મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…
થાણે: પ્લૉટ વેચવાને બહાને મુંબઈની મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે 68 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઈકવાડીએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે સોમવારે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે ચારમાંથી એક આરોપી મૃત્યુ પામ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આરોપીઓએ રાયગઢ જિલ્લાના પાલી ખાતેનો એક પ્લૉટ 46 વર્ષની ફરિયાદીને 68.10 લાખ રૂપિયામાં વેચ્યો હતો, પરંતુ મિલકતનું પઝેશન આપવામાં નિષ્ફળ ગયા હતા.
આ પ્રકરણે સુમિત જૈન (39), રિયલ એસ્ટેટ એજન્ટ વિઠ્ઠલ બબન નાકડે (43), વીરેન્દ્ર કદમ (24) અને ચંદ્રકાંત સાવંત (64) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી સુમિત જૈનની તાજેતરમાં હત્યા કરવામાં આવી હતી.
છેતરપિંડીને ઇરાદે આરોપીઓએ સાવંતને પ્લૉટના માલિક તરીકે રજૂ કર્યો હતો. જોકે ખરેખર તો સંબંધિત પ્લૉટ અન્ય કોઈની માલિકીનો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે પોલીસ તપાસ ચાલી રહી હોવાથી બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)