારાજ અને રસાલાએ નાકે કપડું ધરવું પડ્યું.
- આ પુત્રને નગરની ચિંતા, રહેવાસીઓની નકારાત્મક માહિતી, કુટેવો વગેરે એકઠા કરી તેમાં મરચું-મીઠું ભભરાવી રસદાયક અફવાઓ ફેલાવે.
હવે મહારાજ ત્રીજા પુત્રને ઘરે આવ્યા. તેણે મકાન ખોલી રાજાને સન્માનથી આવકારી આસન ધર્યું.
- ઘર ખાલીખમ હતું. રાજાએ તેની ઉપલબ્ધી વિષે પૂછ્યું. પુત્રે એક કોડિયામાં ઘી ભરી રૂની વાટકી કરી તેને પ્રગટાવ્યો ઓરડો પ્રકાશથી ઝળહળી ઊઠ્યો. પુત્ર કહે, મેં માત્ર બેજ મહોર વાપરી છે. હજી ૯૮ મહોર મારી પાસે છે.
- કહેવાની જરૂર નથી કે રાજાએ રાજપાટ કોને આધીન કર્યું.
પ્રિય વાચક મિત્રો! આ પ્રતીકાત્મક બોધકથા છે.
- ખોરડું માનવ શરીર છે. જે ઘણું જ તકલાદી છે. ક્યારે પણ તૂટી પડે.
- ૧૦૦ સોનામહોરો આયુષ્ય છે જે મહત્તમ એકસો વર્ષનું હોઈ શકે. તેના સદુપયોગ અથવા દૂરુપયોગ આપણા હાથની વાત છે.
- રાજકુંવરોનું આચરણ દર્શાવે છે કે આ જગતમાં ત્રણ વર્ગના મનુષ્યો વસે છે.
- પ્રથમ વર્ગ માને છે કે માત્ર અય્યાશી કરવા જ અમો અવતરિયા છીએ. વૈભવશાળી જીવન માટે નાણાં ઉપલબ્ધ કરવા યેન-કેન માર્ગો અપનાવે છે. આભ આંબતી મહત્ત્વકાંક્ષાઓ પૂરી કરવા ઉધાર ધનથી વિશાળ રોકાણો કરે છે. તમામ હદો ઓળંગાઈ જાય છે. અને એક દિવસ ચારે તરફથી આર્થિક ભીંસમાં સપડાઈ જાય છે. તમન્ના બર આઈ નહીં, ઉમ્મીદ નજર આતી નહીં. આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ સૂઝતો નથી.
સ્વ, પરિવારસહ અથવા પરિવારની હત્યા કરી મૃત્યુ ભેટનારાઓના સમાચાર અવારનવાર વાંચીએ છીએ. - પવિત્ર કુરાન તેમને ચેતવતા કહે છે:
- “પોતાના હાથને તદ્ન છૂટો દોર આપી ન દો કે જેથી નિંદાપાત્ર અને નિ:સહાય બનીને રહી જાઓ.
- બીજો વર્ગ અન્યોની ત્રૂટીઓ અને વેદનાઓ ખંખોળવામાં વ્યસ્ત રહે છે. અફવાઓ ફેલાવી સંસારો ઉજાડવા અને સમાજમાં વૈમન્યસતા પ્રસારવી તેમનું મુખ્ય કાર્ય!
- આ વિનાશક તત્ત્વો વિષે પવિત્ર કુરાન કહે છે:
- અવશ્ય અમૂક કુશંકાઓ થાય છે. જાસુસી તેમજ એકબીજાની કાનકસી ન કરો. અને કુથલીની ધૃણા કરો. * ત્રીજો વર્ગ પવિત્ર કુરાન કહે છે: * અમે માનવજાતને અને જીન્નાતોને અમારી ઉપાસના માટે સર્જ્યા…! તેને યથાર્થ કરે છે. * તે કોઈનામાં હસ્તક્ષેપ કે વિક્ષેપ કરતો નથી. ઈસ્લામમાં તેની વિચારધારાને સુસગ સઘળી જીવન પ્રવૃત્તિઓ ઈબાદત છે. * લગ્ન કરવા, * સંતાનોને ઉછેરવા, * આજીવિકા કમાવવી, * નિંદ્રાધીન થવું, * દાંપત્ય ભોગવવું, * સુગમ સંબંધો નભાવવા – વગેરે દરેક શ્ર્વાસો શ્ર્વાસમાં બંદગી સમાયેલી છે.
- હવે વિચારી જુઓ કે આમાં આપનો પ્રકાર કેવો છે?
-આબિદ લાખાણી
ઈન્સાનને ગુમરાહ કરતું
સેતાન ઈબ્લીસના પ્રભાવનું કારણ
અલ્લાહના પયગંબર હુઝૂરે અનવર (સલ.)મે ફરમાવ્યું કે, ‘એક દિવસ હઝરત મુસા (અ.સ.) બેઠા હતા, ત્યારે તેમની સેવામાં ઈબ્લીસ આવ્યો. ઈબ્લીસ પોતાના માથા પરથી ટોપી ઉતારીને તેઓ સામે ઊભો રહી ગયો અને સલામ કરી.’
- હઝરત મુસાએ પૂછ્યું, ‘તું કોણ છે?’
- તેણે કહ્યું, ‘હું ઈબ્લીસ છું.’
- હઝરત મુસાસાહેબે કહ્યું, ‘ખુદા તારો છાયો કોઈ પર પડવા ન દે!’
- ઈબ્લીસે કહ્યું, ‘અલ્લાહની નજરોમાં આપનો બહુ ઊંચો દરજ્જો છે, તેથી હું આપને સલામ કરવા માટે હાજર થયો છું.’
- હઝરત મુસા અલૈહિસલ્લામે કહ્યું, ‘મને એ તો કહે કે, એવા કયા ગુનાહ છે કે જેના લીધે તું લોકો પર કાબૂ મેળવી લે છે અને તેનાથી લોકો તારા કાબૂમાં આવી જાય છે, તારા નિયંત્રણની કેદમાં ફસાય જાય છે?’
- ઈબ્લીસે કહ્યું, ‘અય હઝરત! જ્યારે કોઈ માણસ પોતાની જાતને કંઈક સમજવા લાગે છે અને તેના મગજમાં હું પદ અને અભિમાન-ઘમંડ પેદા થઈ જાય છે, ત્યારે તરત જ તે મારા કબજામાં આવી જાય છે. એવા જ લોકો મારા શિકાર બની જાય છે કે જે પોતાને મોટા સમજવા લાગે છે, તેમ જ નાનકડા કામને મોટી સફળતા સમજી લે છે. પોતાના ગુનાહોને હલકા સમજનારા સહેલાઈથી મારી જાળમાં ફસાઈ જાય છે.’
- આ દાસ્તાન (કથની, હકીકત) બયાન-રજૂ કર્યા પછી અંતમાં આપ હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિસ્સલ્લામ (ભાવાનુવાદ: આપના પર અલ્લાહના આશીર્વાદ રહે, આપને અને આપના વંશજનો-પરિવારજનો પર પોતાની શુભેચ્છા મોકલે, શાંતિ અર્પે) એ ફરમાવ્યું કે,
- ‘અલ્લાહતઆલાએ પયગંબર હઝરત દાઉદ (અ.સ)ને વહી (આકાશવાણી) ફરમાવી કે, અય દાઉદ! ગુનેગારોને મારી રહમત (દયા, દેણગી)ની ખુશખબરી આપો અને નેક લોકો (પ્રમાણિક, ભલાઈ, સચ્ચાઈ પર ચાલનારા)ને મારા અઝાબ (દુ:ખ, કષ્ટ, વિપતી, યાતના)થી ડરાવો…!’
- હઝરત દાઉદ (અ.સ.)એ પૂછ્યું, ‘યા ખુદાયા! હું ગુનેગારોને ખુશખબરી કઈ રીતે આપું અને નેક લોકોને કઈ રીતે ડરાવું?’
- ત્યારે અલ્લાહે ફરમાવ્યું, ‘અય દાઉદ! ગુનેગારોને ખુશખબરી આપો કે હું તૌબા (કરેલા ગુનાઓની માફી-ક્ષમા ફરી ન કરવાની શરતે) કબૂલ કરું છું, ગુનાહોને માફ કરું છું, અને સદ્દીકીન (સત્યનિષ્ઠ)ને ડરાવો કે તેઓ પોતાના અમલ (કર્મ) પર ઘમંડ-અભિમાન ન કરે, કેમ કે મેં જેને હિસાબની જગ્યામાં ઊભા રાખ્યા તે હલાક (મૃત) નિષ્ફળ થયા છે…!’ (સફાનતુલ બેહાર, ભાગ-૨, પાના-૧૬૨નું ભાવાનુવાદ)
સાપ્તિાહિક સંદેશ:
જેવી રીતે તમે મુસીબતની હાલતમાં ખુદાથી ડરો છો તેવી રીતે સુખી હાલતમાં પણ ખુદાથી ડરતા રહો, કેમ કે જેને ખુદા માલોદોલત આપે છે તે તેને ખુદાની તરફથી અજમાયશ-પરીક્ષા ન સમજે તો એવો ઈન્સાન ભવિષ્યમાં ખોફ-ડરથી બેગમ (દુ:ખ વિનાનો) રહે છે અને જેના માલને ખુદા લઈ લે છે તેને જો ખુદાની તરફથી અજમાયશ ન સમજે તો તે ભવિષ્યમાં ખુદાની રહમત (દયા, દેણગી)થી નાઉમ્મેદ (નિરાશ) રહે છે.
બોધ: સુખ અને દુ:ખ બંને સ્થિતિ પરીક્ષાની છે. માટે એ બંને સ્થિતિઓમાં આશા અને ભય વચ્ચે રહેવું જોઈએ. હદીસ: હુઝૂરે અનવર (સલ.)ના કથન-વાક્ય.